અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં મહિલા તબીબોને અપાઈ કરાટે-જુડોની તાલીમ- જુઓ Video
કોલકાતામાં મહિલા ટ્રેઈની ડૉક્ટરની રેપ બાદ હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દેશભરના રેસિડેન્ટ્સ તબીબો આ ઘટના સામે વિરોધ નોંધાવી રહ્યા છે. અમદાવાદમાં પણ છેલ્લા 5 દિવસથી રેસિડેન્ટ્સ તબીબો હડતાળ પર છે અને ન્યાયની માગ કરી રહ્યા છે. આ સાથે મહિલા તબીબને સ્વબચાવ માટે રક્ષાબંધન પર્વે માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.
કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા અમાનુષી અત્યાચાર બાદ હત્યાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. કોલકાતાની આર.જી.કર સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતી 31 વર્ષિય મહિલા તબીબની બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચરી હત્યા કરી દેવામાં આવી. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર દેશના તબીબી આલમમાં ભારે આક્રોષ છે અને પીડિતાને ન્યાય અપાવવા દેશભરના જુનિયર તબીબો છેલ્લા 10 દિવસથી દેખાવ કરી રહ્યા છે. અમદાવાદમાં પણ બીજે મેડિકલ કોલેજમાં સતત પાંચ દિવસથી તબીબો હડતાળ પાડી આક્રોષ વ્યક્ત કરી રહ્યા છે તેમજ ડૉક્ટર્સ પર થતા હુમલા સામે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ બનાવવાની સતત માગ કરી રહ્યા છે.
મેડિકલ, ડેન્ટલ, નર્સિંગની વિદ્યાર્થિનીઓને સ્વરક્ષા માટે અપાઈ કરાટેની તાલીમ
અમદાવાદમાં આ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા તબીબોને રક્ષાબંધન પર્વે સેલ્ફ ડિફેન્સ માટે માર્શલ આર્ટ્સ અને જુડોની ટ્રેનિંગ આપવામાં આવી. આ દરમિયાન મેડિકલની 500 જેટલી વિદ્યાર્થિનીઓને માર્શલ આર્ટસની તાલીમ આપવામાં આવી હતી. બી.જે. મેડિક કોલેજમાં કેમ્પસમાં પ્રથમવાર મેડિકલ, ડેન્ટલ અને નર્સિંગની વિદ્યાર્થિનીઓ માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા સ્પેશ્યિલ માર્શલ આર્ટ ટ્રેનરને બોલાવવામાં આવ્યા હતા.
પાંચ દિવસથી રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત્
અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં છેલ્લા પાંચ દિવસથી યુજી, પીજીના વિદ્યાર્થીઓ ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ હડતાળ યથાવત છે. આજે પણ આ જુનિયર રેસિડેન્ટ્સ તબીબો ઓપીડી અને ઈમરજન્સી સહિતની સેવાઓથી અળગા રહ્યા હતા. સરકાર દ્વારા રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશનની કેટલીક માગો હજુ સ્વીકારાઈ ન હોવાથી તેમનો વિરોધ યથાવત્ છે.