વંદે ભારત ટ્રેનના અકસ્માત રોકવા રેલવે લાઈનની બંને તરફ બેરિયર લગાવવાનો રેલવે તંત્રનો મોટો નિર્ણય

વંદે ભારત ટ્રેનના અકસ્માત રોકવા રેલવે લાઈનની બંને તરફ બેરિયર લગાવવાનો રેલવે તંત્રનો મોટો નિર્ણય

| Edited By: | Updated on: Dec 18, 2022 | 11:49 PM

Ahmedabad: અમદાવાદથી મુંબઈથી વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનના રૂટ પર અકસ્માત રોકવા રેલવે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે તંત્રએ આ ટ્રેનની રેલવે લાઈનની બંને તરફ 6થી7 મીટરના બેરિયર લગાવવાનો નિર્ણય કર્યો છે.

મુંબઈથી ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનના અકસ્માત અટકાવવા રેલવે તંત્રનો મોટો નિર્ણય લીધો છે. રેલવે લાઈનની બંને તરફ 6થી 7 મીટરના અંતરે બેરિયર લગાવાશે. રેલવે દ્વારા વડોદરા ડિવિઝનના સુરતથી અમદાવાદ રેલવે સ્ટેશન વચ્ચેની લાઈનની બંને બાજુ 140 કરોડના ખર્ચે થ્રી લેયર મેટલ ક્રેશ બેરિયર લગાવાશે. આ માટે પશ્ચિમ રેલવેએ બહાર પાડેલા ટેન્ડર 15 જેટલી કંપનીઓેએ રસ લીધો છે. મહત્વનું છે કે મુંબઈ-ગાંધીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ પીએમ મોદીએ 30 સપ્ટેમ્બરના રોજ કરાવ્યો હતો. જે બાદ ગુજરાતની હદમાં જ 3 સ્થળોએ વંદે ભારત ટ્રેન સાથે પશુઓ અથડાવાની ઘટનાઓ ઘટી હતી.

વંદે ભારત ટ્રેન સાથે અત્યાર સુધીમાં પશુઓ અથડાવાની અકસ્માતની 3 ઘટના ઘટી

અમદાવાદના વટવા અને મણિનગર વચ્ચે ચાર પશુઓ કપાઈ ગયા હતા. બીજી ઘટનામાં 7 ઓક્ટોબરે આણંદ નજીક કણજરી પાસે વંદે ભારત ટ્રેનની અડફેટે ગાયનું મોત થયું હતું. ત્રીજી ઘટનામાં વલસાડ નજીક અતુલ રેલવે સ્ટેશન પાસે ટ્રેન સાથે બળદ ભટકાયો હતો. 130 કિલોમીટરની ઝડપે દોડતી આ ટ્રેનના અકસ્માતોને પગલે RPF એક્શનમાં આવ્યું હતું. RPFએ રેલવે લાઈન નજીકના ગામોના સરપંચો સાથે બેઠકો કરી હતી અને રેલવે લાઈન નજીક પશુઓ ચરાવવા ન આવવા અપીલ કરી હતી.

જાન્યુઆરી મહિનાથી બેરિકેડિંગ લગાવવાની કામગીરી શરૂ થશે

અમદાવાદથી મુંબઈનો વંદે ભારત ટ્રેનના રૂટ પર બેરિકેડિંગ લગાવવામાં આવ્યા છે. પશુઓ આ રૂટ પર ન આવે તેની કામગીરી શરૂ કરવામાં આવી છે. વંદે ભારત ટ્રેન સાથે થતા અકસ્માતો રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સલામતીના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેને લઈને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી દેવામાં આવી છે અને જાન્યુઆરી મહિનાથી આ કામગીરી  શરૂ થશે અને પાંચ મહિનામાં કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.

Published on: Dec 18, 2022 11:49 PM