સોમનાથ રેલવે સ્ટેશનનો થશે કાયાકલ્પ, વાસ્તુશિલ્પ પ્રમાણે થશે ડિઝાઇન તૈયાર, જાણો મુસાફરો માટે શું સુવિધાઓ હશે
પશ્ચિમ રેલવેએ જણાવ્યા મુજબ સ્ટેશનોના પુન:વિકાસનો મૌલિક વિચાર શહેરનો પણ અભિન્ન વિકાસ કરવો અને શહેરના કેન્દ્ર જેવી જગ્યા સાથે શહેરનું ખાસ સ્થાન બનાવવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણ અનુસાર ભારતીય રેલવેએ દેશભરમાં 204 રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરવાનો નિર્ણય લીધો છે. જેમાંથી ત્રણ સ્ટેશનોના પુન:વિકાસની કામગીરી શરૂ થઇ ગઇ છે. જ્યારે 43 સ્ટેશનોનું કામ ચાલી રહ્યું છે. રેલવે મંત્રાલયે રેલવે સ્ટેશનોને આધુનિક સગવડોથી ભરપૂર વિશ્વસ્તરીય ટર્મિનલો રૂપે વિકસિત કરવાને વધારે મહત્ત્વ આપ્યું છે. જેથી રેલવેના સામાન્ય યાત્રીઓને આરામદાયક, સુવિધાજનક અને સુખમય રેલયાત્રાનો અનુભવ થઇ શકે.
સોમનાથ રેલવે સ્ટેશનનો થશે કાયા કલ્પ
રેલવે સ્ટેશન કોઇ પણ શહેરમાં આગમન માટેનું કેન્દ્રીય બિંદુ હોય છે. ત્યારે પશ્ચિમ રેલવેએ જણાવ્યા મુજબ સ્ટેશનોના પુન:વિકાસનો મૌલિક વિચાર શહેરનો પણ અભિન્ન વિકાસ કરવો અને શહેરના કેન્દ્ર જેવી જગ્યા સાથે શહેરનું ખાસ સ્થાન બનાવવાનો છે. રેલવે ટ્રેકની બંને બાજુએ સ્ટેશન બિલ્ડિંગની સાથે શહેરના બંને છેડાને જોડવામાં આવશે. દરેક સ્ટેશન પર પ્લેટફોર્મ પર એક વિશાળ રૂફ પ્લાઝા હશે, જેમાં રીટેઇલ, કાફેટેરિયા અને મનોરંજનની સગવડો જેમ કે ફૂડ કોર્ટ, વેઇટિંગ લાઉન્જ, સ્થાનિક ઉત્પાદનો માટે કેઓસ્ટ માટેની જગ્યા વગેરે જેવી તમામ સગવડો એક જ સ્થળે મળી રહેશે.
યાત્રીકો માટે હશે વિશેષ સુવિધા
યાત્રીઓને વધારે સારી સગવડ આપવા માટે, દિવ્યાંગ અનુકૂળ સગવડો પર ખાસ ધ્યાન આપીને યોગ્ય સાઇનેઝ, લિફ્ટ/એસ્કેલેટર/ટ્રાવેલેટર હશે. પૂરતી પાર્કિંગ સગવડની સાથે આગમન-પ્રસ્થાનને અલગ કરવામાં આવશે અને વાહનવ્યવહાર સુચારુ રૂપે થઇ શકશે. તે સાથે જ પરિવહનના અન્ય સાધનો જેવા કે, મેટ્રો, બસ વગેરેની પણ સતત કનેક્ટિવિટી માટે સ્કાઇવોક, ટ્રાવેલેટર વગેરે દ્વારા સમાન બનાવવામાં આવશે.
સાચે જ એ ગર્વની વાત છે કે ગુજરાતમાં આવેલ પશ્ચિમ રેલવેના ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ભારતીય રેલવે પ્રથમ એવું સ્ટેશન છે, જેને વિશ્વસ્તરીય સ્ટેશન રૂપે પુન:વિકસિત કરવામાં આવ્યું છે અને બીજા બે સ્ટેશન મધ્યપ્રદેશમાં ભોપાલ પાસે રાની કમલાપતિ અને કર્ણાટકના બેંગ્લુરુમાં સર. એમ. વિશ્વેશ્વરૈયા ટર્મિનલ છે. આ ઉપરાંત, પશ્ચિમ રેલવેના છ સ્ટેશનો એટલે કે સોમનાથ, સૂરત, ઉધના, સાબરમતી, ન્યૂ ભુજ અને અમદાવાદ સ્ટેશનોના પુન:વિકાસનું કામ ચાલી રહ્યું છે.
157.4 કરોડ રૂપિયાના ખર્ચે થશે પુન: વિકાસ
પશ્ચિમ રેલવેમાં પુન:વિકાસ કરવામાં આવી રહેલા સ્ટેશનો અંગે ઉલ્લેખનીય બાબત એ છે કે, સોમનાથ સ્ટેશનના પુન:વિકાસનું કાર્ય શરૂ થઇ ગયું છે અને તે ઝડપથી આગળ વધી રહ્યું છે. આ કામગીરી પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના ગતિશક્તિ યુનિટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સોમનાથ સ્ટેશનને 157.4 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે એક આધુનિક સ્ટેશન રૂપે પુન:વિકાસ કરવામાં આવી રહ્યો છે અને તેની કામગીરી માર્ચ, 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સપ્ટેમ્બર, 2022થી આ સ્ટેશનને કામગીરી માટે બંધ કરવામાં આવ્યું છે અને હાલમાં સ્ટેશનના બિલ્ડિંગને પાડવાની કામગીરી ચાલે છે. તે સાથે જ પાયાનું ખોદકામ પણ ચાલુ છે.
સોમનાથ સ્ટેશનને વાસ્તુશિલ્પ સાથે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. જેનાથી એ નિશ્ચિત થશે કે સમગ્ર સ્ટેશનનો આગળનો ભાગ, ફિનિશિંગ, રંગ, સામગ્રી, તેની રચના અને સમગ્ર રૂપ અને અનુભવ દ્વારા એક સમાન લાગે. મુખ્ય સ્ટેશન ભવનની છત પર 12 શિખર હશે જે 12 જ્યોતિર્લિંગોનું પ્રતિનિધિત્વ કરતા હશે અને આગળનો ભાગ પણ સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર જેવો દેખાતો હશે. તેની ડિઝાઇન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના વિવિધ પાસાંને પ્રતિબિંબિત કરશે અને પ્રાચીન તેમ જ આધુનિક વાસ્તુકલાનું સુંદર મિશ્રણ હશે.
અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે રેલવે સ્ટેશન
સોમનાથ રેલવે સ્ટેશનને વિવિધ સુખ-સગવડો અને સુવિધાઓ માટે પૂરતા ક્ષેત્રો સાથે મનોરમ્ય રીતે ડિઝાઇન કરેલા સ્ટેશન રૂપે અપગ્રેડ અને પુન:વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ યોજનમાં અલગ અલગ આવવા-જવાના યાત્રી પ્લાઝા, સ્ટેશનના પ્લેટફોર્મ ભીડથી મુક્ત અને સરળતાથી અંદર આવવા-બહાર જવાની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે. પ્લેટફોર્મ પરની ભીડ ઓછી કરવા માટે મુસાફરો માટે સગવડોથી ભરપૂર કોનકોર્સ -વેઇટિંગ રૂમ હશે. આખું સ્ટેશન વાઇ-ફાઇ કવરેજ ધરાવતું હશે. ઊર્જા, પાણી તથા અન્ય સંસાધનોના યોગ્ય ઉપયોગ, ઊર્જાનો નવીનતાભર્યો ઉપયોગ વગેરે સગવડોની સાથે સ્ટેશન ભવન ગ્રીન બિલ્ડિંગ હશે. બેટરી ચાર્જ કરવાની સુવિધા અને બેટરી સંચાલિત વાહનોના સંચાલનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. સ્ટેશન અત્યાધુનિક સંરક્ષા અને સુરક્ષા ધરાવતું હશે, જેમાં ઉત્કૃષ્ટ રેલવે મેનેજમેન્ટ માટે કુશળતાપૂર્વક ડિઝાઇન કરવામાં આવેલ લાક્ષણિકતાઓ સામેલ છે.
ત્રિવેણી સંગમ હોવાથી સોમનાથ પ્રાચીન કાળથી જ મહત્ત્વનું તીર્થ સ્થાન ગણાય છે. અને સોમનાથ મંદિરમાં સ્થાપવામાં આવેલ જ્યોતિર્લંગ શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા દરિયા કિનારાના વિકાસની યોજના ઓ સહિત વિવિધ પર્યટક આકર્ષણો સાથે આ એક ઉત્કૃષ્ટ પર્યટન સ્થળ બનાવવા માટે વિસ્તૃત વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેનું નવું આધુનિક સ્ટેશન ભવન આ શહેર માટે એક વધારાનું આકર્ષણ હશે. તે યાત્રીઓ, તીર્થયાત્રીઓ અને પર્યટકોને આધુનિક સુવિધાઓ અને સાધનો સાથે કોઇ એરપોર્ટ જેવી સુવિધાઓ પ્રદાન કરશે.