મહીસાગરમાં ખાબક્યો 8 ઈંચ વરસાદ, લુણાવાડા – શામળાજી હાઈવે પર પાણી ભરાતા અનેક વાહનો ફસાયા- Video
રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં પણ એકસાથે 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. લુણાવાડા શામળાજી હાઈવે પર પાણી ભરાવાને કારણે અનેક વાહનો અટવાયા છે.
મહીસાગર જિલ્લામાં ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડા- શામળાજી હાઈવે પર પાણી ભરાયા છે. વડગામ પાસે પાણી ભરાતા એકબાજુનો રસ્તો બ્લોક થયો છે. હાઈવે પર પાણી ભરાઈ જવાને કારણે અનેક વાહનો અટવાયા હતા. જેના કારણે ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. હાઈવે પર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જતા એસટી બસ અને કાર સહિતના વાહનો ફસાયા હતા. કારને ધક્કા મારીને લઈને જવાની ફરજ પડી હતી. સ્થાનિકોએ અને પોલીસે બંધ પડેલી કારને ધક્કા મારીને બહાર કાઢી હતી.
સંતરામપુરમાં ખાબક્યો 8 ઈંચ વરસાદ
આ તરફ સંતરામપુરમાં એક દિવસમાં 8 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. ઠેકઠેકાણે જળભરાવ થતા લોકોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે. ખાનપુરમાં પણ પોણા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભારે વરસાદને કારણે ચિબોટા નદી બે કાંઠે થઈ છે. બાકોરથી નવાઘારાને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. મોતીપુરા, દલેલપુરા, માલીવાડ ફળિયાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. રસ્તો બંધ થતા ગામલોકો 10 કિલોમીટર ફરીને જવા મજબુર બન્યા છે.
વાલરાથી કાનોડ મુવાડા જતો માર્ગ ધોવાયો, લોકો 30 કિમી ફરીને જવા મજબુર
લાવેરી નદી પર આવેલો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. વીરપુરની દરિયાઈ દુલ્હા દરગાહના મુખ્ય દ્વાર સુધી પાણી ભરાઈ ગયા છે. મહિસાગરમાં ખાનપુરથી બાવળિયા જતા માર્ગમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. ગામલોકોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે. વાલરાથી કાનોડ મુવાડા જતા માર્ગ પર નાળુ ધોવાયુ છે. 30 ફુટ જેટલો રોડ ધોવાતા ગામ સંપર્કવિહોણું બન્યુ છે. વર્ષમાં ત્રમ વખત આ નાળુ ધોવાઈ ચુક્યુ છે. નાળાની નબળી કામગીરીને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. 30 ફૂટ જેટલો રોડ ધોવાતા ગામ સંપર્કવિહોણું બન્યુ છે.
Input Credit- Ashish Thakar- Mahisagar
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો