દુર્ઘટના કે હત્યા! રાજકોટ ગેઈમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 24 લોકો થયા ભડથુ, મૃતકોમાં 12 માસૂમ બાળકોનો પણ સમાવેશ, ક્યાં છે ગેમ ઝોનના માલિક?- Video

રાજકોટમાં નાનામવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં એકાએક ભીષણ આગ લાગી હતી, જેમાં 24 લોકોના મોત થયા છે. આ આગ એટલી વિકરાળ છે તે ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને રાજકોટ પોલીસ કમિશનરે તાત્કાલિક ધોરણે શહેરના અન્ય ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.

| Edited By: | Updated on: Jun 01, 2024 | 1:41 PM

રાજકોટ નાના મવા રોડ પર આવેલી સયાજી હોટલ નજીક TRP ગેમઝોનમાં ભીષણ આગ ભભુકી ઉઠી છે. હાલ વેકેશનનો માહોલ હોવાથી ગેમઝોનમાં અનેક બાળકો અને તેમના માતાપિતા ફસાયા હોવાની વાત છે. હાલ મળતી પ્રાથમિક જાણકારી મુજબ અત્યાર સુધીમાં બાળકો સહિત 24  લોકોના મોત થયા છે અને હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. આગ એટલી ભીષણ છે કે ફાર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. 12 થી વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે.

આગની લાગતા જ ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો છે અને 2 કિલોમીટર સુધીના એરિયામાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. ઘટનાને પગલે મુખ્યમંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ સમગ્ર વહીવટીતંત્રને તત્કાલ બચાવ અને રાહત કામગીરી કરવા માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચના આપી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાને અગ્રતા આપવા સૂચના આપી છે. આ આગને પગલે રાજકોટ પોલીસ કમિશનરે શહેરના તમામ ગેમઝોન બંધ કરવાનો આદેશ કર્યો છે.

માસુમોના મોતનો પરવાનો કોણે આપ્યો ?

આગ લાગવા પાછળ એસીમાં બ્લાસ્ટ બતાવવામાં આવી રહ્યુ છે, જો કે હજુ સુધી નક્કર કારણ જાણી શકાયુ નથી. હજુ સુધી આગ લાગવાનુ નક્કર કારણ જાણી શકાયુ નથી ત્યારે સૌથી મોટો સવાલ છે કે રાજ્યમાં આગની અનેક ઘટનાઓ બાદ પણ કેમ કાળજી લેવાતી નથી, અમદાવાદમાં ટીઆરપી ગેમઝોનમાં આગ લાગ્યા બાદ પણ તંત્ર દ્વારા કેમ ચેકિંગ હાથ ન ધરાયુ. ઘટનામાં જવાબદારો કોણ છે, માસુમ બાળકોના મોત માટે જવાબદાર કોણ છે ? હજુ અંદર કેટલા લોકો ફસાયા છે? હજુ સુધી ગેમ ઝોનના માલિક વિશે કોઈને જાણકારી નથી. પ્રાથમિક તપાસમાં ગેમઝોનમાં ફાયર સેફ્ટીનો સદંતર અભાવ હોવાનુ સામે આવ્યુ છે. ફાયર એનઓસી વિના ગેમઝોન ચલાવવાની મંજૂરી કોણે આપી તે પણ મોટો સવાલ છે. આટલી મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છે પરંતુ હજુ સુધી ગેમઝોનના માલિક સામે આવ્યા નથી. ત્યારે તેમને લઈને પણ શંકા ઉપજી રહી છે. મોતનો આંક સતત વધી રહ્યો છે. હાલ 24 લોકોના મોત થયા છે અને આ આંક હજુ વધી શકે છે. ત્યારે આટલી મોટી બેદરકારી દાખવનારા લોકોને માસૂમોના મોતનો પરવાનો કોણે આપ્યો તે પણ મોટો સવાલ છે.

આ પણ વાંચો: રાજકોટમાં ફરી બની સુરત તક્ષશિલા કાંડ જેવી ઘટના, 24 મે, 2019 ની ઘટનાનું પુનરાવર્તન !

 

 

Published On - 8:50 pm, Sat, 25 May 24