Narmada: બોગસ ડિગ્રી કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ, કેસની તપાસ માટે SITની રચના કરાઇ
રાજપીપળાની બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં 10 ડિસેમ્બર 2021ના રોજ એક બનાવટી વેબસાઈટ બની હતી. આ ઉપરાંત એક બનાવટી ડીગ્રી સર્ટિ. વેરીફીકેશન માટે આવી હતી. આ અંગે રજિસ્ટ્રારે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
નર્મદા (Narmada) આંતરરાજય બોગસ ડિગ્રી કૌભાંડ (Bogus degree scam)ના કેસમાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અમદાવાદ (Ahmedabad)ના એજન્ટ પ્રણવ જાની અને દિલ્લીના વરૂણ શાહ નામના શખ્સની ધરપકડ કરી છે. જો કે, હજુ પણ આ કેસમાં 5 જેટલા આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલું છે.
નર્મદા આંતરરાજય બોગસ ડિગ્રી કૌભાંડ કેસમાં અમદાવાદના એજન્ટ પ્રણવ જાની અને દિલ્લીના વરૂણ શાહ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓના તાર મુખ્ય આરોપી દેવલાનંદ જોડે સંકળાયેલા હતા. નર્મદા પોલીસ વડાએ આ કેસની તપાસ માટે SITની રચના કરી છે. જેમાં 4 જેટલી ટીમો બનાવી દેશના ખૂણેખૂણે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
રાજપીપળાની બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં 10 ડિસેમ્બર 2021ના રોજ એક બનાવટી વેબસાઈટ બની હતી. આ ઉપરાંત એક બનાવટી ડીગ્રી સર્ટિ. વેરીફીકેશન માટે આવી હતી. આ અંગે રજિસ્ટ્રારે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે રાજપીપળા પોલીસ અને નર્મદા LCB સહિતની ટીમોએ તપાસ શરૂ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ દિલ્હી ખાતેથી બેઉલાનંદ રેવ બીસી નંદ નામની મહિલાએ બનાવ્યા છે અને આ મહિલા નવી દિલ્હીના રાજાપુરી રોડ ઉત્તમનગરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
સમગ્ર મામલે જાણકારી મળ્યા બાદ પોલીસે દિલ્લીની મહિલાની ધરપકડ કરીને તેની પાસેથી 35 યુનિવર્સિટીની બનાવટી 237 ડીગ્રી અને 510 માર્કશીટ જપ્ત કરી હતી. રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળ્યા બાદ આ કૌભાંડ ખુલ્યુ હતુ. LCBની ટીમ દિલ્હી પહોંચી ગઈ હતી અને આરોપી મહિલાને ઝડપી પાડી હતી અને ઘરમાં તપાસ કરતા દેશની અલગ-અલગ 35 યુનિવર્સિટીના 30 ડિગ્રી સર્ટિફિકેટ અને 10 માર્કશીટ, સ્ટેશનરી, કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ-અલગ યુનિવર્સિટી તેમજ બોર્ડના 94 રબર સ્ટેમ્પ તથા ડિગ્રી સર્ટિફિકેટ તથા માર્કશીટ ઉપર લગાડવાના હોલમાર્ક મળી આવ્યા હતા.