રાજકોટમાં સમલૈંગિક સબંધો ધરાવવા ઈચ્છુક વ્યક્તિને સાથે લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. પીડિત યુવકને 20 ઓક્ટોબરના રોજ સમલૈંગિક સબંધ બાંધવાનું કહીને નવા 150 ફુટ રિંગરોડ પર લઇ જઇને બે શખ્સોએ તેના મોબાઇલ ફોન અને એક હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. યુવકે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે.પોલીસે યુવકની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી અને આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ભોગ બનનાર યુવક સમલૈંગિક સબંધો ધરાવે છે. થોડા દિવસ પહેલા સમલૈંગિક સબંધો અંગેની હી-સે નામની એપ્લિકેશનમાં ભોગ બનનાર યુવકને રૂદ્ર નામના યુવાન સાથે સંપર્ક થયો હતો. બંન્ને વચ્ચે મોબાઇલ ફોન નંબરની આપ લે થઇ હતી. ગત 20 સપ્ટેમ્બરના રોજ ભોગ બનનાર યુવકને બસ સ્ટેન્ડ નજીક મળવા માટે આવ્યો હતો અને તેની સાથે તેનો મિત્ર રાજદિપ પણ હતો.
રૂદ્ર અને પીડિત યુવક વચ્ચે શારિરીક સબંધ માટે જવાનું નક્કી થયું. રૂદ્ર અને રાજદિપ બંન્ને ભોગ બનનાર યુવકને નવા 150 ફુટ રિંગરોડ તરફ લઇ ગયા અને ત્યાં અવાવરૂ સ્થળ પર જઇને તેને માર મારવા લાગ્યા. દરમિયાન રાજદિપ અને રૂદ્રએ લૂંટ પણ ચલાવી. લૂંટ કર્યા બાદ કટારિયા ચોકડી તરફ જ્યારે ભોગ બનનાર યુવકને લઇ જતા હતા ત્યારે યુવક આ બંન્ને લૂંટારૂઓની ચુંગાલમાંથી ચાલુ બાઇકે કૂદકો લગાવીને કુદી પડ્યો હતો અને ત્યાંથી નાસી છુટીને પોલીસનો સંપર્ક કર્યો હતો.
Published On - 1:55 pm, Sat, 26 October 24