વડોદરા: JCB કેબિનમાં 10 મહિલાઓ અને ટ્રોલીમાં બાળકો ! 17 શ્રમિકોને ‘કચરા’ની જેમ ભરી ચાલકે જોખમી મુસાફરે…

| Edited By: | Updated on: Feb 04, 2026 | 6:53 PM

વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં એક JCB ચાલકે ટ્રાફિકના તમામ નિયમો નેવે મૂકી 17 જેટલા શ્રમિકોને જીવના જોખમે બેસાડ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા RTO અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

વડોદરામાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં એક JCB ચાલકે માનવતા અને કાયદો બંને ભૂલીને શ્રમિકોના જીવ જોખમમાં મૂક્યા હતા. રસ્તા પરથી પસાર થઈ રહેલા આ JCBમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે જોઈને કોઈપણ વ્યક્તિ સ્તબ્ધ થઈ જાય તેમ હતું.

JCB કે ‘બસ’? વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, જેસીબીની નાનકડી કેબિનમાં ઠાંસી-ઠાંસીને 10 જેટલી મહિલાઓને બેસાડવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ, JCBના આગળના ભાગમાં અને અન્ય જગ્યાએ બાળકો સહિત કુલ 17 શ્રમિકોને બેસાડીને ચાલક બિન્દાસ રીતે રસ્તા પર ફરી રહ્યો હતો. એક સામાન્ય ભૂલ કે અચાનક બ્રેક પણ આ તમામ નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકી હોત.

માણસોની કિંમત કચરા સમાન? થોડા સમય પહેલા ‘ડોર-ટુ-ડોર’ કચરો ઉઠાવતી ગાડીઓમાં કચરાને બદલે માણસોને ભરીને લઈ જવાનો વીડિયો વાયરલ થયો હતો. ફરી એકવાર આવી જ ઘટના પુનરાવર્તિત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ગરીબ શ્રમિકોના જીવની કિંમત કચરા સમાન છે? જો કોઈ અકસ્માત સર્જાય અને કોઈનો જીવ જાય, તો તેની જવાબદારી કોની? JCB માલિકની, ચાલકની કે પછી ઊંઘતા ઝડપાયેલા તંત્રની?

તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ શહેરના ભરચક વિસ્તારોમાં જ્યારે આવી રીતે જોખમી મુસાફરી થતી હોય ત્યારે RTO અને શહેર ટ્રાફિક પોલીસ ક્યાં છે? સ્માર્ટ સિટીના સીસીટીવી કેમેરામાં આવા દ્રશ્યો કેમ ઝડપાતા નથી? ખોડિયારનગરનો આ વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસ આ બેદરકાર ચાલક સામે શું પગલાં લે છે તે જોવું રહ્યું.

સ્થાનિક નાગરિકોની માંગ છે કે આવા બેદરકાર ચાલકો અને વાહન માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ટાળી શકાય.

Input Credit: Anjali Oza

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રમોશન કૌભાંડના આક્ષેપો : 2020ની શિક્ષણ નીતિનો 2015ના પેપરમાં ઉલ્લેખ થતા હોબાળો- જુઓ Video

Published on: Feb 04, 2026 06:17 PM