Budget 2024 : જમીન ક્ષેત્રે કરાનારા સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે, જાણો હવે જમીન ક્ષેત્રે કેવા થશે ફેરફાર

| Edited By: | Updated on: Jul 23, 2024 | 6:17 PM

નાણાકીય વર્ષ 2024-2025ના અંદાજપત્રમાં મોદી સરકાર-03ની નવ પ્રાથમિકતા ઉપર ભાર મૂક્યો હતો. નવ પ્રાથમિકતામાં શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે અસર કરે તેવી એક પ્રાથમિકતા છે જમીન ક્ષેત્રે સુધારણા. આગામી દિવસોમા મોદી સરકાર દ્વારા જમીન ક્ષેત્રે અનેક સુધારણા કરવામાં આવશે. જાણો આ સુધારાઓ અંગે.

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણે આજે 23મી જુલાઈના રોજ નાણાકીય વર્ષ 2024-2025 માટેનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ અંદાજપત્રમાં મોદી સરકાર-03ની નવ પ્રાથમિકતા ઉપર ભાર મૂક્યો હતો. નવ પ્રાથમિકતામાં શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે અસર કરે તેવી એક પ્રાથમિકતા છે જમીન ક્ષેત્રે સુધારણા. આગામી દિવસોમા મોદી સરકાર તમામ જમીનો માટે યુનિક લેન્ડ પાર્સલ આઇડેન્ટિફિકેશન નંબર (યુએલપીઆઇએન) અથવા ભૂ-આધાર નક્કી કરશે.

નાણાપ્રધાન નિર્મલા સિતારમણે અંદાજપત્રની રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જમીનને લગતા આ સુધારાઓ અંતર્ગત જમીન માલિકી નકશાનું ડિજિટાઇઝેશન કરવામાં આવશે. વર્તમાન જમીન માલિકી અનુસાર નકશાના પેટા વિભાગોનું સર્વેક્ષણ પણ કરાશે. જમીન નોંધણીની કાર્યવાહી હાથ ધરાશે. ખેડૂતોની રજિસ્ટ્રી સાથે જોડાણ કરવામાં આવશે. શહેરી જમીન સંબંધિત પણ કેટલાક સુધારાઓ કરવામાં આવનાર છે. જે પૈકી શહેરી વિસ્તારોમાં જમીનના રેકોર્ડને જીઆઈએસ મેપિંગ સાથે ડિજિટાઇઝ કરવામાં આવશે.

નાણાપ્રધાન નિર્મલા સિતારમણે શ્રમિકો માટેની સેવાઓને પણ સુધારાઓ અને સુવિધાઓ સાથે સાંકળી લીધી છે. વન-સ્ટોપ સોલ્યુશનને સરળ બનાવવા માટે અન્ય પોર્ટલ સાથે ઇ-શ્રમ પોર્ટલનું એકીકરણ કરવામાં આવશે. આજે ઝડપથી બદલાતાં શ્રમ બજાર, કૌશલ્યયુક્ત જરૂરિયાતો અને ઉપલબ્ધ નોકરીની ભૂમિકાઓ માટે ઓપન આર્કિટેક્ચર ડેટાબેઝ તૈયાર કરાશે. સંભવિત નોકરીદાતાઓ અને કૌશલ્ય પ્રદાતાઓ સાથે નોકરીના ઈચ્છુક લોકોને જોડવાની વ્યવસ્થા કરવામાં આવશે.