Breaking News : આમ આદમી પાર્ટીને મોટો ફટકો! બોટાદ હિંસા બાદ રાજુ કરપડાનું રાજીનામું, સ્થાનિક ચૂંટણી પહેલા ખળભળાટ, જુઓ Video
આમ આદમી પાર્ટીના કિસાન સેલના નેતા રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને કડદા પ્રથા મુદ્દે તેઓ ચર્ચામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા કરપડાના રાજીનામાને કારણે આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્યો છે.
ગુજરાતની રાજનીતિમાં ફરી એક વાર ગરમાવો આવ્યો છે, આમ આદમી પાર્ટીના કિસાન સેલના અગ્રણી ચહેરો રાજુ કરપડાએ અચાનક રાજીનામું આપતા AAPમાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ઢોલ વાગી રહ્યા છે અને એ વચ્ચે રાજુ કરપડાનું બહાર નીકળવું પાર્ટી માટે સીધો રાજકીય ઝટકો ગણાઈ રહ્યું છે.
બોટાદમાં AAPની સભા દરમિયાન થયેલા પથ્થરમારા અને ત્યારબાદ હડદડ ગામે ભભૂકેલી હિંસા બાદ રાજુ કરપડા ચર્ચાના કેન્દ્રમાં આવ્યા હતા. કડદા પ્રથાના મુદ્દે ઊઠેલા વિવાદે રાજકીય તાપમાન વધાર્યું હતું અને હવે એ જ પૃષ્ઠભૂમિમાં તેમનું રાજીનામું અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.
અરવિંદ કેજરીવાલને સંબોધીને લખ્યો પત્ર
ખેડૂતોના મુદ્દે લડતા એક અવાજ તરીકે ઓળખાતા રાજુ કરપડાએ સોશિયલ મીડિયા પર પોતાના નિર્ણયની જાહેરાત કરતાં લખ્યું કે તેમનો નિર્ણય ઘણા લોકોને ચોંકાવશે. પરિવારને મજબૂત બનાવવા માટે આ પગલું ભર્યું હોવાનું કહી તેમણે કોઈની લાગણી દુભાઈ હોય તો ક્ષમા પણ માંગી. પરંતુ અરવિંદ કેજરીવાલને સંબોધીને લખાયેલા પત્રમાં તેમણે પાર્ટીના તમામ પદોથી રાજીનામું આપી દીધું અને એટલું કહીને રાજકીય મેદાનમાં સનસનાટી ફેલાવી દીધી.
Tv9 ગુજરાતી સાથે વાતચીતમાં AAP પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ સ્વીકાર્યું કે રાજુ કરપડાના રાજીનામાની ખબર તેમને મીડિયા મારફતે જ પડી. તેમણે જણાવ્યું કે કરપડાએ પાર્ટી માટે દિવસ-રાત મહેનત કરી છે અને તેમની સાથે વાતચીત હજુ બાકી છે. હડદડ કાંડનો ઉલ્લેખ કરતાં ઈશુદાન ગઢવીએ દાવો કર્યો કે AAPએ 86 ખેડૂત આગેવાનોને કાનૂની સહાય આપી હતી અને કરપડા તથા ખેડૂતોના આંદોલનના દબાણથી જ ગુજરાત સરકારને 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવું પડ્યું અને કડદા કાંડ બંધ કરવું પડ્યું.
ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે રાજ્યભરમાં 10 કિસાન મહાપંચાયતો યોજાઈ, 13,000 ગામડાઓમાં મીટિંગો થઈ અને 80,000 ખેડૂતોના સમર્થન પત્રો મળ્યા સાથે જ તેમણે ભાજપ પર આક્ષેપ કર્યો કે જૂના કેસો ખોલીને અથવા ખોલવાની ધમકી આપી નેતાઓને હેરાન કરવાનો પ્રયાસ થઈ શકે છે. તેમ છતાં તેમના શબ્દોમાં “રાજુ કરપડા નબળા મનના નથી.”
ઈશુદાન ગઢવીએ રાજકીય નિવેદન આપતાં કહ્યું કે “AAP ગુજરાતનું ભવિષ્ય છે, કોંગ્રેસ ડૂબતો સૂરજ છે અને ભાજપ અસ્ત થતો સૂરજ છે.” હવે સૌથી મોટો સવાલ એ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા કિસાન ચહેરા તરીકે ઓળખાતા રાજુ કરપડાનું જવું AAP માટે માત્ર એક રાજીનામું છે કે રાજકીય ઝંઝાવાતની શરૂઆત? રાજકારણના આ નવા વળાંકે ગુજરાતની રાજનીતિને વધુ ઉકળાટભરી બનાવી દીધી છે.
Input Credit : Kinjal Mishra
પદ મળ્યું પણ માન નહીં! નવસારી ભાજપમાં રાજીનામાની રાજનીતિ ગરમાઈ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો