Breaking News : ભારતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈ ચિંતાજનક અનુમાન, વરસાદ પર નિર્ભર વિસ્તારો માટે ચિંતાજનક સ્થિતિ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની શક્યતા છે અને દેશમાં સરેરાશ માત્ર 92 ટકા વરસાદ થવાનો અંદાજ છે, જેને સામાન્ય કરતાં ઓછી શ્રેણીમાં ગણવામાં આવે છે. છેલ્લા આઠ વર્ષમાં પહેલીવાર IMDએ ચોમાસું સામાન્યથી ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 2026ના ચોમાસાને લઈ ચિંતાજનક પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની શક્યતા છે અને દેશમાં સરેરાશ માત્ર 92 ટકા વરસાદ થવાનો અંદાજ છે, જેને સામાન્ય કરતાં ઓછી શ્રેણીમાં ગણવામાં આવે છે. છેલ્લા આઠ વર્ષમાં પહેલીવાર IMDએ ચોમાસું સામાન્યથી ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે કૃષિ અને પાણીના સ્ત્રોતો પર અસર પડવાની આશંકા ઊભી થઈ છે.
આ વિસ્તારોમાં રહેશે સામાન્ય વરસાદ
IMD અનુસાર ચોમાસાની સિઝનમાં દેશમાં લગભગ 80 સેન્ટિમીટર વરસાદ થવાની શક્યતા છે, જ્યારે 1971થી 2020ના લાંબા ગાળાના સરેરાશ મુજબ દેશમાં લગભગ 87 સેન્ટિમીટર વરસાદ નોંધાય છે. આ મુજબ દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. જોકે લદ્દાખ, પૂર્વોત્તર રાજ્યો, તેલંગાણા, આંધ્રપ્રદેશના મધ્ય ભાગો, દક્ષિણ ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
IMDના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો. એમ. મોહાપાત્રાએ જણાવ્યું છે કે આ વર્ષે કુલ વરસાદ લાંબા ગાળાના સરેરાશના લગભગ 92 ટકા રહેશે. હવામાન વૈજ્ઞાનિકોના મતે, જૂન મહિનાની આસપાસ અલ નીનોની સ્થિતિ વિકસવાની શક્યતા છે, જે સામાન્ય રીતે ભારતમાં ચોમાસાને નબળું પાડે છે. અલ નીનોના કારણે વરસાદમાં ઘટાડો અને લાંબા વિરામ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જે દેશના ખેતી આધારિત વિસ્તારો માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો- Breaking News : ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં ભયનો માહોલ, કોંગ્રેસે ઉમેદવારોને કેમ છુપાવવાની ફરજ પડી? જુઓ Video