Breaking News : ડુંગળીથી લઈ દુધ સહિત એક વર્ષમાં કુલ 13 જરૂરી ખાદ્ય ચીજો મોંઘી થઈ
દેશમાં મોંઘવારીની સામાન્ય જનતા પર અસર પડી રહી છે. એક વર્ષમાં કુલ 13 ખાદ્ય ચીજો મોંઘી થઈ છે.ડુંગળીના ભાવ એક વર્ષમાં બમણા થયા છે.જ્યારે ખાંડના ભાવમાં પણ વધારો થયો છે. એક વર્ષમાં શાકભાજી, કઠોળ, દાળ અને તેલના ભાવ વધ્યા છે. માત્ર બટાકા અને ટમેટાના ભાવ ઘટ્યા છે.
દેશમાં વધી રહેલી મોંઘવારીની સીધી અસર હવે સામાન્ય માણસના રસોડા પર જોવા મળી રહી છે. સરકારી આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં કુલ 13 જરૂરી ખાદ્ય ચીજો મોંઘી થઈ છે..એક તરફ ડુંગળીના ભાવ લગભગ બમણા થઈ ગયા છે.કેન્દ્ર સરકારના 2025 અને 2026 ના આંકડા મુજબ, છેલ્લા એક વર્ષમાં ડુંગળીની કિંમતમાં સૌથી વધુ વધારો થયો છે. ગત વર્ષે 24 નવેમ્બરે ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ 26.95 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હવે વધીને 53.38 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
તેલના ભાવમાં પણ ભડકો
આમ, એક વર્ષમાં ડુંગળીના ભાવમાં 98.07 ટકાનો તોતિંગ વધારો થયો છે. એ જ રીતે, ખાંડનો ભાવ પણ 46.60 રૂપિયાથી વધીને 61.06 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.એક વર્ષમાં ન માત્ર ખાંડ અને ડુંગળી નહીં પરંતુ અનાજ અને કઠોળના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.તો તેલના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે.
એક વર્ષમાં કુલ 13 જરૂરી ખાદ્ય ચીજો મોંઘી થઈ
ચોતરફી મોંઘવારી વચ્ચે માત્ર આ 2 ચીજો એટલે કે બટાકા અને ટામેટાંના ભાવમાં ઘટાડો થવાથી ગ્રાહકોને થોડી રાહત મળી છે. સરકારી આંકડા મુજબ, બટાકાનો સરેરાશ છૂટક ભાવ 27.07 રૂપિયાથી ઘટીને 23.40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે, જેમાં 13.56 ટકાનો ઘટાડો દર્શાવે છે.બીજી તરફ ટામેટાંના ભાવ પણ 51.12 રૂપિયાથી ઘટીને 38.55 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.એટલે કે તેમાં 24.59 ટકાનો ઘટાડો નોંધાયો છે.
પરિવારોના રસોડાનું બજેટ ખોરવી નાખ્યું
ખાદ્ય પદાર્થોની કિંમતોમાં થયેલા આ વધારા પાછળ નબળું ચોમાસું, પાકને થયેલું નુકસાન, ખેડૂતોનો વધતો ખેતી ખર્ચ અને પશુઓના ચારાની મોંઘવારી જેવા પરિબળો જવાબદાર છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થતી વધઘટ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવની અસર પણ ઘરેલુ બજાર પર પડી શકે છે. ડુંગળી, ખાંડ, દાળ અને તેલની મોંઘવારીએ સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે.
