શું છે જ્વાલામુખી મંદિરની નવ જ્યોતનું રહસ્ય? જાણો ‘જ્વાલા’ રૂપ જગદંબાનો મહિમા

જ્વાલામુખી મંદિરમાં કુલ નવ જ્યોતના ભક્તોને દર્શન થઈ રહ્યા છે. જેમાંથી સાત જ્યોત મુખ્ય મંદિરમાં દૃશ્યમાન છે. જ્યારે બાકીની બે જ્યોત પરિસરમાં જ આવેલ ગોરખ ડિબ્બીમાં વિદ્યમાન છે. આ નવ જ્યોત વાસ્તવમાં તો દેવીના નવ સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે !

TV9 Bhakti
| Edited By: | Updated on: May 01, 2022 | 9:11 AM

સમગ્ર ભારતમાં આદ્યશક્તિના તો અનેકવિધ સ્થાનકો વિદ્યમાન છે. પણ અમારે આજે એક એવાં શક્તિધામની વાત કરવી છે કે જ્યાં ભક્તોને થાય છે મા જગદંબાના પ્રત્યક્ષ દર્શન. અને દેવીનું આ પ્રત્યક્ષ રૂપ એટલે તેમનું સદૈવ પ્રજ્વલિત રહેતું જ્વાલા સ્વરૂપ! હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં જ્વાલામુખી નગર આવેલું છે અને આ નગરમાં સ્થિત જ્વાલામુખી મંદિરમાં આદ્યશક્તિ જગદંબાના ‘જ્વાલા’ના રૂપના શ્રદ્ધાળુઓને દર્શન થઈ રહ્યા છે.

દેવી જ્વાલાનું આ મંદિર એ 51 શક્તિપીઠમાં સ્થાન ધરાવે છે! કહે છે કે આ ભૂમિ પર દેવી સતીના ખંડિત વિગ્રહની પ્રજ્વલિત જિહ્વા પડી હતી અને તે સાથે જ ભૂમિમાંથી સ્વયંભૂ જ જ્વાલા પ્રગટ થઈ હતી! માન્યતા અનુસાર ત્યારથી જ અહીં અવિરતપણે જ આ જ્વાલાઓ પ્રજ્વળી રહી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે અહીં આવી એક નહીં, પરંતુ, નવ-નવ જ્વાલાઓના ભક્તોને દર્શન થઈ રહ્યા છે.

કુલ નવ જ્યોતમાંથી સાત જ્યોત મુખ્ય મંદિરમાં દૃશ્યમાન છે. જ્યારે બાકીની બે જ્યોત પરિસરમાં જ આવેલ ગોરખ ડિબ્બીમાં વિદ્યમાન છે. આ નવ જ્યોત વાસ્તવમાં તો દેવીના નવ સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે! એકસાથે દેવીના આવા નવ-નવ સ્વરૂપોના દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે. આ નવ જ્યોત એ દેવી મહાકાલી, દેવી મહાલક્ષ્મી, દેવી મહાસરસ્વતી, મા હિંગળાજ ભવાની, મા વિંધ્યવાસિની, મા અન્નપૂર્ણા, મા ચંડી દેવી, મા અંજનાદેવી તેમજ મા અંબિકા સ્વરૂપ મનાય છે.

ઉલ્લેખનીય છે કે ઘી કે તેલ વિના જ દેવીની આ જ્વાલા 24 કલાક પ્રજ્વલિત જ રહે છે. સવાર અને સાંજના સમયે જ્યોતમાં નીલી ઝાંય દેખાય છે. પણ, મધ્યાહન સમયે તે એકદમ પીળો રંગ ધારણ કરી લે છે! સૌથી નવાઈની વાત એ છે કે આ ભૂમિ પર અનેકવાર સંશોધન થઈ ચૂક્યું છે પણ હજુ સુધી એ સાબિત નથી થઈ શક્યું કે આ જ્યોત શેને લીધે આમ જ અવિરત પ્રજ્વળી રહી છે! કોઈ કુદરતી ગેસને લીધે આ ઘટના બની હોવાના દાવા પણ ખોટા પૂરવાર થયા છે અને તે જ વાત મા જ્વાળા પ્રત્યેની ભક્તોની આસ્થાને વધુ દ્રઢ બનાવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)


આ પણ વાંચોઃ શનિ શિંગણાપુર કરતા પણ પ્રાચીન છે આ શનિધામ, અહીં શ્રીકૃષ્ણએ શનિદેવને આપ્યું હતું વરદાન!

આ પણ વાંચોઃ અહીં માતા વરુડીના હસ્તે થઈ હતી આઈશ્રી ખોડલની પ્રતિષ્ઠા ! જાણો વરાણાના ખોડલધામની મહત્તા

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">