તમે નહીં જોઈ હોય આવી દુર્લભ ગણેશ પ્રતિમા, જાણો પુણેના ત્રિશુંડ મયૂરેશ્વર ગણપતિનો મહિમા

|

Apr 12, 2022 | 8:34 AM

માન્યતા અનુસાર ત્રણ સૂંઢવાળા શ્રીગણેશનું આવું દિવ્ય રૂપ વિશ્વમાં બીજે ક્યાંય જોવા નથી મળતું. ત્રણ સૂંઢ અને છ ભુજા સાથેનું વિઘ્નહરનું આ રૂપ અત્યંત મનોહર ભાસે છે અને તેમની આ જ મહત્તા અહીં ભક્તોને આકર્ષે છે.

એકદંતા (ekdanta) શ્રીગણેશ  દેવી પાર્વતીના પુત્ર છે. પણ, પૌરાણિક કથાઓ અનુસાર તેમણે ચારેય યુગમાં ચાર અલગ-અલગ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે. આ ચારેય અવતારમાં વિઘ્નહર્તા ગજમુખ સાથે જ જોવા મળે છે. એટલે કે સૂપડા જેવાં કાન સાથે અને લાંબી સૂંઢ સાથે. પણ, અમારે આજે એક એવી ગણેશ પ્રતિમાની વાત કરવી છે કે જેને એક નહીં, પણ, ત્રણ-ત્રણ સૂંઢ છે ! વિઘ્નહર્તાનું આ રૂપ મહારાષ્ટ્રના પુણેના સોમવાર પેઠ નામના વિસ્તારમાં સ્થિત છે.

પુણેના સોમવાર પેઠમાં ત્રિશુંડ મયૂરેશ્વર ગણપતિ મંદિર આવેલું છે. કાળા પત્થરમાંથી કંડારાયેલું અહીંનું મંદિર શિખરબદ્ધ નથી. અને એટલે જ દૂરથી એ અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે, કે આ કોઈ મંદિર છે. પરંતુ, જેવાં ભક્તો આ મંદિરની સમીપે પહોંચે છે તે સાથે જ તેનું ઉત્કૃષ્ટ સ્થાપત્ય સૌ કોઈને દંગ કરી દે છે. આ મંદિર પેશ્વાકાલીન મનાય છે. પણ તેમ છતાં, તેના સ્થાપત્યમાં રાજસ્થાની, માલવા તેમજ દક્ષિણ ભારતીય સ્થાપત્યની છાંટ વર્તાય છે.અહીં ગર્ભગૃહમાં વક્રતુંડનું વિશ્વનું સૌથી દુર્લભ સ્વરૂપ વિદ્યમાન થયું છે. અને આ ગણપતિ એટલે ત્રણ સૂંઢવાળા ગણપતિ.

માન્યતા અનુસાર ત્રણ સૂંઢવાળા શ્રીગણેશનું આવું દિવ્ય રૂપ વિશ્વમાં બીજે ક્યાંય જોવા નથી મળતું. ત્રણ સૂંઢ અને છ ભુજા સાથેનું વિઘ્નહરનું આ રૂપ અત્યંત મનોહર ભાસે છે. અને તેમની આ જ મહત્તા અહીં ભક્તોને આકર્ષે છે. ગજાનન શ્રીગણેશ અહીં મયૂર પર બિરાજમાન થયા છે. અને એટલે જ તે મયૂરેશ્વર તરીકે પૂજાય છે. તેમની ત્રણ સૂંઢને લીધે ભક્તો તેમને ત્રિશુંડ ગણપતિ કહે છે. વાસ્તવમાં આ પ્રતિમા કાળા પત્થરમાંથી નિર્મિત છે. પણ, તેને સિંદૂરનો લેપ કરી દિવ્ય સ્વરૂપ પ્રદાન કરાય છે.

કહે છે કે ત્રણ સૂંઢ સાથેનું વક્રતુંડનું આ રૂપ એ શ્રીગણેશના ત્રિગુણાત્મક સ્વરૂપનો પરિચય આપે છે. તે પ્રભુના સત્વ, તમસ અને રજસ ગુણને અભિવ્યક્ત કરે છે ! અને આવી અનોખી પ્રતિમા સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય જોવા નથી મળતી. અહીં ત્રિશુંડ ગણપતિના દર્શન કરી મંદિરની 21 પ્રદક્ષિણા કરવાથી મનોકામના પૂર્ણ થવાની માન્યતા છે

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : સોનલને જાજીરે ખમાયું! જૂનાગઢના મઢડામાં થયું હતું મા સોનલનું પ્રાગટ્ય, જાણો આઈશ્રીની પ્રગટભૂમિનો મહિમા

આ પણ વાંચો : પુષ્કરમાં શા માટે પતિ બ્રહ્માજીથી દૂર બિરાજે છે માતા સાવિત્રી ? જાણો તીર્થરાજ પુષ્કરના અદભુત રહસ્યો !

Next Video