અમદાવાદમાં કેવી રીતે થયું બાળા બહુચરાનું આગમન ? જાણો નવાપુરાના જૂના બહુચર ધામની રસપ્રદ કથા, જુઓ video

અહીં મંદિરના ગર્ભગૃહમાં મા બહુચરની અત્યંત ભાવવાહી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. માતાનું આ રૂપ અત્યંત તેજોમય ભાસે છે. માન્યતા અનુસાર અહીં આસ્થા સાથે આવનારને મા ક્યારેય નિરાશ નથી કરતા. કંઈ માંગ્યા વિના જ મા બહુચરા (Maa Buchachara) તો ભક્તોને બધું જ આપી દે !

TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 24, 2023 | 9:12 AM

મા બાળા બહુચરા એટલે તો આદ્યશક્તિનું બાળા રૂપ. અત્યંત મનોહારી અને અસુરવિનાશિની સ્વરૂપ. મા બાળા બહુચરા એ બાળા ત્રિપુર સુંદરીના નામે પણ પ્રસિદ્ધ છે અને સમગ્ર ભારતમાં તેમના અનેકવિધ પાવનકારી સ્થાનકો વિદ્યમાન છે. પરંતુ, અમારે આજે આપને અમદાવાદના સૌથી પ્રાચીન બહુચર ધામનો મહિમા જણાવવો છે. આ એ સ્થાનક છે કે જે ભક્તોને મન મહેસાણાના બેચરાજી સરીખો જ મહિમા ધરાવે છે. આ સ્થાનક એટલે અમદાવાદનું સૌથી પ્રાચીન બહુચર ધામ. નવાપુરાના જૂના બહુચરાજીનું મંદિર. ત્યારે આવો, આજે આપને આ ધામનો મહિમા જણાવીએ અને સાથે જ એ પણ જાણીએ કે અમદાવાદમાં કેવી રીતે થયું હતું બાળા બહુચરાનું આગમન ?

નવાપુરાના જૂના બહુચરધામ

અમદાવાદના ગીતામંદિર રોડ પર “નવાપુરાના જૂના બહુચરધામ” મંદિર આવેલું છે. અને તેના નામની જેમ જ આ સ્થાનક એ અમદાવાદનું સૌથી પ્રાચીન બહુચરધામ મનાય છે. મંદિર લગભગ 400 વર્ષ પ્રાચીન છે. અલબત્ આદ્યશક્તિ બહુચરા તો અહીં પૌરાણિકકાળથી જ વિદ્યમાન હોવાની લોકવાયકા પ્રચલિત છે. અહીં મંદિરના ગર્ભગૃહમાં મા બહુચરની અત્યંત ભાવવાહી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. માતાનું આ રૂપ અત્યંત તેજોમય ભાસે છે. કહે છે કે દેવીના આ દિવ્ય રૂપના નિત્ય દર્શન કરવાથી પરમશાંતિની અનુભૂતિ થાય છે. એટલું જ નહીં, માન્યતા અનુસાર અહીં આસ્થા સાથે આવનારને મા ક્યારેય નિરાશ નથી કરતા. કહે છે કે કંઈ માંગ્યા વિના જ મા બહુચરા તો ભક્તોને બધું જ આપી દે છે ! માના દિવ્ય રૂપના દર્શન માટે નીચેના વીડિયો પર ક્લિક કરો.

આનંદના ગરબાની રચના !

વલ્લભ ભટ્ટ એ મા બહુચરના પરમ ભક્ત હોવાનું તો સૌ કોઈ જાણે છે. પણ, ઘણાં ઓછાને એ ખ્યાલ હશે કે વલ્લભ ભટ્ટજીને નવાપુરાના બહુચર મંદિરમાં જ મા બહુચરાનો પ્રથમ સાક્ષાત્કાર થયો હતો ! એટલું જ નહીં, આ જ મંદિરમાં માત્ર 11 વર્ષની ઉંમરે વલ્લભ ભટ્ટે આનંદના ગરબાની રચના કરી હતી ! માત્ર 11 વર્ષની ઉંમરે નવાર્ણ મંત્રને સિદ્ધ કરી વલ્લભ ભટ્ટે આદ્યશક્તિને પ્રસન્ન કર્યા અને કહે છે કે પછી માની ઈચ્છાથી જ તેમણે આનંદના ગરબાની અહીં રચના કરી હતી.

દેવી શા માટે પધાર્યા અમદાવાદ ?

નવાપુરા બહુચર મંદિરમાં જેટલો મહિમા માની પ્રતિમાના દર્શનનો છે, તેટલો જ મહિમા અહીં સ્થિત માનસરોવરના દર્શનનો પણ છે. આ માનસરોવરને ભક્તો કુંડ કે વાવ જેવાં નામે પણ બોલાવે છે. જો કે મંદિરમાં આ સ્થાન દુર્ગા સપ્તશતી યંત્રના નામે પ્રસિદ્ધ છે. પ્રચલિત કથા અનુસાર દંઢકારણ્યમાં અસુર દંઢકનો વધ કર્યા બાદ દેવી સ્વયંની ઈચ્છાથી આ ધરા પર પધાર્યા હતા. કહે છે કે તેમણે માનસરોવરમાં શસ્ત્રનો ત્યાગ કર્યો હતો અને પછી ત્યાં વિશ્રામ કર્યો હતો. ત્યારબાદ ભક્તોની ઈચ્છાને વશ થઈ દેવી આજે જ્યાં મંદિર છે તે સ્થાન પર વિદ્યમાન થયા હતા.

કેમ કહેવાયા નવાપુરાના જૂના બહુચરા ?

જ્યારે અમદાવાદની રચના થઈ, ત્યારે સર્વ પ્રથમ અહીં નવ “પરા” વસ્યા. આ નવ પરાના સૌથી પ્રાચીન દેવી હતા મા બહુચરા. તે સમયના નવાપરાનું અપભ્રંશ થઈ નવાપુરા બન્યું. અને દેવી નવાપુરાના જૂના બહુચર તરીકે ખ્યાત થયા.

અન્નકૂટ દર્શનનો મહિમા

માગશર સુદ બીજના દિવસે અહીં મા બહુચરને અન્નકૂટ ધરાવવામાં આવે છે. ભર શિયાળે ભક્તોને રસ-રોટલીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. પ્રચલિત કથા અનુસાર ભક્ત વલ્લભની લાજ રાખવા મા બહુચરે આ તિથિ પર જ સ્વયં વલ્લભ ભટ્ટનું રૂપ લીધું હતું. અને સમગ્ર મેવાડા બ્રાહ્મણ સમાજને રસ રોટલીનું જમણ કરાવ્યું હતું. ત્યારથી તમામ બહુચર મંદિરોમાં માગશર સુદ બીજે રસ રોટલીનો પ્રસાદ વહેંચવામાં આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">