દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા પૂર્વે અચૂક રાખો આ સાવધાની, તો જ થશે ફળની પ્રાપ્તિ !
નવરાત્રી દરમ્યાન નિત્ય દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. સાથે જ મા દુર્ગા પ્રસન્ન થઇને હંમેશા તેમના ભક્ત પર કૃપા વરસાવતા રહે છે.
ચૈત્રી નવરાત્રી(navratri)ના અવસરે મા દુર્ગાના સપ્તશતીના પાઠ કરવાની સવિશેષ મહત્તા છે. માન્યતા છે કે નવરાત્રી દરમિયાન સાચી રીતે મા દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે તો મા દુર્ગા આપની પર પ્રસન્ન થઇ આપને મનોકામના પૂર્તિના આશિષ આપે છે. નવરાત્રીમાં મા દુર્ગાના નવ રૂપોની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. સાથે જ મા દુર્ગાના સપ્તશતી પાઠનો પણ મહિમા બતાવવામાં આવ્યો છે. કહે છે કે નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નિત્ય દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. સાથે જ મા દુર્ગા પ્રસન્ન થઇને હંમેશા તેમના ભક્ત પર કૃપા વરસાવતા રહે છે. પરંતુ, મા દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા સમયે અમુક વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. નહીં તો આપને તેના પૂર્ણ ફળની પ્રાપ્તિ નહીં થાય. ⦁ એકદમ ખાસ છે દુર્ગા સપ્તશતી દુર્ગા સપ્તશતીના 13 અધ્યાયોમાં 700 શ્લોકો દ્વારા મા દુર્ગાની આરાધના કરવામાં આવે છે. આ અધ્યાયોમાં દેવીના 3 ચરિત્રો વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ ચરિત્રોને પ્રથમ, મધ્યમ અને ઉત્તમ ચરિત્ર એવા નામોથી ઓળખવામાં આવે છે. ⦁ મા દુર્ગાની વંદનાના 3 અધ્યાય દુર્ગા સપ્તશતીના પહેલા અધ્યાયમાં પ્રથમચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં મા કાલીની આરાધના કરવામાં આવે છે. બીજાથી લઇને ચોથા અધ્યાયમાં માના મધ્યમ ચરિત્રના વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં મહાલક્ષ્મીની આરાધના કરવામાં આવે છે. પાંચથી લઇને 13માં અધ્યાયમાં ઉત્તમ ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં મા સરસ્વતીની આરાધના કરવામાં આવી છે. આ દુર્ગા સપ્તશતીનો પાઠ કરતાં પહેલા કઇ કઇ બાબતોનું ધ્યાન રાખશો, ચાલો, તે વિશે આપને માહિતગાર કરીએ.
⦁ દુર્ગા સપ્તશતીનો પાઠ કરતાં સમયે રાખવાની સાવધાની
1. દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા પહેલા આસન પર બેસતા પહેલા સ્વયંની શુદ્ધિ હોવી જરૂરી છે. ત્યારબાદ જ પાઠનો આરંભ કરવો.
2. દુર્ગા સપ્તશતીનો પાઠ શરૂ કરતા પહેલા પુસ્તકને નમન કરવું, ધ્યાન કરવું ત્યારબાદ પ્રણામ કરીને પાઠ શરૂ કરવો જોઇએ.
3. દુર્ગા સપ્તશતી પાઠને હંમેશા લાલ રંગના કપડા પર રાખવું જોઇએ. તેની પુષ્પ, કુમકુમ અને અક્ષતથી પૂજા કરવી જોઈએ.
4. દુર્ગા સપ્તશતીના પાઠ પહેલા નવાર્ણ મંત્ર, કવચ અને અર્ગલા સ્ત્રોતનો પાઠ અવશ્ય કરો. ત્યારબાદ જ દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.
5. દુર્ગા સપ્તશતીના પાઠ સમયે શબ્દોના ઉચ્ચાર સ્પષ્ટ અને સાચા હોવા જરૂરી છે.
6. દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા સમયે પુસ્તક ક્યારેય હાથમાં લઇને ન વાંચવું જોઇએ. તેને કોઇ બાજઠ, સ્ટેન્ડ કે પાટલા પર રાખીને જ પઠન કરવું જોઇએ.આ કાર્ય કરવાથી દેવીમા ઝડપથી પ્રસન્ન થાય છે.
7. દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા સમયે આપે વિરામ ન લેવો જોઇએ. જ્યારે પણ આ પાઠ શરૂ કરો ત્યારે વચ્ચે રોકાવું ન જોઇએ. એક અધ્યાય સમાપ્ત થયા પછી વચ્ચે 10 કે 15 સેકન્ડનો વિરામ લઇ શકાય.
8. દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા સમયે એ ખ્યાલ રાખવો કે આપની વાંચવાની ગતિ વધુ પણ ન હોવી જોઇએ અને ધીમી પણ ન હોવી જોઇએ. તે વાતનું ધ્યાન રાખવું. મધ્યમ ગતિએ તમારે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઇએ.
9. જો એક દિવસમાં પાઠ ન કરી શકાય તો પહેલા દિવસે માત્ર મધ્યમ ચરિત્રનો પાઠ કરો. બીજા દિવસે બાકીના 2 ચરિત્રનો પાઠ કરો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : ચૈત્રી નવરાત્રીમાં મા દુર્ગાને અર્પણ કરી દો આ ભોગ, જીવનમાં નહીં સતાવે કોઈ રોગ !
આ પણ વાંચો : જગદંબાની આરાધનામાં જો નહીં રાખો આ સાવધાની તો ભારે પડશે આદ્યશક્તિની નારાજગી !