Breaking News : અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરી શકે તેવો ‘ડીપ ટ્રેકર’ રોબોટ, નદી-કેનાલમાં ઊંડે જઈ કરશે રેસ્ક્યુ, જુઓ Video

| Updated on: Jan 21, 2026 | 9:51 PM

દુનિયા હવે AIના સહારે આગળ વધી રહી છે. ત્યારે ટેકનોલોજીમાં અમદાવાદનું ફાયર વિભાગ પણ પાછળ નથી. એવા અદભૂત રોબોટ વસાવ્યા છે, જે દરેક મુશ્કેલ કામ આસાન કરી દેશે.

અમદાવાદ ફાયર વિભાગ હવે પાણીની અંદર પણ ઝડપથી અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી શકશે. લાંબા સમયથી જે ટેક્નોલોજીની જરૂરિયાત હતી, તે હવે પૂર્ણ થઈ છે. અમદાવાદ ફાયર વિભાગે અત્યાધુનિક ડીપ ટ્રેકર અંડર વોટર રોબોટ ખરીદ્યા છે, જે જીવ બચાવથી લઈને મૃતદેહ શોધવાની કામગીરી કરશે. પાણીની અંદર જઈને રેસ્ક્યુ, શોધખોળ અને ભારે કામગીરી કરનાર ડીપ ટ્રેકર રોબોટ હવે અમદાવાદ ફાયર વિભાગનો ભાગ બન્યો છે. અગાઉ આવી કામગીરી માટે ખાનગી વ્યક્તિઓ પર આધાર રાખવો પડતો હતો, પરંતુ હવે ફાયર વિભાગ પાસે પોતાની આધુનિક સુવિધા ઉપલબ્ધ છે.

અમદાવાદ ઇસ્ટ અને અમદાવાદ વેસ્ટ એમ બે ભાગમાં આ રોબોટને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુ, મૃતદેહ અથવા મહત્વપૂર્ણ પુરાવા શોધીને પાણીમાંથી બહાર લાવવામાં આ રોબોટ મહત્વની ભૂમિકા ભજવશે. રિવરફ્રન્ટ પરના ફાયર વિભાગના કર્મચારીઓને ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.

મહત્વનું છે કે, આ રોબોટ પડકારજનર રેસ્ક્યૂ ઓપરેશન, રાતના સમયે આવતી મુશ્કેલી અને કલાકોના વિલંબની સમસ્યા પણ દૂર કરશે. તમામ સમસ્યાના ઉકેલ તરીકે હવે ફાયર વિભાગને ‘ડીપ ટ્રેકર’ મળ્યું છે. જે નદી, કેનાલ જેવા ઉંડા પાણીમાં પણ ઓપરેટ થશે. અને રાતના અંધારામાં 4K કેમેરાને કારણે ક્લિઅર વિઝન આપશે. તરવૈયાઓની જેમ આ રોબોટને સાપ કે અન્ય જીવજંતુની સમસ્યા પણ નડતી નથી.

નદી, કેનાલમાં ડૂબેલા લોકોને શોધવામાં સાંજના સમય પર ખૂબ મુશ્કેલી આવે છે. એવામાં આ રોબોટ ખૂબ કારગર નીવડશે. કોઈ વસ્તુ શોધવામાં પહેલેથી જ ખાતરી કરી શકાય છે કે, ઓબ્જેક્ટ છે ક્યાં? ગુનેગારોએ નદીમાં ફેંકેલા હથિયારો પણ આ રોબોટ શોધી કાઢશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો