
30 સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 માં એવી ઘટના બની, જેણે વિમાનમાં સવાર લોકોના જીવ જોખમમાં મૂકી દીધા. ઉડાન દરમિયાન કોકપિટમાં બંને પાયલટો વચ્ચે હિંસક ઘટના બની અને કેપ્ટન સ્મિત મચ્છર ઘાયલ થઈ ગયા. ત્યારબાદ સ્મિત મચ્છર લોહી-લુહાણ હાલતમાં વિમાનને કંટ્રોલ કરીને નીચે લાવવામાં સફળ રહ્યા.
આ પછી મુસાફરો, ક્રૂ અને વિમાનમાં હાજર અન્ય પાયલટોની મદદથી સ્થિતિ સંભાળવામાં આવી તેમજ વિમાનને સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત લેન્ડ કરાવવામાં આવ્યું. આ ઘટના બાદ ભારતીય પાયલટ સ્મિત મચ્છરની બહાદુરીની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. ઈઝરાયેલના અધિકારીઓ અને નેતાઓએ પણ તેમના સાહસની સાર્વજનિક રીતે પ્રશંસા કરી છે. ઈઝરાયેલના ભારતમાં રાજદૂત રૂવેન અઝારે કહ્યું કે, તેમના સાહસનું સન્માન કરવામાં આવશે.
આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઈઝરાયેલની એક ક્રિએટરનો વીડિયો પણ ચર્ચામાં છે, જેમાં તે ભારતીય પાયલટનો આભાર માનતી જોવા મળી રહી છે. વીડિયોમાં તે લોકોને સ્મિત મચ્છર વિશે જાણવા અને તેમની બહાદુરીને યાદ રાખવાની અપીલ કરે છે. તેનું કહેવું છે કે, આ ઘટનામાં સ્મિત મચ્છરે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો. વીડિયોમાં તે પાયલટ ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના પણ કરે છે અને તેમના સાહસ માટે આભાર વ્યક્ત કરે છે.
રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઈટ લગભગ 33 હજાર ફૂટની ઊંચાઈ પર હતી; ત્યારે જ કોકપિટમાં હુમલો થયો. આ પછી વિમાન લગભગ 14 હજાર ફૂટ નીચે આવ્યું. આટલી ઝડપથી ઊંચાઈ ઓછી થયા બાદ વિમાનમાં હાજર લોકો વચ્ચે ચિંતાની સ્થિતિ સર્જાઈ ગઈ. આ દરમિયાન ઘાયલ કેપ્ટન સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજો ખોલવામાં મહત્વની ભૂમિકા ભજવી.
દરવાજો ખુલ્યા બાદ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને અંદર પહોંચવા તેમજ હુમલાખોર પર કાબૂ મેળવવાનો મોકો મળ્યો. વિમાનમાં હાજર બે ઓફ-ડ્યુટી પાયલટોએ પણ વિમાનને સંભાળવામાં મદદ કરી. આ પછી ફ્લાઈટને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ તરફ વાળવામાં આવી, જ્યાં તેની સુરક્ષિત લેન્ડિંગ થઈ.
ઘટના બાદ ઈઝરાયેલમાં સ્મિત મચ્છર માટે સન્માન અને આભારની વાતો સામે આવી રહી છે. ઈઝરાયેલી રાજદૂત રૂવેન અઝારે કહ્યું કે, સ્મિતની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હતી અને ઈઝરાયેલ તેમના સાહસનું સન્માન કરશે. ઈઝરાયેલના અધિકારીઓ સાથે મુસાફરોએ પણ આ ઘટના દરમિયાન મદદ કરી.
એક મુસાફર અને વિમાનમાં હાજર અન્ય લોકોએ હુમલાખોરને કાબૂમાં કરવામાં ભૂમિકા ભજવી. આ આખી ઘટનાએ બતાવ્યું કે, મુશ્કેલ સમયમાં પાયલટ, ક્રૂ અને મુસાફરોની તાત્કાલિક કાર્યવાહી કેટલી મહત્વપૂર્ણ હોઈ શકે છે. હાલમાં આ ઘટના બાદ સ્મિત મચ્છરનું નામ દુનિયાભરમાં ચર્ચામાં છે. બીજી તરફ, ઘટનાની પૂરી સત્યતા અને તેની પાછળનું કારણ જાણવા માટે સંબંધિત એજન્સીઓની તપાસ ચાલુ છે.