
સોશિયલ મીડિયા ક્રિએટરનો OpenAI ના GPT-6 Astra સાથેનો એક વીડિયો વાયરલ થઈ ગયો છે. ક્રિએટરે જણાવ્યું કે, કેવી રીતે આ AI આસિસ્ટન્ટ ખૂબ જ ઓછા સૂચનો સાથે IRCTC ટિકિટ-બુકિંગ પ્રોસેસ પૂરી કરી શકે છે. આ વીડિયો સામે આવ્યા પછી એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, AI-પાવર્ડ ઓટોમેશન કેટલી પ્રગતિ કરી ચૂક્યું છે.
IRCTC એક સરકારી વેબસાઇટ હોવાથી ક્રિએટરને શંકા હતી કે, AI ખરેખર ટિકિટ બુક કરી શકશે કે નહીં? એવામાં ક્રિએટરે જાતે જ આ વાત ચકાસવાનું નક્કી કર્યું.
તેણે ChatGPT Astra ખોલીને ફક્ત એટલું જ લખ્યું, “મારે 20 સપ્ટેમ્બરે રાત્રે 9 થી 11 વાગ્યા વચ્ચે મુંબઈથી રાજકોટ જવા બે લોકો માટે AC ટ્રેન ટિકિટ બુક કરવી છે, બ્રાઉઝરનો ઉપયોગ કરો.”
તેણે જણાવ્યું કે, ત્યારબાદ AI એ પોતાની મેળે જ બુકિંગ પ્રોસેસ આગળ વધારવાનું શરૂ કરી દીધું. AI એ ઉપડવાના (Departure) અને પહોંચવાના (Destination) સ્ટેશનો પસંદ કર્યા, મુસાફરીની તારીખ અને સમયની વિગતો ઉમેરી, ઉપલબ્ધ ટ્રેનો શોધી અને અલગ-અલગ વિકલ્પોમાં ટિકિટની ઉપલબ્ધતા ચકાસી.
ક્રિએટરે દાવો કર્યો કે, AI એ જરૂરિયાતો મુજબ ટ્રેનો શોધી લીધી. વધુમાં જણાવ્યું કે, ઉપલબ્ધ વિકલ્પ વેટિંગ લિસ્ટમાં છે. હવે ChatGPT એ પૂછ્યું કે, તે આગળ કેવી રીતે વધવા માંગે છે? ત્યારે તેણે AI ને પછીના દિવસ માટેની ટિકિટ શોધવાનો નિર્દેશ આપ્યો.
ક્રિએટરે કહ્યું, “મારા માટે ફક્ત પેમેન્ટ કરવાનું જ બાકી રહી ગયું હતું.” તેણે જણાવ્યું કે, ટિકિટ બુકિંગ દરમિયાન ટ્રેન સર્ચ કરવા, ટ્રેન પસંદ કરવા અને જરૂરી ફોર્મ ભરવા જેવા મોટાભાગના કામ AI એ જાતે જ કરી દીધા. આ ડેમોએ ઓનલાઇન લોકોનું ધ્યાન ખેંચ્યું અને ઘણા યુઝર્સ એ વાત પર ચર્ચા કરવા લાગ્યા કે, શું આવી ક્ષમતાઓ રોજિંદા ડિજિટલ કામોના ઓટોમેટ થવાની પદ્ધતિમાં કોઈ મોટો ફેરફાર લાવશે?
એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, “આને તત્કાલમાં અજમાવી જુઓ, ત્યારે હું માનીશ કે AI આપણા બધાનું સ્થાન લઈ લેશે.” તેણે IRCTC ની અત્યંત કોમ્પિટિટિવ ‘તત્કાલ’ ટિકિટ-બુકિંગ સિસ્ટમનો ઉલ્લેખ કર્યો, જ્યાં ટિકિટો અવારનવાર થોડી જ મિનિટોમાં વેચાઈ જાય છે. અન્ય એક યુઝરે અલગ ટેસ્ટનું સૂચન કર્યું કે, “આને એક રિઝ્યૂમે આપો અને આના દ્વારા અસલી નોકરીઓ માટે અપ્લાય કરવાની કોશિશ કરો.”