કયા દેવી દેવતાની કેટલી પ્રદક્ષિણા બનશે વિશેષ ફળદાયી ?
તમે ગણેશજીની કેટલી પ્રદક્ષિણા કરો છો ? તમે વિષ્ણુ ભગવાનની કેટલી પ્રદક્ષિણા કરો છો ? ક્યા દેવી દેવતાની કેટલી પ્રદક્ષિણા કરવી એ તમે જાણો છો ? માતા દુર્ગાની તો એક પરિક્રમા માત્રથી પણ વ્યક્તિને પરમ શક્તિની પ્રાપ્તિ થઈ જાય છે !
દેવી-દેવતાઓની પ્રદક્ષિણાનો (PRADAKSHINA) એક આગવો જ મહિમા રહેલો છે. શ્રદ્ધાળુઓ જ્યારે મંદિરમાં દર્શને જાય છે, ત્યારે મૂર્તિ દર્શન બાદ અચૂક મંદિરની પણ પ્રદક્ષિણા કરે છે. મંદિરની પ્રદક્ષિણાના માધ્યમથી ભક્તો જે-તે દેવી-દેવતાની પ્રદક્ષિણાનું પુણ્ય પ્રાપ્ત કરે છે. પણ, શું તમે બધાં જ મંદિરમાં એક સમાન રીતે જ પ્રદક્ષિણા કરો છો ? શું તમને ખબર છે કે કયા દેવી-દેવતાની કેટલી પ્રદક્ષિણા કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે ?
આપણા શાસ્ત્રોમાં પ્રદક્ષિણા અથવા પરિક્રમા સંબંધિત ઉલ્લેખ મળે છે. પ્રદક્ષિણાનો ઈતિહાસ ખુબ જૂનો છે. આપણા શાસ્ત્રોમાં નદીઓની પ્રદક્ષિણાનો પણ મહિમા બતાવાયો છે. જેમકે, નર્મદા, ગંગા આદિ નદીઓની પરિક્રમા કરવામાં આવે છે. આપણે ત્યાં તો ગિરનાર અને ગોવર્ધન જેવાં પર્વતની પરિક્રમાનો પણ મહિમા છે. તો, વૃક્ષોની પરિક્રમાનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે.
કોઈ ચાર ધામની પરિક્રમા પણ કરે છે. તો કેટલાય તો સંપૂર્ણ ભારતવર્ષની પણ પ્રદક્ષિણા કરતા હોય છે. અલબત્, દરેક વ્યક્તિ તેના માટે સક્ષમ નથી હોતી. પણ, સામાન્ય તીર્થ સ્થાનોમાં તો આપ પણ પ્રદક્ષિણા કરતા જ હશો. પણ, ઘણાં ઓછાં લોકોને એ ખ્યાલ હશે કે દરેક દેવી-દેવતાની પ્રદક્ષિણાની સંખ્યા અલગ-અલગ હોય છે !
તમે ગણેશજીની કેટલી પ્રદક્ષિણા કરો છો ? તમે વિષ્ણુ ભગવાનની કેટલી પ્રદક્ષિણા કરો છો ? ક્યા દેવી દેવતાની કેટલી પ્રદક્ષિણા કરવી એ તમે જાણો છો ? આવો આજે આપને તે જ જણાવીએ. કર્મ લોચન નામના ગ્રંથમાં પ્રદક્ષિણા સંબંધી ઉલ્લેખ મળે છે. જેમાં જણાવાયુ છે તે મુજબ….
⦁ ભગવાન શિવની હંમેશા અડધી પ્રદક્ષિણા જ કરવામાં આવે છે. ⦁ વિષ્ણુ ભગવાનની હંમેશા ચાર પ્રદક્ષિણા કરવી. ⦁ દેવી દુર્ગાની એક પ્રદક્ષિણા કરવી. ⦁ સૂર્યદેવની હંમેશા સાત પ્રદક્ષિણા કરવી. ⦁ હનુમાનજી અને ગણેશજીની ત્રણ પ્રદક્ષિણા કરવી.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે દેવી દેવતાની પ્રદક્ષિણા કે પરિક્રમા સંબંધી શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી, એ તમામની ત્રણ પરિક્રમા કરવી.
કહે છે કે માતા દુર્ગાની માત્ર એક પ્રદક્ષિણાથી વ્યકિતને તે શક્તિની પ્રાપ્તિ કરાવે છે. તો, ગણેશજીની ત્રણ પરિક્રમા કરવાથી રિદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિના આશિષ મળે છે. તો ભગવાન વિષ્ણુની ચાર પ્રદક્ષિણાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આમ દરેક દેવી દેવતાની પરિક્રમાની સંખ્યા પણ અલગ છે અને તેનાથી પ્રાપ્ત થતા આશિષ પણ. આશા રાખીએ કે હવે જ્યારે આપ કોઈ મંદિરે જશો, તો શાસ્ત્રોક્ત રીતે પ્રદક્ષિણાની સંખ્યાને પણ ધ્યાનમાં રાખશો.
આ પણ વાંચોઃ ભગવાન શંકર: શિવપૂજા સમયે ભૂલથી પણ ન કરતા આ નિયમોનો ભંગ, જાણો શિવપૂજા સંબંધિત ખાસ વાત