ભગવાન શંકર: શિવપૂજા સમયે ભૂલથી પણ ન કરતા આ નિયમોનો ભંગ, જાણો શિવપૂજા સંબંધિત ખાસ વાત
શિવપૂજા દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન જરૂરી છે. તો કેટલીક બાબતો એવી પણ છે કે જેનું શિવપૂજામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ભૂલથી પણ એ નિયમોનો ભંગ ન થવો જોઈએ.
શિવજી (SHIVJI) એટલે તો ભોળાનાથ. મહાદેવ (Bhagvan Mahadev)એટલે તો ઝડપથી રીઝી જતા દેવ. એવું કહેવાય છે કે શિવજી એ ભક્તોના ભાવ માત્રથી જ રીઝી જાય છે. પરંતુ, શિવભક્તો તો શિવજીને પ્રસન્ન કરવા વિશેષ પૂજા અને અવનવા ઉપાય અજમાવતા હોય છે. જો કે વિશેષ શિવપૂજા દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન જરૂરી છે.
અલગ- અલગ પંથમાં અને ગ્રંથમાં તેના નિયમો અને પ્રથાઓ અલગ છે. તો કેટલીક બાબતો એવી પણ છે કે જેનું શિવજીની પૂજામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ભૂલથી પણ એ નિયમોનો ભંગ ન થવો જોઈએ. આવો આજે આપને જણાવીએ શિવ પૂજા સંબંધી કેટલીક ખાસ બાબતો.
સૌથી પહેલાં આપને જણાવી દઈએ કે શિવપૂજા દરમિયાન રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવું જોઈએ. શીવલીલા ગ્રંથ અનુસાર વ્યક્તિએ કાન, ગળે, મસ્તક, હાથ, બાજુ અને વિવિધ અવયવો પર રૂદ્રાક્ષ ધારણ કરવું જોઈએ.
શિવજીની પૂજામાં બિલ્વપત્રનો તો અચુક ઉપયોગ થાય છે અને આપ પણ શિવાલય જાઓ ત્યારે મહાદેવને બિલ્વપત્ર અચૂક અર્પણ કરતા હશો. મહાદેવને બિલ્વપત્ર અત્યંત પ્રિય છે. પરંતુ, શું તમને ખબર છે કે બિલ્વપત્રને તોડવાનો પણ નિયમ છે ? એવું કહે છે કે બિલ્વપત્રને ગમે તે સમયે તોડી લેવાથી મહાદેવ બિલકુલ પ્રસન્ન થતા નથી. જો મહાદેવની કૃપાની પ્રાપ્તિ કરવી છે તો ચોથ, આઠમ, નોમ, ચૌદશ અને અમાસના દિવસે તો ભૂલથી પણ બિલ્વપત્રને વૃક્ષ પરથી ન તોડવું જોઈએ.
કેટલાક લોકો શિવજીને અર્પિત થતી વસ્તુઓ જેમકે નૈવેદ્ય, ફળ, ફૂલ, પાન અને પાણીને અગ્રાહ્ય માને છે. જો કે શિવને પૂર્ણ બ્રહ્મ માનતા શિવભક્તો તો શિવજીને અર્પિત તમામ વસ્તુને ગ્રાહ્ય જ ગણે છે.
ક્યાંક તમે શિવજીની પૂજામાં શંખનો ઉપયોગ તો નથી કરતાં ને ? વિષ્ણુની પૂજામાં શંખનો ખાસ ઉપયોગ થાય છે. પરંતુ શિવજીની પૂજામાં શંખનો ઉપયોગ વર્જિત મનાય છે. મહાદેવે શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હોવાથી તેનો ક્યારેય ઉપયોગ થતો નથી.
એટલે કે, હવે જ્યારે તમે શિવજીની પૂજા કરો, ત્યારે આ બાબતોને તમે પણ ખાસ ધ્યાનમાં રાખજો. જેથી ખૂબ જ ઝડપથી શિવજીની કૃપાને પ્રાપ્ત કરી શકાય.
આ પણ વાંચોઃ તમને ખબર છે કેમ ગણેશ પૂજામાં અર્પણ નથી થતું તુલસીનું પાન ?