હાલમાં સાયબર ફ્રોડના (Cyber Crime) અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં સ્કેમર્સ જુદી-જુદી રીત દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, ખાનગી કંપનીમાં કામ કરતી 48 વર્ષની મહિલા સાયબર છેતરપિંડીનો શિકાર બની હતી. તે મહિલાએ રૂપિયા કમાવવાની લાલચમાં રૂપિયા ગુમાવ્યા હતા. પીડિત મહિલાને મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો જેમાં તેમને ગૂગલ (Google Rating Fraud) પર જુદી-જુદી ખાનગી કંપનીઓ માટે રેટિંગ્સ આપવાની પાર્ટ-ટાઈમ જોબની ઓફર કરવામાં આવી હતી.
મહિલાને વધારાની આવક માટે આ એક સારો વિકલ્પ લાગ્યો, તેથી તેમણે મેસેજમાં જણાવ્યા મૂજબ ટેલિગ્રામ એપ દ્વારા તેનો સંપર્ક કર્યો હતો. ઠગ લોકોએ તે મહિલાને તેના નાણા ડબલ કરવાની લાલચ આપીને ફ્રોડ કર્યું હતું. ટેલિગ્રામ ચેનલમાં જોડાયા બાદ મહિલાને તેમના બેંક એકાઉન્ટની વિગતો આપવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઇનિંગ માટે તેને 200 રૂપિયા આપવામાં આવ્યા હતા.
બીજા દિવસથી પ્રીપેડ કામ માટે 1,000 રૂપિયા જમા કરાવવા માટે કહેવામાં આવ્યું અને કામ પૂરૂ થયા બાદ મહિલાને 1,300 રૂપિયા પરત આપવામાં આવ્યા હતા. ત્યારપછી સ્કેમર્સે મહિલાને 5,000 રૂપિયા જમા કરાવવાનું કહ્યુ અને કામ પૂર્ણ થયા બાદ 6,600 રૂપિયા પરત આપ્યા હતા. ફરીથી તેને 5000 રૂપિયા જમા કરાવ્યા, પરંતુ કામ પૂરું કરવા છતા 6,600 પરત કરવામાં આવ્યા ન હતા.
સાયબર ઠગ્સે મહિલાને પૂછ્યું કે, શું તે ટ્રેડિંગ કરવામાં રસ ધરાવે છે. તેમણે હા પાડી તો 27,000 રૂપિયા જમાં કરાવવા માટે કહેવામાં આવ્યું. સ્કેમર્સે તેને ગેરેન્ટી આપી કે, તેના પૈસા બમણા થઈ જશે. રૂપિયા જમા કરાવ્યા બાદ આવું કંઈ થયું નહી અને મહિલાએ નાણા અંગે પૂછ્યું, ત્યારે ઠગ લોકોએ બધી રકમ પરત આપવા માટે ફરી રૂપિયા જમા કરવા માટે કહ્યુ હતું. આવી રીતે સાયબર ગુનેગારો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી.
હેલ્પલાઇન નંબર વિશે વાત કરીએ તો, 1930 એ ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર છે, તે સાયબર ક્રાઇમ કેસોની ફરિયાદ કરવા માટેનો નંબર છે. આ હેલ્પલાઇન નંબર તમારી મદદ માટે 24×7 ઉપલબ્ધ રહે છે. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડ થાય તો http://cybercrime.gov.in પર ફરિયાદ કરી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો