Rohit Sharma : શું રોહિત શર્માને વર્લ્ડ કપ 2027 માંથી બહાર રાખવામાં આવશે?

હવે BCCI સામે નવી ચિંતા ઉભી થઈ છે. 2027 ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે કરશે. ટીમ ઇન્ડિયાના બે મોટા પ્લેઅર રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ફિટનેસે BCCIની ઊંઘ ઉડાવી છે. અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ માટે બંનેની પસંદગી થઈ છે પરંતુ તેઓ સંપૂર્ણ 50 ઓવરની મેચ પૂરી તાકાતથી રમી શકશે કે નહીં તે મોટો પ્રશ્ન છે.

Rohit Sharma : શું રોહિત શર્માને વર્લ્ડ કપ 2027 માંથી બહાર રાખવામાં આવશે?
Rohit Sharma
Image Credit source: X
| Updated on: May 22, 2026 | 9:51 AM

રોહિત શર્મા ભારતના સૌથી સફળ ઓપનર અને વનડે ક્રિકેટમાં 3 ડબલ સદી (ODI Double Century) મારનાર ખેલાડીઓમાંથી એક છે. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી છે. સાથે ભારતને ઘણી મેચોમાં જીત અપાવી છે. T20 ફોર્મેટમાં પણ તે વિશ્વના સૌથી વધારે રન બનાવનાર ટોપ બેટ્સમેનોમાં ગણાય છે. IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે કેપ્ટન તરીકે તેણે 5 વખત ટ્રોફી જીતાડી છે. પરંતુ હવે તે તેના ફિટનેસના કારણે ચર્ચામાં આવી રહ્યો છે.

રોહિત શર્માને લઈને ચિંતા

રોહિત શર્મા હેમસ્ટ્રિંગ ઈજાને કારણે IPL દરમિયાન લગભગ ત્રણ અઠવાડિયા સુધી મેદાનની બહાર હતો. આ સમય દરમિયાન તેણે BCCIના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ ખાતે ફિટનેસ ટેસ્ટ પણ આપ્યો ન હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર રોહિતનું વજન ઘટ્યું હોવા છતાં વધતી ઉંમર અને તેના શરીર પરના તાણને કારણે BCCI શંકાસ્પદ છે. વન ડે (ODI) ક્રિકેટમાં, સતત 50 ઓવર સુધી મેદાન પર રહેવું પડે છે. IPLની જેમ ઈમ્પેક્ટ પ્લેયરનો કોઈ વિકલ્પ ન હોવાથી રોહિતની શારીરિક ક્ષમતા અને સ્ટેમિના પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

પસંદગીકારોએ તેનો વિગતવાર ફિટનેસ રિપોર્ટ માંગ્યો છે. જો રોહિત વર્લ્ડ કપ સુધીમાં સંપૂર્ણપણે ફિટ ન થાય તો ઓપનિંગ જવાબદારી કોણ સંભાળશે તે પ્રશ્ન પણ શરૂ થઈ ગયો છે. યશસ્વી જયસ્વાલને ભવિષ્યનો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે, તેમ છતાં તેને વન ડેમાં અનુભવ ઓછો છે. તેથી બેકઅપ ઓપનર તરીકે ઈશાન કિશનને તૈયાર રાખવામાં આવી રહ્યો છે.

હાર્દિક પંડ્યાની ફિટનેસ ફરી સમાચારમાં

હાર્દિક પંડ્યાએ 2 મે પછી ચેન્નાઈમાં રમાયેલી મેચ બાદ કમરના દુખાવાની ફરિયાદ કરી હતી. તે હાલમાં રિલાયન્સ સેન્ટર અને વાનખેડે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. જોકે તે સંપૂર્ણપણે ફિટ છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. હાલમાં IPLમાં હાર્દિક પંડ્યા તેની પૂરી 4 ઓવર બોલિંગ પણ કરી શક્યો નથી. જાન્યુઆરીમાં સેન્ટર ઓફ એક્સેલન્સએ કહ્યું હતું કે તે ન્યૂઝીલેન્ડ સામે 10 ઓવર બોલિંગ કરવા માટે ફિટ નથી. જોકે, થોડા દિવસો પછી તેણે વિજય હજારે ટ્રોફીમાં બરોડા માટે 10 ઓવર બોલિંગ કરી હતી. આનાથી પસંદગીકારો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. વિકલ્પ તરીકે, હવે નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાને ઓલરાઉન્ડર તરીકે તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

BCCIનો વિરાટ અને રોહિત માટે સમાન દૃષ્ટિકોણ નથી

સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI હવે વિરાટ કોહલી અને રોહિત શર્માને સમાન દૃષ્ટિકોણથી નથી જોઈ રહી. કોહલીની ફિટનેસ અને ફોર્મ હજુ પણ ટીમના અન્ય ખેલાડીઓ કરતા વધુ સારું માનવામાં આવે છે. તેથી, રોહિત અંગે અંતિમ નિર્ણય મેડિકલ ટીમના રિપોર્ટ પછી જ લેવામાં આવશે. 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી કેપ્ટનશીપ છોડી દીધા પછી, રોહિતની રમતમાં પણ ફેરફાર થયો છે. એવું બહાર આવ્યું છે કે ટીમ મેનેજમેન્ટ સંતુષ્ટ નથી કારણ કે તે પહેલાની જેમ આક્રમક બેટિંગ કરી રહ્યો નથી.

આ પણ વાંચો, IPL Points Table 2026: ગુજરાત ટાઇટન્સે ટોપ-2માં સ્થાન મેળવ્યું, CSKનો ખેલ ખતમ

Follow Us