અમદાવાદના નગરજનો માટે સારા સમાચાર, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મળશે વધુ એક નવું નજરાણું
Riverfront Sports Park : અંદાજે 23 કરોડના ખર્ચે બન્ને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં છે. જેમાં પૂર્વમાં આવેલ સ્પોર્ટ્સ સંકુલ 4 કરોડ જ્યારે પશ્ચિમમાં આવેલ સ્પોર્ટ્સ સંકુલ 18 કરોડના ખર્ચે બનાવેલ છે.
AHHMEDABAD :અમદાવાદના નગરજનો માટે એક સારા સમાચાર છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિવિધ આકર્ષણો ઉભા કરવામા આવી રહ્યા છે. ત્યારે આ જ રિવરફ્રન્ટ ખાતે પૂર્વ અને પશ્ચિમ બાજુ અદ્યતન રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક (Riverfront Sports Park) તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં રમત-ગમતમાં રસ ધરાવતા લોકો વિવિધ રમતોનું કોચીંગ પણ મેળવી શકશે.
રમત-ગમતમા રસ ધરાવતા લોકોને જરૂરી સગવડ મળી રહે તેમજ ભવિષ્યમાં અમદાવાદમા મોટી સ્પોર્ટ્સ કોમ્પીટીશનના આયોજનને ધ્યાનમા લઇ મહાનગર પાલિકા દ્વારા રીવરફ્રન્ટ પર સ્પોર્ટસ કોમપ્લેક્ષ ઉભા કરાયા છે.પૂર્વ અને પશ્ચિમ એમ બે છેડે આ સ્પોર્ટ્સ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. પશ્ચિમમાં સરદાર બ્રિજ તથા આંબેડકર બ્રીજની વચ્ચે NIDના પાછળના ભાગે અને પૂર્વકાંઠે દધીચી બ્રિજ અને ગાંધી બ્રિજ વચ્ચે વિવિધ રમતોનો સમાવેશ કરતું રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. જેનું આગામી થોડા દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે.
પશ્ચિમ કાંઠાનું રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક પશ્ચિમ કાંઠે તૈયાર કરવામાં આવેલા રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કની વાત કરવામાં આવે તો આ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક 37040 ચોરસ મીટર એરિયામાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 4 ક્રીકેટ પીચ, 5 ટેનીસ કો્ર્ટ, 4 ટેબલ ટેનિસ કોર્ટ, 4 મલ્ટીપલ સ્પોર્ટસ કોટ, સ્કેટીંગ રીંગ અને સ્કેટ બોર્ડ, 800 મીટર જોગીગ ટ્રેક, યુટીલીટી બીલ્ડીંગ અને ટોયલેટ બ્લોકનો સમાવેશ થાય છે.
પૂર્વ કાંઠાનું રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક પૂર્વ કાંઠાનું રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક 7503 ચોરસ મીટર એરિયામાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 5 ક્રીકેટ પીચ, 2 બાસ્કેટ બોલ-વોલીબોલ કોર્ટ, 320 મીટર જોગીંગ ટ્રેક અને ચિલ્ડ્રન એરિયાનો સમાવેશ થાય છે.
આમ બને સ્પોર્ટ્સ સંકુલમાં વિવિધ એક્ટિવિટી આવરી લેવાઈ છે. જેથી અલગ અલગ સ્પોર્ટ્સમાં રસ ધરાવતા લોકો તેનો લાભ લઇ શકે. આ બાબતને જ ધ્યાને રાખી તે જ પ્રકારની વ્યવસ્થા પર રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કમાં ઉભી કરાઈ છે. રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક 1 વર્ષથી બનીને તૈયાર છે. પણ હવે ઉદ્ઘાટનની રાહ જોવાઇ રહી છે. અધિકારીની વાત માનીએ તો પૂર્વમાં બનેલ કોમ્પ્લેક્ષમાં પોલીસ સ્ટેશનની જગ્યાની કામગીરીના કારણે કામ અટકી પડ્યું હતું જે પૂર્ણ થતાં લોકો માટે ખુલ્લું મુકાશે. જેને લઈને સ્પોર્ટ્સ સંકુલમાં સફાઈ કામગીરી પર પણ તેટલું જ ધ્યાન અપાઈ રહ્યું છે.
23 કરોડના ખર્ચે તૈયાર થયા સ્પોર્ટ્સ પાર્ક અંદાજે 23 કરોડના ખર્ચે બન્ને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં છે. જેમાં પૂર્વમાં આવેલ સ્પોર્ટ્સ સંકુલ 4 કરોડ જ્યારે પશ્ચિમમાં આવેલ સ્પોર્ટ્સ સંકુલ 18 કરોડના ખર્ચે બનાવેલ છે. AMCનો હેતુ છે કે લોકો સ્પોર્ટ્સ ક્ષેત્રમાં વધુમાં વધુ આગળ વધે માટે આ પ્રકારના આયોજન કરવામાં આવી રહ્યા છે.
તો બંને રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કમાં પ્રોફેશનલ કોચીંગ મળી રહે તે માટેનું પણ આયોજન કરવામા આવી રહ્યું છે. જોકે અહીં એ પણ નિશ્ચિત કરવાનું રહેશે કે લોકો પાસેથી વધુ ચાર્જ વસુલ કરવામાં ન આવે. લોકોને પોસાય તેવા દર રાખવામાં આવે. જેથી AMCનો હેતુ ફલિત થાય અને વધુમાં વધુ લોકો તે રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કનો લાભ લઈ સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધી પોતાનું, પરિવારનું સાથે જ શહેર અને રાજ્યનું નામ રોશન કરી શકે.