બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં (commonwealth games 2022) આ વખતે નજર જુડો પર પણ રહેશે. ખેલાડીઓ લાંબા સમયથી આમાં ભારતને ગોલ્ડ અપાવવાની કોશિષ કરી રહ્યા છે. 1990માં કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) જુડોની સફર શરૂ થઈ હતી અને ત્યારથી ભારતે આ રમતમાં 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ સહિત કુલ 8 મેડલ જીત્યા છે, પરંતુ ગોલ્ડની રાહ હજુ પણ જોવાઈ રહી છે અને ભારત આ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડની રાહનો અંત લાવવા ઇચ્છે છે. 6 ભારતીય ખેલાડીઓ બર્મિંગહામ કોમનવેલ્થમાં પડકાર ફેંકશે. આ માટે 3 મેન અને 3 વુમન ખેલાડીઓએ તૈયારી કરી લીધી છે.
ભારતે પહેલી જ કોશિષમાં 1990 કોમનવેલ્થ ગેમ્સમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. નરેન્દ્ર સિંહે 60 કિગ્રા વર્ગમાં અને રાજિન્દર કુમારે 86 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ જીત્યો હતો. 2002 માન્ચેસ્ટર કોમનવેલ્થમાં અકરમ શાહ સિલ્વર જીતનાર પહેલો ભારતીય જુડોકા બન્યા. અકરમે 60 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર જીત્યો હતો. આ જ કોમનવેલ્થમાં ભૂપિન્દર સિંહે 66 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
2014 ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ ભારતનું આ રમતમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. નવજોત ચનાએ 60 કિગ્રામાં સિલ્વર જીત્યો હતો અને સુશીલા લિક્માબામે 48 કિગ્રામાં સિલ્વર જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે કોમનવેલ્થમાં મેડલ જીતનારી તે પહેલી ભારતીય મહિલા જુડોકા છે. જ્યારે કલ્પના દેવી અને રાજવિંદર કૌરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
6 સભ્યોની ભારતીય ટીમમાં સુશીલાને ખિતાબની સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે અને તેની નજર મેડલનો રંગ બદલવા પર પણ રહેશે. 2014 કોમનવેલ્થ ગેમ્સમાં તેણે સિલ્વર જીતીને ઈતિહાસ રચ્યો હતો અને હવે તેની કોશિશ 48 કિગ્રામાં ગોલ્ડ જીતવાની છે. સુશીલાએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
મેન્સની ટીમઃ વિજય કુમાર યાદવ (60 કિગ્રા), જસલીન સિંહ સૈની (66 કિગ્રા), દીપક દેશવાલ (100 કિગ્રા)
વુમન્સ ટીમઃ સુશીલા લિકમાબામ (48 કિગ્રા), સુચિકા તરિયાલી (57 કિગ્રા), તુલિકા માન (78+ કિગ્રા)
Published On - 8:01 pm, Sun, 17 July 22