IPL 2026 : ગુજરાત ટાઇટન્સની ટોપ-2માં ધમાકેદાર એન્ટ્રી, ત્રણ ટીમોને આપ્યો મોટો ઝટકો

ગઈ કાલે 09મી મે 2026 ના દિવસે ગુજરાત ટાઇટન્સે IPL સિઝનની 52મી મેચમાં રાજસ્થાનને એકતરફી રીતે હરાવ્યું છે. આ શાનદાર જીત સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં સીધી બીજા સ્થાને પહોંચી છે. જેના કારણે ત્રણ ટીમોને ભારે નુકસાન થયું છે.

IPL 2026 : ગુજરાત ટાઇટન્સની ટોપ-2માં ધમાકેદાર એન્ટ્રી, ત્રણ ટીમોને આપ્યો મોટો ઝટકો
Gujarat Titans
Image Credit source: PTI
| Updated on: May 10, 2026 | 8:03 AM

IPL 2026 ની 52મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે શાનદાર જીત મેળવી હતી, જેમાં રાજસ્થાનને 77 રનથી હરાવ્યું હતું. આ મેચના પરિણામની પોઈન્ટ ટેબલ પર પણ અસર પડી હતી. ગુજરાત ટાઇટન્સ પાંચમા સ્થાનેથી સીધા ટોપ-2 માં પહોંચી ગયું. જેના કારણે રાજસ્થાન સહિત ત્રણ ટીમોને નુકસાન થયું છે.

118 રનની ઓપનિંગ પાર્ટનરશીપ

ગુજરાત ટાઇટન્સની ટીમ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હતી. ગુજરાત ટાઈટન્સે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને રાજસ્થાનના બોલરો પર દબાણ રાખ્યું હતું. પ્રથમ વિકેટ માટે 118 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી હતી. બંને બેટ્સમેનોએ ઝડપી રન બનાવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સની ટોપ-2માં એન્ટ્રી

ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને સિઝનની પોતાની સાતમી મેચ જીતી છે. ગુજરાત ટાઇટન્સની ટીમ અત્યાર સુધી 11 મેચ રમી છે અને 14 પોઈન્ટ મેળવ્યા છે. આનાથી ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં સીધી બીજા સ્થાને પહોંચી છે. ટોચ પર રહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના પણ 14 પોઈન્ટ છે. પરંતુ તે ટીમ નેટ રન રેટના કારણે પ્રથમ સ્થાને છે. આ જીત પછી ગુજરાત ટાઇટન્સનો નેટ રન રેટ સુધરીને 0.228 થયો છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદનો નેટ રન રેટ 0.737 છે.

આ ત્રણેય ટીમોને થયું નુકસાન

ગુજરાત ટાઇટન્સની જીતને કારણે રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને નુકસાન થયું છે. પંજાબ કિંગ્સની ટીમ 10 મેચ રમી છે. તેમાં 6 જીત સાથે, 13 પોઈન્ટ અને 0.571નો નેટ રન રેટ ધરાવીને ત્રીજા સ્થાને છે. દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10 મેચમાંથી 6 જીતીને 12 પોઈન્ટ મેળવ્યા છે, જે ત્રીજા સ્થાનેથી ઘટીને ચોથા સ્થાને આવી છે. વધુમાં રાજસ્થાન રોયલ્સનો 11 મેચમાં 5મો પરાજય થયો છે. જેના કારણે ટીમ ટોચના ચારમાંથી બહાર થઈને પાંચમા સ્થાને પહોંચી છે.

અન્ય ટીમોની સ્થિતી શું છે?

ચેન્નાઈ સુપર કિંગ્સ 10 મેચમાંથી 10 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. કોલકાતા નાઈટ રાઇડર્સ 10 મેચમાંથી 9 પોઈન્ટ સાથે સાતમાં સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ 11 મેચોમાં 8 પોઈન્ટ ધરાવીને હાલમાં આઠમા સ્થાને છે. દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ 6-6 પોઈન્ટ સાથે 9માં અને 10માં સ્થાને છે.

આ પણ વાંચો, Breaking News: શુભમન ગિલ-સાઈ સુદર્શનની રેકોર્ડ પાર્ટનરશિપ, ગુજરાત ટાઈટન્સે નોંધાવ્યો સિઝનનો સર્વોચ્ચ સ્કોર

Follow Us