
મુંબઈ અને પંજાબ વચ્ચે યોજાનારી IPL-25ની 11 મેની મેચના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચ અગાઉ ધર્મશાલામાં યોજાવાની હતી, બાદમાં મુંબઈમાં યોજવાનું નક્કી થયું, પણ પંજાબની ટીમે ન્યુટ્રલ સ્થળની માંગ કરી. આથી હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં મેચ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના સેક્રેટરી અનિલ પટેલે મીડિયા એજન્સીને જણાવ્યું હતુ કે,પંજાબ અને મુંબઈ વચ્ચેની મેચ હવે અમદાવાદમાં રમાશે,
તમને જણાવી દઈએ કે,ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે. આને ધ્યાનમાં રાખીને, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખથી લઈને પંજાબ-હિમાચલ પ્રદેશ સુધી, સરહદની નજીકના રાજ્યોમાં એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. ધર્મશાલામાં પણ તમામ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવતા પંજાબ કિંગ્સ અને મુંબઈ મેચનું સ્થળ બદલવાની BCCIએ જાહેરાત કરી હતી.
7 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા હલચલ મચી હતી. ધમકીભર્યો ઈમેલ GCAને મળ્યો હતો, જેમાં સ્ટેડિયમને બ્લાસ્ટથી ઉડાવવાની વાત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ આ ઈમેલ જર્મની અને રોમાનિયાથી ઓપરેટ થયો હતો. પોલીસ અને બોમ્બ સ્ક્વોડે સ્ટેડિયમમાં ચકાસણી હાથ ધરી છે અને તપાસ ચાલી રહી છે.ઈમેલમાં “We Will Blast Your Studium” લખવામાં આવ્યું હતું. આ મામલે સિનિયર IPS અધિકારીએ જણાવ્યું કે ધમકીને ગંભીરતાથી લઈને તમામ સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત બનાવાઈ છે.
7 મેના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી, જે પછીથી સીમા પર તણાવ વધ્યો છે. આ પરિસ્થિતિમાં ધમકીભર્યો ઈમેલ મળવાથી સુરક્ષાને વધુ સચેત બનાવાઈ છે.
એવું માનવામાં આવે છે કે પંજાબ કિંગ્સ મોટાભાગે રોડ માર્ગે દિલ્હી જશે અને દિલ્હીથી તેઓ અમદાવાદ માટે ફ્લાઇટ લેશે. ઓપરેશન સિંદૂરને કારણે ઉત્તર ભારતના મોટાભાગના એરપોર્ટ 10મે સુધી બંધ રહેશે.ઉલ્લેખનીય છે કે, પંજાબ કિંગ્સ 8 મે, ગુરુવારના રોજ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (HPCA) ખાતે રમાનારી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. જો કે, બંને ટીમો પહેલાથી જ શહેરમાં પહોંચી ગઈ છે અને તેથી મુસાફરી યોજનાઓમાં કોઈ સમસ્યા નહીં હોય.
Published On - 2:39 pm, Thu, 8 May 25