હવે ગૌતમ ગંભીરે પણ છોડ્યું લખનૌ સુપર જાયન્ટ્સ, IPL ચેમ્પિયન બનેલી ટીમ સાથે જોડાયો
ગૌતમ ગંભીરે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમના મેન્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગૌતમ ગંભીર હવે કોલકાતા નાઈટ રાઈડર્સના નવા મેન્ટર બનશે. કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ ચંદ્રકાંત પંડિત છે અને ટીમના કેપ્ટન શ્રેયસ અય્યર છે.

IPLની છેલ્લી બે સિઝનમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને IPL 2024 પહેલા બે મોટા આંચકા લાગ્યા છે. પહેલો આંચકો, લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરના સ્વરૂપમાં લાગ્યો છે. જ્યારે બીજો ઝટકો ટીમના મેન્ટર ગૌતમ ગંભીરે લખનૌ સુપર જાયન્ટ્સને છોડી દીધી છે. ગૌતમ ગંભીરે પોતાના મેન્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગંભીરે પોતે એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને આ અંગે જાહેરાત કરી છે. હવે ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો નવો મેન્ટર બની ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ ચંદ્રકાંત પંડિત છે અને ટીમના કેપ્ટન શ્રેયસ અય્યર છે.
❤️❤️ LSG Brigade! pic.twitter.com/xfG3YBu6l4
— Gautam Gambhir (@GautamGambhir) November 22, 2023
ગૌતમ ગંભીરે પોતાની પોસ્ટમાં શું લખ્યું ?
ગૌતમ ગંભીરે બુધવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું- એલએસજી બ્રિગેડ ! હું લખનૌ સુપર જાયન્ટ્સ સાથેની મારી શાનદાર યાત્રાના અંતની જાહેરાત કરું છું. આ ક્ષણે, હું તમામ ખેલાડીઓ, કોચ, સહાયક સ્ટાફ અને આ પ્રવાસને યાદગાર બનાવનાર દરેક પ્રત્યે મારો પ્રેમ અને આભાર વ્યક્ત કરું છું. એક મહાન ફ્રેન્ચાઇઝી બનાવવા માટે હું ડૉ. સંજીવ ગોએન્કાના ઉત્તમ નેતૃત્વ માટે આભાર માનું છું. મને ખાતરી છે કે એલએસજી ટીમ ભવિષ્યમાં શાનદાર પ્રદર્શન કરશે અને લખનૌના તમામ ચાહકોને ગૌરવ અપાવશે. એલએસજી બ્રિગેડને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અટકળો પહેલેથી જ ચાલતી હતી
એન્ડિ ફ્લાવરે જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સના કોચ પદ પરથી દૂર થયા ત્યારથી જ એવી અટકળો ચાલી રહી હતી કે, ગૌતમ ગંભીર પણ લખનૌ સુપર જાયન્ટ્સ છોડી દેશે. કે એલ રાહુલ સાથેનો તેમનો કાર્યકાળ શાનદાર રહ્યો છે. તેમની ટીમ બે વખત પ્લેઓફમાં પહોંચી છે. જોકે, બંને વખત લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ હતી અને ફાઇનલમાં પહોંચી શકી નહોતી. એન્ડી ફ્લાવરના સ્થાને, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર અને મુખ્ય કોચ જસ્ટિન લેંગરને લખનૌ સુપર જાયન્ટ્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
