
રવિવારે અંબી ખાતે રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી મેચમાં યશસ્વી જયસ્વાલ સામે હરિયાણા ધરાશાયી હતું. યશસ્વી જયસ્વાલે ધમાકેદાર સદી ફટકારી હતી, જેના કારણે મુંબઈએ હરિયાણાને 4 વિકેટથી હરાવ્યું હતું.
હરિયાણા તરફથી કેપ્ટન અંકિત કુમારે 89 અને નિશાંત સિંધુએ અણનમ 63 રન બનાવ્યા. જો કે, યશસ્વીની ઇનિંગે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું હતું. મુંબઈ તરફથી સરફરાઝ ખાને 25 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 64 રન બનાવ્યા.
યશસ્વી ઘણા સમયથી ભારતીય ટી20 ટીમની બહાર છે અને એમાંય વનડેમાં બેક-અપ તરીકે રમી રહ્યો છે. હાલમાં શુભમન ગિલનું ટી20માં ફોર્મ સારું નથી. આવી સ્થિતિમાં, યશસ્વીની આ ઇનિંગ શુભમન ગિલ પર પ્રેશર બનાવી શકે છે.
આ ઇનિંગે ચોક્કસપણે પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હશે કે, યશસ્વી પાસે વનડે અને ટી20 બંનેમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા છે. તાજેતરમાં, દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં ગિલ ઉપલબ્ધ નહોતો અને યશસ્વીને તક મળી.
આ તક મળતા જ યશસ્વીએ ત્રીજી ODI માં સદી ફટકારી હતી. આ શ્રેણી બાદ યશસ્વી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમવા પાછો ફર્યો અને ફરીવાર દમદાર પ્રદર્શન કરીને તેની સાચી ક્ષમતા બતાવી.
મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમને યશસ્વી અને અજિંક્ય રહાણેએ મજબૂત શરૂઆત અપાવી હતી. બંનેએ સાથે મળીને ટીમનો સ્કોર 3 ઓવરમાં 53 રન સુધી પહોંચાડ્યો હતો. જો કે, ત્યારબાદ રહાણે ચોથી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. તેણે 10 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 21 રન બનાવ્યા.
રહાણેની વિકેટ પડ્યા બાદ ‘યશસ્વી’ સરફરાઝ સાથે જોડાયો અને સાથે મળીને હરિયાણાના બોલરોને ઘૂંટણીયે લાવી દીધા. તેમણે 88 રનની ભાગીદારી કરી હતી.
સરફરાઝના આઉટ થયા બાદ યશસ્વીએ એકલા હાથે બાજી સંભાળી અને માત્ર 48 બોલમાં પોતાની સદી પૂરી કરી. સદી ફટકાર્યા પછી યશસ્વી તરત જ આઉટ થઈ ગયો, 18મી ઓવરના પહેલા બોલ પર તેની વિકેટ પડી ગઈ હતી. જો કે, યશસ્વીએ ત્યાં સુધીમાં ટીમની જીત સુનિશ્ચિત કરી લીધી હતી, કારણ કે તે સમયે ટીમનો સ્કોર 228 રન હતો.