WPL 2023 Points Table: ગુજરાત જાયન્ટ્સની સ્થિતી ખરાબ, દિલ્હી કેપિટલ્સ GG ને હરાવી ટોપ-2 માં સ્થાન જાળવ્યુ
Women's Premier League 2023: દિલ્હી કેપિટલ્સ સામે કંગાળ રમત રમીને શરમજનક પરાજય મેળવ્યા બાદ ગુજરાતની ટીમનો નેટ રનરેટ પણ ખરાબ થઈ ચુક્યો છે.

WPL 2023 માં દિલ્હી કેપિટલ્સ શરુઆતથી જ શાનદાર રમત દર્શાવી રહ્યુ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી આ બંને પોઈન્ટ ટેબલમાં દબદબો ધરાવે છે. બંને ટીમો શરુઆતથી જ ટોચના સ્થાન પર બિરાજમાન છે. બંને ટીમોની સામે આવનારી ટીમોને એકતરફી અંદાજ સાથે હરાવી દઈ જીત મેળવે છે. શનિવારે 11 માર્ચે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પણ દિલ્હી કેપિટલ્સે એક બાદશાહી અંદાજથી વિજય મેળવ્યો હતો. પહેલા બોલિંગ અને ફિલ્ડીંગ બાદમાં બેટિંગ વડે ધમાલ મચાવી જીત મેળવી હતી. ગુજરાત જાયન્ટ્સને મેચની પ્રથમ ઓવરથી જ બહાર કરી દેતી રમતનુ પ્રદર્શન જબરદસ્ત રહ્યુ હતુ. હવે ગુજરાતની સ્થિતી પોઈન્ટ્સ ટેબલમાં અત્યંત ખરાબ થઈ ચુકી છે.
દિલ્હી કેપિટલ્સ ટીમે ટૂર્નામેન્ટમાં માત્ર એક જ હાર મેળવી છે. એ પણ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સામે બંને ટીમો એક બીજાને આમને સામને થઈ ત્યાં સુધીમાં એક પણ મેચ હાર્યા નહોતા. આમ બંનેમાંથી એકે પ્રથમ હાર મેળવવાનુ નિશ્ચિત હતુ. જે દિલ્હીને ફાળે આવ્યુ હતુ. જોકે દિલ્હીએ પોતાની જીતની લય ગુજરાતને હરાવીને પાછી મેળવી લીધી છે. ગુજરાતની ટીમ ટોસ જીતીને શનિવારે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને 105 રન નોંધાવ્યા હતા. આસાન લક્ષ્યને વધુ આસાન શેફાલી વર્માએ બનાવ્યુ હતુ. તેણે 28 બોલમાં 76 રન ફટકારી 7.1 ઓવરમાં જ મેચનુ પરિણામ લાવી દીધુ હતુ.
મુંબઈ ઈન્ડિયન્સ નંબર-1
ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સ માત્ર 3 મેચ રમ્યુ છે. આમ છતાં પણ તે નંબર-1 ની ખુરશીમાં સ્થાન શોભાવી રહ્યુ છે. મુંબઈએ ટૂર્નામેન્ટમાં હજુ સુધી એક પણ વાર હારનો સ્વાદ ચાખ્યો નથી. ટૂર્નામેન્ટની એક માત્ર ટીમ છે, જે સિઝનમાં એકેય મેચ હારી નથી. દિલ્હી કેપિટલ્સે પણ મુંબઈ સામે હાર મેળવી હતી. દિલ્હી કેપિટલ્સ ચાર મેચ રમીને ત્રણમાં જીત મેળવી ચુક્યુ છે. આમ હવે દિલ્હી અને મુંબઈના ખાતામાં 6-6 પોઈન્ટ જમા થયા છે. જોકે મુંબઈ ઈન્ડિયન્સનો નેટ રનરેટ દિલ્હીના પ્રમાણમાં ખૂબ વધારે છે. જે સિઝનની 9મી મેચના અંતે મુંબઈનો નેટ રનરેટ +4.228 છે, જ્યારે દિલ્હીનો +2.338 છે.
ગુજરાતની સ્થિતી બેંગ્લોરથી ખરાબ
શનિવારની મેચ ગુજરાત માટે મહત્વની હતી. આ મેચમાં જીત ગુજરાતની સ્થિતી વધારે સારી કરી શકે એમ હતી, જ્યારે દિલ્હીને મોટુ નુક્શાન સર્જાયુ હોત. જોકે દિલ્હીએ તો પોતાની સ્થિતી સુધારી લીધી છે, પરંતુ ગુજરાતની હાલત વધારે કથળી ગઈ છે. ગુજરાતની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ તળીયાના સ્થાને એટલે કે પાંચમાં ક્રમે છે. ગુજરાતનો નેટ રનરેટ બેંગ્લોરની ટીમ કરતા પણ વધારે ખરાબ છે.
દિલ્હીની ટીમ સામે કારમો પરાજય થયા બાદ ગુજરાતનો નેટ રનરેટ (-) 3.397 પહોંચ્યો છે. જે સિઝનમાં સૌથી ખરાબ નેટ રનરેટનો આંકડો છે. ગુજરાતે સિઝનમાં ચાર મેચ રમીને માત્ર એક જ જીત મેળવી છે. જ્યારે બંગ્લોર ટૂર્નામેન્ટમાં ચાર મેચ રમીને એક પણ મેચ જીતી શકી નથી. બેંગ્લોરની આગામી જીત હવે ગુજરાતને તળીયાના સ્થાને પહોંચાડી શકે છે. સોમવારે બેંગ્લોરની ટીમ દિલ્હી સામે ટકરાનારી છે. જોકે બેંગ્લોર માટે આ કામ આસાન નથી.
| WPL 2023 પોઈન્ટ્સ ટેબલ | |||||
| ટીમ | મેચ | જીત | હાર | નેટ રનરેટ | પોઈન્ટ |
| મુંબઈ ઈન્ડિયન્સ | 03 | 03 | 00 | +4.228 | 06 |
| દિલ્હી કેપિટલ્સ | 04 | 03 | 01 | +2.338 | 06 |
| યુપી વોરિયર્સ | 03 | 02 | 01 | +0.509 | 04 |
| ગુજરાત જાયન્ટ્સ | 04 | 01 | 03 | -3.397 | 02 |
| રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 04 | 00 | 04 | -2.648 | 00 |