WPL Auction: હરમનપ્રીત થી લઈ શેફાલી સુધી આ 24 ખેલાડીઓની છે સૌથી વધારે બેઝ પ્રાઈસ, જુઓ પૂરુ લીસ્ટ
WPL 2023 Auction: મહિલા પ્રીમિયર લીગ માટે આજે સોમવારે મુંબઈમાં ઓક્શન યોજાનાર છે. ઓક્શનમાં સૌથી વધારે બેઝ પ્રાઈસ 50 લાખ રુપિયા રાખવામાં આવી છે.
આજે પાંચેય ટીમની સ્ક્વોડ નક્કી થઈ જશે. આ સાથે એ પણ નક્કી થઈ જશે કે, કોઈ ટીમમાં કયા ખેલાડી હિસ્સો બન્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓ ખુદ પણ આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. હવે આજે સોમવારે ઓક્શનનો દિવસ સામે આવી ચુક્યો છે. મહિલા પ્રીમિયર લીગ ની ટૂર્નામેન્ટ આગામી મહિને શરુ થનારી છે. આ માટે જાન્યુઆરી માસમાં 5 ટીમોનુ ઓક્શન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદથી ખેલાડીઓના ઓક્શનની રાહ જોવામાં આવી રહી હતી.
મહિલા ક્રિકેટ લીગની પ્રથમ સિઝનની શરુઆત આ સાથે થવા જઈ રહી છે. મહિલા ખેલાડીઓ માટેની લીગની રાહ છેલ્લા કેટલાક વર્ષથી જોવામાં આવી રહી હતી. પરંતુ ગત વર્ષે મહિલા ખેલાડીઓને માટે સારા સમાચાર સામે આવ્યા હતા કે, લીગની શરુઆત 2023 થી થવા જઈ રહી છે. આ માટે લીગની 5 ટીમોનુ ઓક્શન કરવામાં આવતા 4669.99 કરોડમાં વેચાઈ હતી. જે પાંચ ટીમોમાં દિલ્લી, અમદાવાદ, મુંબઈ, લખનૌ અને બેંગ્લુરુનો સમાવેશ થાય છે.
409 ખેલાડીઓ શોર્ટ લીસ્ટ કરાયા
લીગ માટે પહેલાથી જ વિશ્વભરની મહિલા ખેલાડીઓએ આકર્ષણ ખૂબ દર્શાવ્યુ હતુ. દેશ અને વિદેશની લગભગ 1525 જેટલી મહિલા ખેલાડીઓએ પોતાના નામ રજીસ્ટર કરાવ્યા હતા. બીસીસીઆઈએ આ નામોમાંથી શોર્ટ લીસ્ટ કરતા 409 ખેલાડીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. જે ખેલાડીઓનુ આજે સોમવારે ઓક્શન યોજાનાર છે.
409 ખેલાડીઓમાં 246 ખેલાડીઓ ભારતીય ક્રિકેટમાંથી છે, જ્યારે 163 ખેલાડીઓ વિદેશી ક્રિકેટર છે. 8 ખેલાડીઓ એસોસિએટ દેશોમાંથી ઓક્શનમાં હિસ્સો લઈ રહ્યા છે. શોર્ટ લીસ્ટ કરાયેલા ખેલાડીઓમાં 202 ખેલાડી કેપ્ડ અને 199 અનકેપ્ડ છે.
સૌથી મોંઘી બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડી
શોર્ટ લીસ્ટ કરવામાં આવેલ ખેલાડીઓમાં 24 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 50 લાખ રુપિયા રાખવામાં આવેલી છે. આ ખેલાડીઓમાં ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, વાઈસ કેપ્ટન, સ્મૃતિ મંધાના, અંડર 10 વિશ્વકપ ચેમ્પિયન કેપ્ટન શેફાલી વર્મા સહિત 10 ભારતીય ખેલાડીઓ આ યાદીમાં સમાવેશ થાય છે. આ સિવાય 14 વિદેશી ખેલાડીઓ સામેલ છે જેમની બેઝ પ્રાઈઝ 50 લાખ રુપિયા છે. આ સિવાય 40 લાખ રુપિયાની બેઝ પ્રાઈસ ધરાવતા 30 ખેલાડીઓ છે.
50 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડી
- ભારત: હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, રિચા ઘોષ, સ્નેહ રાણા, મેઘના સિંહ, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, પૂજા વસ્ત્રાકર
- ઈંગ્લેન્ડ: સોફી એક્લેસ્ટન, નેટ સિવર-બ્રન્ટ, ડેનિયલ વ્યાટ, કેથરીન બ્રન્ટ
- ઓસ્ટ્રેલિયા: જેસ જોનાસેન, ડાર્સી બ્રાઉન, એશ્લે ગાર્ડનર, એલિસ પેરી, મેગ લેનિંગ અને એલિસા હીલી
- ઝિમ્બાબ્વે: લોરીન ફિરી
- ન્યુઝીલેન્ડ: સોફી ડિવાઇન
- વેસ્ટ ઈન્ડિઝ: ડીઆન્ડ્રા ડોટિન
- દક્ષિણ આફ્રિકા: સિનાલોઆ જાફ્તા