0, 8, 32, 39, 1 રન… T20 World Cupમાં પાકિસ્તાન સામેની મેચ પહેલા સ્મૃતિ મંધાનાનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય

મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમશે. જોકે, સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાનું ખરાબ ફોર્મ ટીમ માટે મોટી ચિંતાનો વિષય બની ગયું છે. વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડમાં તે રન બનાવવામાં સતત સંઘર્ષ કરી રહી છે.

0, 8, 32, 39, 1 રન... T20 World Cupમાં પાકિસ્તાન સામેની મેચ પહેલા સ્મૃતિ મંધાનાનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય
smriti mandhana
Image Credit source: X
| Updated on: Jun 11, 2026 | 9:17 PM

2026 T20 વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે એક મોટી ચિંતાનો વિષય ઉભરી આવ્યો છે. ટીમની વાઈસ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાના વર્તમાન ફોર્મે ભારતીય ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. ભારત ટુર્નામેન્ટની પોતાની પહેલી મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે, પરંતુ તે પહેલા, મંધાનાનું બેટ સંપૂર્ણપણે શાંત છે. ઈંગ્લેન્ડના પ્રવાસથી લઈને વોર્મ-અપ મેચ સુધી, સ્મૃતિ મંધાના દરેક રન માટે સંઘર્ષ કરતી જોવા મળી છે, જે ટીમ ઈન્ડિયા માટે ચેતવણીનો સંકેત બની ગઈ છે.

ઈંગ્લેન્ડમાં સ્મૃતિ મંધાનાનું ખરાબ ફોર્મ

ભારતીય ટીમ ટુર્નામેન્ટની તૈયારી કરવા અને પરિસ્થિતિઓને અનુરૂપ બનવા માટે ઈંગ્લેન્ડમાં ખૂબ અગાઉથી પહોંચી ગઈ હતી. જોકે, આ પ્રવાસ મંધાના માટે દુઃસ્વપ્ન સાબિત થયો. ECB ડેવલપમેન્ટ વિમેન્સ XI સામેની મેચમાં મંધાનાએ 10 બોલમાં ઝડપી 21 રન બનાવ્યા, જે બાદ લાગ્યું કે તે સારી લયમાં છે. જોકે, તે પછી મંધાનાનું ફોર્મ સતત ઘટ્યું છે.

ટીમ ઈન્ડિયાની વધારી ચિંતા

સ્મૃતિ મંધાના ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પહેલી મેચમાં ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફરી હતી. મંધાનાએ બીજી મેચમાં 32 રન બનાવીને વાપસીની આશા જગાવી હતી, પરંતુ ત્રીજી અને અંતિમ T20માં તે ફક્ત 8 રન જ બનાવી શકી હતી. ત્યારબાદ, વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્લ્ડ કપની પહેલી સત્તાવાર વોર્મ-અપ મેચમાં તેણે 39 રન બનાવ્યા, જે સમગ્ર પ્રવાસનો તેનો શ્રેષ્ઠ સ્કોર હતો. જોકે, તે ઈંગ્લેન્ડ સામેની બીજી વોર્મ-અપ મેચમાં ફરી નિષ્ફળ ગઈ અને ફક્ત 1 રન બનાવી આઉટ થઈ.

વર્લ્ડ કપમાં પહેલી મેચ પાકિસ્તાન સામે

સ્મૃતિ મંધાનાને ભારતીય બેટિંગ ઓર્ડરની કરોડરજ્જુ માનવામાં આવે છે. પાવરપ્લેમાં ટીમને આક્રમક અને મજબૂત શરૂઆત અપાવવાની જવાબદારી તેના હાથમાં છે. પંરતુ સ્મૃતિ મંધાના ઈંગ્લેન્ડમાં છેલ્લી કેટલીક મેચોમાં એક પણ અડધી સદી ફટકારી શકી નથી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે ક્રીઝ પર સમય વિતાવવા છતાં મોટી ઈનિંગ્સમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહી છે. જો મંધાનાનું ખરાબ ફોર્મ પાકિસ્તાન સામેની મોટી મેચમાં પણ ચાલુ રહેશે તો ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી શકે છે.

ભારત-પાકિસ્તાન મેચમાં હરમનપ્રીતનો પહેલો રન બનશે ઐતિહાસિક, T20 World Cup માં મોટો રેકોર્ડ તૂટશે

Follow Us