Duck in Cricket: રોયલ, ડાયમંડ, ગોલ્ડન, જેવા ‘શરમજનક’ 10 પ્રકારના ‘ડક’ ક્રિકેટમાં છે, સૂર્યાએ કેવી રીતે ગુમાવી વિકેટ? જાણો
Suryakumar Yadav ત્રણેય મેચોમાં શૂન્ય રન પર જ વિકેટ ગુમાવી છે. એક પણ મેચમાં તે રન તો ના જ બનાવી શક્યો પરંતુ, એક પણ બોલને તે બેટ વડે રમી પણ શક્યો નહીં અને પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝ એક ભારતીય ખેલાડીને કાયમ માટે યાદ રહી જશે. વિસ્ફોટક ભારતીય બેટર સૂર્યાકુમાર યાદવ માટે તો કાયમ કરિયરની કાળી ટીલી સમાન આ સિરીઝ યાદ રહેશે. સૂર્યાકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પ્રદર્શન ફ્લોપ નહીં પણ ત્રિપલ સુપર ફ્લોપ પ્રદર્શન કર્યુ કહેવાય એમ છે. કારણ કે સૂર્યાકુમાર યાદવ સિરીઝની તમામ ત્રણેય મેચમાં ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો છે. તેણે ત્રણેય મેચોમાં શૂન્ય રન પર જ વિકેટ ગુમાવી છે. એક પણ મેચમાં તે રન તો ના જ બનાવી શક્યો પરંતુ, એક પણ બોલને તે બેટ વડે રમી પણ શક્યો નહીં અને પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી હતી. હવે તેના આ આઉટ થવાની આ પ્રકારને લઈ ચર્ચામાં રહ્યો છે.
સૂર્યા જે રીતે આઉટ થયો છે, તેને ગોલ્ડન ડક વિકેટ તરીકે ઓળખવામાં આવે છે. ક્રિકેટની દુનિયામાં આમ ત્યારે જ કહેવાય છે કે, જ્યારે બેટર પ્રથમ બોલ પર વિકેટ ગુમાવે છે. સૂર્યાએ તો એક નહીં પણ સળંગ ત્રણ મેચોમાં આવી જ રીતે વિકેટ ગુમાવી દીધી છે. તે મુંબઈ, વિશાખાપટ્ટનમ અને ચેન્નાઈ એમ ત્રણેય મેચમાં ગોલ્ડન ડક આઉટ થઈ ને પેવેલિયન પરત ફર્યો હતો. તેના માટે આ શરમજનક સિરીઝ રહી છે. હવે સવાલ થતો હશે કે, ગોલ્ડન ડક જેવા એવા કેવા અને કેટલા ડક ક્રિકેટમાં છે, જે બેટર માટે શરમજનક આઉટ થવા પર ઓળખવામાં આવે છે. તો આ સવાલનો જવાબ પણ અહીં છે. અહીં જાણીશુ એવા 10 ડક વિશે.
આ 10 ડક બેટરો માટે ક્રિકેટમાં શરમજનક આઉટ માટે ઓળખવામાં આવે છે.
- રોયલ ડક (પ્લેટિનમ): કોઈ ટીમનો ઓપનર મેચના પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી દે ત્યારે તેને રોયલ કે પ્લેટિનમ ડક વિકેટ ગુમાવ્યાનુ કહેવામાં આવે છે. આ પ્રકારે આઉટ થવાને પ્લેટિનમ અને રોયલ ડક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારે માત્ર ઓપનર બેટર જ આઉટ થઈ શકે છે.
- ડાયમંડ ડક: એક પણ બોલ રમ્યા વિના જ બેટર શૂન્ય રને આઉટ થાય ત્યારે આ તેને ડાયમંડ ડક તરીકે ઓળખવામાં આવે છે. આમ ક્રિકેટમાં બે જ રીતે સંભવ છે, એક રન થવા પર અને બીજુ ટાઈમ આઉટ વખતે.
- ગોલ્ડન ડકઃ સૂર્યાકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં ત્રણેય મેચમાં આજ રીતે આઉટ થયો હતો. તે મેચમાં બેટિંગ કરવા આવીને પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી બેઠો હતો. ક્રિકેટમાં આને ગોલ્ડન ડક તરીકે ઓળખવામાં આવે છે કે, જેમાં પ્રથમ બોલ પર જ બેટર આઉટ થઈ પરત ફરે છે.
- સિલ્વર ડકઃ બેટર ક્રિઝ પર પહોંચીને પહેલા નહીં પરંતુ બીજા બોલે શૂન્ય રને વિકેટ ગુમાવી દે ત્યારે તેને સિલ્વર ડક આઉટ થયો હોવાનુ ઓળખવામાં આવે છે. એટલે કે બે બોલનો સામનો કરીને શૂન્ય રન કરીને બેટર પરત ફર્યો હોય ત્યારે આમ કહેવાય છે.
- બ્રોન્ઝ ડકઃ શૂન્ય રન પર ત્રીજા બોલ પર વિકેટ ગુમાવવાને લઈ બ્રોન્ઝ ડક વિકેટ ગુમાવ્યાનુ ઓળખવામાં આવે છે. એટલે ત્રણ બોલમાં એક પણ રન નોંધાવી શકતો નથી બેટર અને આઉટ થવા પર તેને બ્રોન્ઝ ડક વિકેટ કહેવાય છે.
- ગોલ્ડન ગૂજ ડકઃ આ રીતે વિકેટ ગુમાવવાનો મતલબ છે કે નવી સિઝનની પ્રથમ મેચમાં પ્રથમ બોલ પર જ શૂન્ય રને વિકેટ ગુમાવવા પર ગોલ્ડન ગૂજ ડક વિકેટ કહેવામાં આવે છે.
- લાફિંગ ડકઃ આ પ્રકારની વિકેટ ભાગ્યેજ જોવા મળી શકે છે. આવુ કોઈક કમનસીબ બેટરના જ કિસ્મત લખાયેલુ હોય છે. બેટિંગ ઈનીંગના અંતિમ બોલ પર કોઈ બેટર શૂન્ય રન સાથે વિકેટ ગુમાવે ત્યારે તેને લાફિંગ ડક તરીકે બતાવવામાં આવે છે.
- પેયર ડકઃ આ પ્રકારની ડક વિકેટ માત્ર ટેસ્ટ ફોર્મેટમાં જ ક્રિકેટમાં જોવા મળે છે. કારણ કે, ટેસ્ટ મેચની બંને ઈનીંગમાં શૂન્ય રને બેટરના આઉટ થવા પર પેયર ડક વિકેટ બતાવવામાં આવે છે. આમાં માત્ર શૂન્ય રન જ ધ્યાને લેવાય છે, બોલ કેટલા રમીને વિકેટ ગુમાવીએ ગૌણ છે.
- કિંગ પેયર ડકઃ આ પ્રકારની વિકેટ પણ ક્રિકેટમાં ટેસ્ટ ફોર્મેટમાં જ જોવા મળે છે. આ પ્રકારની વિકેટ ત્યારે ઓળખવામા આવે છે. જેમાં ટેસ્ટ મેચની બંને ઈનીંગમાં શૂન્ય રને પ્રથમ બોલ પર કોઈપણ બેટર વિકેટ ગુમાવે તો તેને કિંગ પેયર ડક વિકેટ તરીકે ઓળખાય છે. આવુ ક્યારેક ક્યારેક જ ક્રિકેટમાં જોવા મળે છે અને જે ટેસ્ટ ક્રિકેટમાં બેટર માટે ખૂબ જ ખરાબ વિકેટ ગુમાવ્યાનુ માનવામાં આવે છે.
- ટાઈટેનિયમ ડકઃ આ પ્રકારની વિકેટ ટેસ્ટ ક્રિકેટમાં જોવા મળે છે. ટાઈટેનિયમ ડક વિકેટ ડાયમંડ ડક વિકેટની જેમ જ છે. અહીં ટાઈટેનિયમ ડક એટલે ટેસ્ટ મેચની બંનેમાંથી કોઈપણ ઈનીંગમાં પ્રથમ બોલ પર શૂન્ય રને વિકેટ ગુમાવનાર બેટરને માટે કહેવામાં આવે છે.