કોહલીએ સચિન-રોહિતને બાજુ પર મૂક્યા! આ ખેલાડીને ગણાવ્યો T20 ઇતિહાસનો અસલી ‘લેજન્ડ’, જેના નામથી બોલરો આજે પણ ધ્રૂજે છે

IPL 2026 ના પ્રારંભ પહેલા વિરાટ કોહલીએ એક મજેદાર ખુલાસો કર્યો છે. RCBના એક ઈન્ટરવ્યુમાં જ્યારે વિરાટને પૂછવામાં આવ્યું કે, T20 ક્રિકેટનો સૌથી બેસ્ટ ઓપનર કોણ છે? ત્યારે તેણે સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા મોટા નામોને બદલે એક એવા ખેલાડીનું નામ લીધું કે, જેને તે અસલી 'લેજન્ડ' માને છે.

કોહલીએ સચિન-રોહિતને બાજુ પર મૂક્યા! આ ખેલાડીને ગણાવ્યો T20 ઇતિહાસનો અસલી લેજન્ડ, જેના નામથી બોલરો આજે પણ ધ્રૂજે છે
Image Credit source: PTI
| Updated on: Mar 15, 2026 | 8:40 PM

IPL 2026 ના પ્રારંભમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આગામી સીઝન પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે વિરાટ કોહલીને એક મજેદાર સવાલ પૂછ્યો, જેનો તેણે ખૂબ જ સરસ રીતે જવાબ આપ્યો છે. ‘કિંગ’ કોહલીને પૂછવામાં આવ્યું હતું કે, ટી20 ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન કોણ છે? જો કે, આ પ્રશ્ન માટે તેને કેટલાક વિકલ્પો પણ સૂચવવામાં આવ્યા હતા.

કોહલી સામે એડમ ગિલક્રિસ્ટ, સુનીલ નરેન, ટ્રેવિસ હેડ, વીરેન્દ્ર સેહવાગ, ક્વિન્ટન ડી કોક, શેન વોટસન, શિખર ધવન, ફાફ ડુ પ્લેસિસ, બ્રેન્ડન મેક્કુલમ, સચિન તેંડુલકર, રોહિત શર્મા અને ક્રિસ ગેલ જેવા નામો રાખવામાં આવ્યા હતા. આ બધામાંથી કોહલીએ ક્રિસ ગેલને ટી20નો સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કર્યો હતો.

ગેલનો રેકોર્ડ ‘અદ્ભૂત’

વિરાટ કોહલીની આ પસંદગી ખોટી પણ નથી જણાતી, કારણ કે ટી20 ક્રિકેટમાં ગેલનો કોઈ જવાબ નથી. તેની શાનદાર રમતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં તેણે વર્ષ 2005 થી વર્ષ 2022 વચ્ચે કુલ 463 મેચ રમી હતી.

સૌથી વધુ સિક્સર ફટકારનાર ‘પ્રથમ બેટ્સમેન’

આ દરમિયાન 455 ઇનિંગ્સમાં તેણે 36.22ની એવરેજથી 14,562 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી ક્રિકેટ પ્રેમીઓને 22 સદી અને 88 અડધી સદી જોવા મળી છે. એક જ મેચમાં રમાયેલી 175 રનની અણનમ ઇનિંગ તેની સર્વોચ્ચ ઇનિંગ રહી હતી.

ક્રિસ ગેલ સમગ્ર વિશ્વમાં ટી20 ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર (છગ્ગા) ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. ગેલે 463 મેચની 455 ઇનિંગ્સમાં 1056 સિક્સર ફટકારી છે. આ ઉપરાંત તેના બેટથી 1132 ફોર (ચોગ્ગા) નીકળ્યા છે. ટી20 ક્રિકેટમાં ગેલનો સ્ટ્રાઈક રેટ 144.75 રહ્યો છે.

Breaking News : T20 વર્લ્ડ કપ જીત્યા પછી સૂર્યકુમાર યાદવ પિતા બનશે, બેબી શાવરનો વીડિયો વાયરલ