
ભારતીય ક્રિકેટ ટીમ નવા વર્ષની શરૂઆત ન્યુઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણી સાથે કરશે. ત્રણ મેચની શ્રેણી 11 જાન્યુઆરીથી શરૂ થશે. પહેલી વન-ડે મેચ વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ માટે વિરાટ કોહલી વડોદરા આવી પહોંચ્યો છે. જો કે, વડોદરા પહોંચ્યા પછી વિરાટ કોહલી ગંભીર મુશ્કેલીમાં મુકાયો હતો.
વાત એમ છે કે, વિરાટ કોહલી જેવો એરપોર્ટથી બહાર નીકળ્યો, તો ત્યાં “કોહલી, કોહલી” ના જોરદાર નારા ગુંજી ઉઠ્યા. વધુમાં એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ ફેન્સે કોહલીને ઘેરી લીધો હતો. લોકો કોહલી સાથે સેલ્ફી પડાવવા અને તેનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
#WATCH | Gujarat: Former Indian Captain and Star Cricketer Virat Kohli arrives at Vadodara for Team India’s ODI match against New Zealand on 11th January. pic.twitter.com/cQbhCghMZy
— ANI (@ANI) January 7, 2026
જો કે, લાંબા સંઘર્ષ બાદ કોહલી પોતાની કાર સુધી પહોંચ્યો અને હોટેલ જવા રવાના થયો. કોહલીનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં વિરાટ કોહલીનું દમદાર ફોર્મ જોવા મળ્યું. કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી માટે એક સદી અને એક અડધી સદી ફટકારી. T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી કોહલીએ પોતાનું ધ્યાન ODI ફોર્મેટ પર કેન્દ્રિત કર્યું છે.
વર્ષ 2026 માં ન્યુઝીલેન્ડ સિરીઝ કોહલીની વર્ષની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. એવામાં ફેન્સને આશા છે કે, કોહલી પ્રથમ ODI માં સદી ફટકારશે. આ પ્રથમ ODI કોહલી માટે ખાસ મહત્વ ધરાવે છે. યોગાનુયોગ, કોહલીએ વર્ષ 2010 માં ન્યુઝીલેન્ડ સામે આ મેદાન પર તેની છેલ્લી મેચ રમી હતી.
ન્યુઝીલેન્ડ સામેની તે મેચમાં કોહલીએ અણનમ 63 રન બનાવીને ભારતને જીત અપાવી હતી. તે મેચમાં ગૌતમ ગંભીરે પણ અણનમ 126 રન બનાવ્યા અને બંનેએ 114 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ODI શ્રેણી 11 જાન્યુઆરીએ વડોદરામાં શરૂ થશે, પછી 14 જાન્યુઆરીએ રાજકોટ અને 18 જાન્યુઆરીએ ઇન્દોરમાં સમાપ્ત થશે.