World Cup 2023: જાણો વર્લ્ડ કપ મેચો માટે ટીમ ઈન્ડિયાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ 11 કેવી રહેશે
વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતીય ટીમે લીગ તબક્કાની તેની તમામ 9 મેચો અલગ-અલગ સ્થળો પર રમવાની છે, જેની પિચ અને સ્થિતિ એકબીજાથી અલગ હશે અને આવી સ્થિતિમાં પ્લેઈંગ-11માં ફેરફાર નિશ્ચિત છે. જે અંગે વર્લ્ડ કપની ટીમ જાહેર થયા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ અંગે વાતચીત કરી હતી.
બરાબર એક મહિના પછી ભારતમાં યોજાનારા ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ 15 સભ્યોની ટીમમાં કોઈ આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવ્યો ન હતો અને જે ટીમની અપેક્ષા હતી તે જ ટીમની પસંદગી કરવામાં આવી છે. શ્રીલંકામાં એશિયા કપ રમી રહેલા ટીમ ઈન્ડિયા (Team India) ના ખેલાડીઓમાંથી જ વર્લ્ડ કપની ટીમની પસંદગી કરવામાં આવી છે.
હવે ચર્ચા એ વાત પર થશે કે વર્લ્ડ કપ મેચો માટે ટીમ ઈન્ડિયાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન (Playing 11) કઈ હશે, કારણ કે આ નિર્ણય એટલો આસાન નહીં હોય. ખાસ કરીને કેએલ રાહુલ પર નજર રહેશે કે તેને તક મળશે કે કેમ?
પ્લેઈંગ 11ને લઈ ચર્ચા શરૂ
10 ટીમો વચ્ચે રમાનાર આ વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં યોજાશે અને બીજી મેચ 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે દિલ્હીમાં રમાશે. આ રીતે, એક મહિનામાં ટીમ ઈન્ડિયા તેની 9 લીગ તબક્કાની મેચો અલગ-અલગ પીચો અને પરિસ્થિતિઓ પર રમશે. આવી સ્થિતિમાં પ્લેઈંગ ઈલેવનમાં જરૂર મુજબ ફેરફાર થાય તે સ્વાભાવિક છે અને કેપ્ટન રોહિત શર્મા પણ આ વાત જાણે છે.
રોહિત શર્માએ કહી મોટી વાત
5 સપ્ટેમ્બર મંગળવારના રોજ શ્રીલંકાના કેન્ડીમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેનો જવાબ એ બતાવવા માટે પૂરતો છે કે દરેક મેચમાં પ્લેઈંગ 11ના ખેલાડીઓમાં ફેરફાર થશે. કેપ્ટન રોહિતે કહ્યું કે પ્લેઈંગ ઈલેવનની પસંદગી ખેલાડીઓના ફોર્મ અને વિરોધી ટીમની તાકાત અને તેઓ જે પડકારોનો સામનો કરે છે તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
કેએલ રાહુલ કે ઈશાન કિશન?
એક મોટો પ્રશ્ન વિકેટકીપર-બેટ્સમેનની પસંદગીને લઈને છે. ઈજા પહેલા આ ભૂમિકા ભજવી રહેલો કેએલ રાહુલ ફિટ થઈને એશિયા કપની ટીમમાં સામેલ થઈ ગયો છે અને વર્લ્ડ કપ માટે પણ તેની પસંદગી થઈ ગઈ છે. બીજી તરફ રાહુલની ગેરહાજરીમાં ઈશાન કિશને 82 રનની શાનદાર ઈનિંગ રમીને પાકિસ્તાન સામે પોતાનો દાવો મજબૂત કર્યો છે અને સૌથી મહત્વપૂર્ણ નિર્ણય આના પર જ લેવાનો છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કહ્યું કે એક સ્થાન માટે બે ખેલાડીઓ વચ્ચેની સ્પર્ધા ટીમ માટે સારી વાત છે.
ભૂતકાળના પ્રદર્શનના આધારે રાહુલની પસંદગી નિશ્ચિત
સ્વાભાવિક છે કે, રાહુલે અગાઉ આ સ્થાન પર ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને આવી સ્થિતિમાં ઈજામાંથી પરત ફરવા પર તેનું સ્થાન પ્લેઈંગ ઈલેવનમાં બને છે, પરંતુ ઈશાનના પ્રદર્શનને પણ અવગણી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં એશિયા કપની આગામી કેટલીક મેચો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા શ્રેણી આમાં મહત્વની ભૂમિકા ભજવશે. જો કે અનુભવ અને ભૂતકાળના પ્રદર્શનના આધારે રાહુલની પસંદગી નિશ્ચિત લાગી રહી છે, પરંતુ રોહિતના નિવેદન મુજબ વિરોધી ટીમની તાકાતને જોતા ઈશાન કિશનને પણ તક આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો : વર્લ્ડ કપમાં ઈન્ડિયા નહીં પણ ભારતના નામે રમશે ટીમ? વીરેન્દ્ર સેહવાગની BCCI પાસે ગજબની ડિમાન્ડ
બોલિંગમાં પસંદગી સૌથી મોટો પડકાર
આ સિવાય મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલમાંથી કોઈપણ બે ખેલાડીની પસંદગી સામે પડકાર રહેશે. પસંદગીકારો અને કેપ્ટને જે પ્રકારની વાતો કહી છે તેનાથી જોઈ શકાય છે કે શાર્દુલ ઠાકુરનો દાવો મજબૂત છે. આવી સ્થિતિમાં શમી અથવા સિરાજમાંથી એકને તક મળશે, જ્યારે અક્ષર પટેલ શાર્દુલનું સ્થાન ત્યારે જ લઈ શકશે જો સ્પિનરોને મદદરૂપ પિચ હશે.
ભારતનો સંભવિત પ્લેઇંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ.