
મુંબઈમાં ચાલી રહેલા પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ કપમાં સૂર્યકુમાર યાદવ MIG ક્રિકેટ ક્લબ તરફથી મેદાનમાં ઉતર્યા હતા. T20 ફોર્મેટમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં MIG ક્રિકેટ ક્લબનો મુકાબલો મુસ્લિમ યુનાઇટેડ સ્પોર્ટ્સ ક્લબ સામે હતો. આ મેચમાં સૂર્યાએ MIG ક્રિકેટ ક્લબનું નેતૃત્વ સંભાળ્યું હતું અને ટીમને વિજય પણ અપાવ્યો હતો. સૂર્યાની કેપ્ટનશીપમાં MIG ક્રિકેટ ક્લબે મુસ્લિમ યુનાઇટેડને 26 બોલ બાકી રહેતા જ 5 વિકેટથી હરાવી દીધું હતું.
MIG ક્રિકેટ ક્લબને જીતવા માટે મુસ્લિમ યુનાઇટેડ તરફથી 20 ઓવરમાં 154 રનનો ટાર્ગેટ મળ્યો હતો. MIG ક્રિકેટ ક્લબે આ ટાર્ગેટ માત્ર 15.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ રન ચેઝ દરમિયાન સૌની નજર કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર ટકેલી હતી. સૂર્યા આ મેચમાં વન-ડાઉન બેટિંગ કરવા માટે ઉતર્યા હતા. તેમની બેટિંગમાં સૌથી નોંધપાત્ર બાબત તેમનો સ્ટ્રાઇક રેટ રહ્યો હતો.
સૂર્યકુમાર યાદવે 3 ચોગ્ગાની મદદથી 10 બોલમાં 170ના સ્ટ્રાઇક રેટ સાથે 17 રન ફટકાર્યા હતા. પોતાની ઇનિંગ્સ દરમિયાન તેમણે 5 સિંગલ લીધા અને 2 બોલ ડોટ રમ્યા હતા. તેમની વિકેટ જગદીશ ભાનુશાલી નામના બોલરે લીધી હતી.
Suryakumar Yadav playing president cup match in Mumbai playing for MIG vs muslim United.❤️ https://t.co/0PnBFjz4lF
— ⁴⁵ (@rushiii_12) October 11, 2026
જોકે MIG ક્રિકેટ ક્લબ તરફથી કોઈ પણ બેટ્સમેન 50 રનનો આંકડો વટાવી શક્યો નહોતો. ઓપનર કૌશિક ચિખલીકરે સૌથી વધુ 49 રન 204ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી માત્ર 24 બોલમાં બનાવ્યા હતા. જ્યારે શીશ શેટ્ટી 152.38ના સ્ટ્રાઇક રેટથી 21 બોલમાં 32 રન બનાવીને બીજા સૌથી સફળ બેટ્સમેન રહ્યા હતા. MIG ક્લબ તરફથી સૂર્યકુમાર યાદવ બીજા સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટ્સમેન રહ્યા.
આ અગાઉ 11 ઓક્ટોબરના રોજ રમાયેલી આ મેચમાં મુસ્લિમ યુનાઇટેડ સ્પોર્ટ્સ ક્લબે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 153 રન નોંધાવ્યા હતા. ટીમ તરફથી કેપ્ટન અને 8માં ક્રમે બેટિંગ કરવા આવેલા નદીમ શેખે સૌથી વધુ 42 રન માત્ર 19 બોલમાં 221.05ના તોફાની સ્ટ્રાઇક રેટ સાથે બનાવ્યા હતા.