
ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે આવતા મહિને પ્રવાસે જશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટથી ગાલેમાં શરૂ થશે, જ્યારે બીજી ટેસ્ટ બાદમાં રમાશે. પ્રથમ ટેસ્ટની તારીખ ભારતીય ક્રિકેટ માટે ખાસ છે, કારણ કે સ્વતંત્રતા દિવસના રોજ ટેસ્ટ મેચ શરૂ થવાનો આ માત્ર બીજો પ્રસંગ બનશે.
આ પહેલા માત્ર એક જ વખત ભારતની ટેસ્ટ મેચ 15 ઓગસ્ટે શરૂ થઈ હતી. વર્ષ 2014માં ઈંગ્લેન્ડ સામે ઓવલ ખાતે રમાયેલી ટેસ્ટ 15 ઓગસ્ટના રોજ શરૂ થઈ હતી. તે સમયે મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા. હવે 12 વર્ષ બાદ ફરી એકવાર ભારતીય ટીમ સ્વતંત્રતા દિવસના રોજ ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે.
જોકે, 2014ની તે ટેસ્ટ ભારત માટે યાદગાર રહી નહોતી. પ્રથમ ઇનિંગ્સમાં ભારત માત્ર 148 રનમાં સમેટાઈ ગયું હતું. જવાબમાં ઈંગ્લેન્ડે 486 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. બીજી ઇનિંગમાં પણ ભારતીય બેટિંગ નિષ્ફળ રહી હતી અને ટીમ માત્ર 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે ભારતને એક ઇનિંગ અને 244 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
TEAM INDIA TO LEAVE EARLY FOR SRI LANKA. ✈️
Team India are likely to depart for Sri Lanka on August 4 ahead of the Test series. (Sahil Malhotra)#TeamIndia #ShubmanGill #INDvSL #WTC #TestCricket pic.twitter.com/La7Nsg56wD
— Clutch Sports (@Clutchsportsz) July 21, 2026
આ વખતે ભારતીય ટીમ તે ખરાબ યાદોને પાછળ છોડીને નવી શરૂઆત કરવા ઉતરશે. ગાલેની સ્પિનને અનુકૂળ પિચ પર ભારતીય બેટ્સમેન અને સ્પિનરોની કસોટી થશે. બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી પણ આ શ્રેણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા ચાર દિવસની વોર્મ-અપ મેચ રમશે. આ પ્રેક્ટિસ મેચ 7 ઓગસ્ટથી કોલંબોમાં યોજાશે, જેથી ખેલાડીઓને સ્થાનિક પરિસ્થિતિઓમાં રમવાનો અનુભવ મળી શકે. ત્યારબાદ ટીમ ગાલે જશે, જ્યાં 15 ઓગસ્ટે પ્રથમ ટેસ્ટ સાથે શ્રેણીની શરૂઆત થશે. ભારતની નજર આ વખતે ઈતિહાસ બદલવા અને જીત સાથે અભિયાન શરૂ કરવા પર રહેશે.