Shafali Verma : શ્રીલંકા સામે લેડી સેહવાગની સ્ટ્રાઈક, શેફાલી વર્માએ અડધી સદીની ફટકારી હેટ્રિક
શેફાલી વર્માએ શ્રીલંકા સામે ચોથી T20I માં વિસ્ફોટક અડધી સદી ફટકારીને અડધી સદીની હેટ્રિક પૂરી કરી. 'લેડી સેહવાગ' તરીકે જાણીતી શેફાલીએ માત્ર 30 બોલમાં 9 ચોગ્ગા સાથે આ સિદ્ધિ મેળવી.

શ્રીલંકા સામે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ‘લેડી સેહવાગ’ તરીકે ઓળખાતી શેફાલી વર્માએ ફરી એક વખત પોતાનું તોફાની ફોર્મ દર્શાવ્યું છે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શેફાલીએ વિસ્ફોટક અડધી સદી ફટકારી અને આ સાથે અડધી સદીની હેટ્રિક પૂર્ણ કરી.
તિરુવનંતપુરમમાં રમાયેલી આ મેચમાં શેફાલી વર્માએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. આ અડધી સદી આ શ્રેણીમાં તેની સતત ત્રીજી અડધી સદી હતી, જ્યારે ટી20આઈ કારકિર્દીની કુલ 12મી અડધી સદી બની. ઓપનર તરીકે રમતી શેફાલીએ શ્રીલંકાના બોલરો પર સંપૂર્ણ દબદબો જમાવ્યો. તેની સાથે ઓપનિંગ પાર્ટનર અને ભારતીય ટીમની ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પણ શાનદાર બેટિંગ કરી.
ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન
આ શ્રેણીની પહેલી મેચમાં શેફાલી ખાસ પ્રભાવ છોડી શકી નહોતી અને બે આંકડા સુધી પણ પહોંચી ન હતી. જોકે બીજી મેચથી તેણે દમદાર વાપસી કરી. બીજી અને ત્રીજી ટી20 મેચમાં તેણે અડધી સદી ફટકારી અને ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. વિજયી લક્ષ્યનો પીછો કરતી વખતે શેફાલીની આ ઇનિંગ્સ નિર્ણાયક સાબિત થઈ.
On song
Shafali Verma is yet again looking in great touch #TeamIndia 138/0 in 13 overs
Updates ▶️ https://t.co/9lrjb3dMqU #INDvSL | @TheShafaliVerma | @IDFCFIRSTBank pic.twitter.com/5QxoeKnhjE
— BCCI Women (@BCCIWomen) December 28, 2025
ચોથી ટી20 મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ભારતીય ઓપનિંગ જોડી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો અને શ્રીલંકાના બોલરોને બેકફૂટ પર ધકેલી દીધા. શેફાલીએ 11મી ઓવરનાં પ્રથમ જ બોલ પર ચોગ્ગા ફટકારી પોતાની અડધી સદી પૂર્ણ કરી. તેણે માત્ર 30 બોલમાં નવ ચોગ્ગા ફટકારીને આ સિદ્ધિ મેળવી.
ત્રણ કે તેથી વધુ અડધી સદી ફટકારનાર ત્રીજી ભારતીય મહિલા બેટ્સમેન
આ ઇનિંગ સાથે શેફાલી વર્માએ એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત ત્રણ કે તેથી વધુ અડધી સદી ફટકારનાર ત્રીજી ભારતીય મહિલા બેટ્સમેન બની છે. શેફાલી પહેલા આ સિદ્ધિ મિતાલી રાજ અને સ્મૃતિ મંધાનાએ હાંસલ કરી હતી.
મિતાલી રાજે વર્ષ 2016થી 2018 દરમિયાન સતત ચાર ટી20 આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારી હતી, જ્યારે સ્મૃતિ મંધાનાએ 2024–2025 દરમિયાન આ રેકોર્ડની બરાબરી કરી હતી. હવે શેફાલી વર્મા પાસે શ્રેણીની પાંચમી અને અંતિમ ટી20 મેચમાં વધુ એક અડધી સદી ફટકારીને મિતાલી રાજ અને સ્મૃતિ મંધાના બંનેના રેકોર્ડની બરાબરી કરવાની સુવર્ણ તક છે.
સફળતાથી વિવાદ સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર માટે વર્ષ કેવું રહ્યું? જાણો
