પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ ભારતના જસપ્રીત બુમરાહની ખુલ્લેઆમ પ્રશંસા કરી, કહ્યું- ‘વર્લ્ડનો બેસ્ટ બોલર’

T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ભારતે બેટિંગ અને બોલિંગ બંને વિભાગોમાં દમદાર રમત દેખાડી હતી. ભારતની આ ઐતિહાસિક જીત બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ પણ ટીમ ઈન્ડિયા અને જસપ્રીત બુમરાહની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે.

પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ ભારતના જસપ્રીત બુમરાહની ખુલ્લેઆમ પ્રશંસા કરી, કહ્યું- વર્લ્ડનો બેસ્ટ બોલર
Afridi & bumrah
Image Credit source: PTI/X
| Updated on: Mar 10, 2026 | 10:56 PM

T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે દમદાર પ્રદર્શન કરીને ખિતાબ જીત્યો છે. ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ખેલાડીઓએ સતત સારું પ્રદર્શન કર્યું હતું, જેના કારણે આખી ટીમ ચર્ચામાં રહી હતી. ખાસ કરીને બોલિંગ વિભાગમાં જસપ્રીત બુમરાહનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાનમાં ભારતીય ટીમના વખાણ

ભારતની આ જીત બાદ પાકિસ્તાનમાંથી પણ ભારતીય ટીમના વખાણ થઈ રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયોમાં ભારતીય ટીમની પ્રશંસા કરી. તેના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો છે.

આફ્રિદીએ ભારતની જીત પર શું કહ્યું?

આ વીડિયોમાં આફ્રિદીએ કહ્યું કે, “મને લાગે છે કે ભારતીય ટીમ આ ખિતાબને લાયક હતી. તેમની પાસે એક શાનદાર ટીમ કોમ્બિનેશન છે. બેન્ચ પરના ખેલાડીઓ પ્લેઇંગ ઇલેવનમાં રહેલા ખેલાડીઓ જેટલા જ મજબૂત છે.” તેના મતે મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ કોઈપણ સફળ ટીમ માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે અને આ જ ભારતની સૌથી મોટી તાકાત બની.

 

બુમરાહની કરી પ્રશંસા

આફ્રિદીએ ખાસ કરીને ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પ્રશંસા કરી. તેમના કહેવા મુજબ બુમરાહ ભારતની બોલિંગ લાઇન-અપનો આધારસ્તંભ છે. તેણે વધુમાં કહ્યું કે બુમરાહ પાસે દરેક પ્રકારની બોલિંગ કરવાની ક્ષમતા છે, જે તેમને વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાં સ્થાન અપાવે છે.

બુમરાહ વિશ્વનો શ્રેષ્ઠ બોલર

આફ્રિદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું, “નવો બોલ હોય કે જૂનો, ધીમો બોલ હોય કે યોર્કર – મારા મતે બુમરાહ વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંનો એક છે.” તેમના આ નિવેદન બાદ ક્રિકેટ ચાહકો વચ્ચે બુમરાહની બોલિંગને લઈને ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આફ્રિદી ભારત વિશે તીખા નિવેદનો આપવા જાણીતો

રસપ્રદ વાત એ છે કે શાહિદ આફ્રિદી ઘણી વખત ભારત વિશે તીખા નિવેદનો આપવા માટે જાણીતો છે. આ જ કારણસર ભારતમાં તેમના X (ટ્વિટર) એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં આ વખતે તેણે ખુલ્લેઆમ ભારતીય ટીમ અને બુમરાહની પ્રશંસા કરી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે.

Breaking News : ઈશાન કિશન ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા સાથે ક્યારે કરશે લગ્ન? દાદાએ કર્યો મોટો ખુલાસો