Pakistan: પાકિસ્તાન મરવા વાંકે જીવી રહ્યુ છે ત્યાં 37 કરોડની ક્રિકેટ પિચ ખરીદશે, ખર્ચાળ ‘ડ્રોપ-ઇન પિચ’ નો ચસકો લાગ્યો
દેશને ચલાવવાના ફાંફા છે અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના વાયા ICC પર નિર્ભર પાકિસ્તાન બોર્ડ હવે રમત સુધારણાને નામે પૈસા વેડફશે
કંગાળ પાકિસ્તાન (Pakistan) ને દેશ ચલાવવા માટે ફાંફા છે ત્યાં હવે નીત નવા અખતરા કરવા લાગ્યુ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Bord) હવે મોંઘી દાટ ક્રિકેટ પિચ પાછળ પૈસા ખર્ચ કરશે. ઝડપી બોલીંગ તેમજ બેટ્સમેનોને ઝડપી અને ઉછાળવાળા બોલરો સામે ક્રિકેટ રમવાની તૈયારી કરવા માટે આ ખાસ પ્રકારની મોંઘી દાટ પિચનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રોપ-ઇન પિચ (Drop-in-Pitch) ને તૈયાર કરવા માટે PCB 37 કરોડ રુપિયા ખર્ચ કરશે.
મરવા વાંકે જીવતા પાકિસ્તાનને ઘરેલુ ક્રિકેટમાં હજુ પણ વધારે સુધાર લાવવાનો અભરખો લાગ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લાગે છે કે, તેમના ક્રિકેટરોમાં હજુ પણ કચાશ છે અને તેને દૂર કરવા માટે હવે ઘરેલૂ તૈયાર પિચ ના બદલે ડ્રોપ-પિચ પર આશા જાગી રહી છે. આ માટે 37 કરોડના ખર્ચે બે પિચ તૈયાર કરવામાં આવશે. જે બંને પિચને કરાચી અને લાહોરના ક્રિકેટ સ્ટેડિયમમાં લગાવવામાં આવશે. જોકે આટલી મોંઘી પિચને લઇને એ પણ શંકા પેદા થવા લાગી છે કે, પીસીબીએ હવે ભ્રષ્ટાચારના હિસ્સા રુપે આ નવો પ્રોજેક્ટ શરુ કર્યો છે કે, પછી હકીકતમાં જ ક્રિકેટ સુધારણા માટે.
આ માટે એ કારણ બતાવાવમાં આવી રહ્યુ છે. એશિયાઇ પિચો પર ખેલાડીઓને વધારે ગતિ અને ઉછાળ નથી મળી શકતો. જેને લઇને ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં રમતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેને લઇને પીસીબીએ ખેલાડીઓને વિદેશી પિચો પર રમતી વેળાની સમસ્યાને ટાળવા માટે આ નિર્ણય કર્યો હોવાનો દાવો કર્યો છે. પીસીબીએ પીએસએલ 2021 ના ડ્રાફ્ટના દરમિયાન એક ગ્રુપ સાથે એમઓયુ કરવામાં આવ્યુ છે. આ અંગેની જાણકારી પીસીબી અધ્યક્ષ રમીઝ રાજાએ આપી હતી.
કેવી હોય છે ડ્રોપ-ઇન પિચ
ડ્રોપ-ઇન પિચનુ ચલણ વિદેશો વધારે જોવા મળે છે ખાસ કરી ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારની પિચનો ઉપયોગ થતો રહે છે. આ પ્રકારની પિચના ઉપયોગનુ કારણ મોટે ભાગે એ રહેતુ હોય છે કે, ક્રિકેટ સિવાયની રમત માટે મેદાનના ઉપયોગ માટે પિચને હટાવી લેવાય છે. જ્યારે ક્રિકેટની ઓફ સિઝન હોય ત્યારે પણ આ પિચને મેદાનમાંથી ઉઠાવીને અન્યત્રે રાખવામાં આવતી હોય છે.
ડ્રોપ-ઇન પિચ ક્રિકેટના મેદાન થી બહાર તૈયાર કરવામાં આવતી હોય છે અને તેને ઉપયોગના સમયે મેદાનમાં ક્રેનની મદદ થી લગાવી દેવામાં આવતી હોય છે. આ માટે ખૂબ જ ઝીણવટ ભરી દેખરેખ પિચની રાખવી પડતી હોય છે.