
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હંમેશા BCCI સાથે ગડબડ કરવાનો પ્રયાસ કરે છે. પહેલા IPLની સાથે PSLનું આયોજન અને હવે યુદ્ધ વિરામ બાદ ફરી ટુર્નામેન્ટ શરૂ કરવાની સમાન તારીખ પસંદ કરી BCCIને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. છતાં ફરી એકવાર ભારત સામે પાકિસ્તાનની બદનામી થઈ છે, કારણકે બે ખેલાડીઓએ IPLમાં રમવા માટે PSLની સિઝનની અધવચ્ચે છોડી પાકિસ્તાનથી ભારત આવવાનો નિર્ણય લીધો છે.
ભારત-પાકિસ્તાન તણાવ પછી, ઘણા વિદેશી ખેલાડીઓ તેમના દેશ પાછા ફર્યા. આવી સ્થિતિમાં ખેલાડીઓની અછત છે. આ કારણે, IPL અને PSL માટે તેમને પાછા બોલાવવા અને ટુર્નામેન્ટ ફરી શરૂ કરવી એ એક મોટો પડકાર છે. જોકે, BCCI આમાં PCBને હરાવી રહ્યું હોય તેવું લાગે છે, કારણ કે તેમણે IPL રમી રહેલા ખેલાડીઓને પાછા આવવા માટે મનાવી લીધા છે.
હવે કેટલાક PSL ખેલાડીઓ પણ ભારત આવી રહ્યા છે. હકીકતમાં, બાબર આઝમની આગેવાની હેઠળ પેશાવર ઝાલ્મી માટે રમતા ઓસ્ટ્રેલિયન ખેલાડી મિશેલ ઓવેને સિઝનની મધ્યમાં જ PSLને છોડી દીધી છે. 17 મેથી ફરી IPL શરૂ થાય તે પહેલા ઓવેન પંજાબ કિંગ્સ ટીમમાં જોડાયો છે.
પંજાબ કિંગ્સે ઈજાગ્રસ્ત ગ્લેન મેક્સવેલના રિપ્લેસમેન્ટ તરીકે ઓવેનને કરારબદ્ધ કર્યો છે. તે PSL ફાઈનલ પછી ભારત આવવાનો હતો. પરંતુ ફાઈનલ પહેલા જ પાકિસ્તાન પાછા જવાને બદલે, તેણે ભારતમાં IPL રમવાનું પસંદ કર્યું છે.
બીજી તરફ, કુસલ મેન્ડિસે પણ ગુજરાત ટાઈટન્સ સાથે કરાર કરીને ક્વેટા ગ્લેડીયેટર્સને ઝટકો આપ્યો છે. ગુજરાતે તેને બટલરની જગ્યાએ કરારબદ્ધ કર્યો છે. બટલર બાકીની મેચો માટે ભારત પરત ફરશે નહીં. તેથી મેન્ડિસ તેનું સ્થાન લેશે. હાલમાં એ ખબર નથી કે બંને ખેલાડીઓને કેટલા પૈસા મળ્યા છે. પરંતુ ચોક્કસ PSL કરતા વધુ પૈસા ઓફર કરવામાં આવ્યા હશે, તો જ આ ખેલાડીઓએ ભારત આવવાનું નક્કી કર્યું હશે.
ઓવેને PSL 2025માં પેશાવર ઝાલ્મી માટે 8 મેચ રમી હતી. આ દરમિયાન તેનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. તેણે 14.57ની સરેરાશથી માત્ર 102 રન બનાવ્યા અને બે વિકેટ પણ લીધી. પરંતુ તેણે બિગ બેશ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. જ્યારે કુસલ મેન્ડિસે આ સિઝનમાં ક્વેટા ટીમ માટે 168ના સ્ટ્રાઈક રેટથી 143 રન બનાવ્યા હતા.
આ ખેલાડીઓનું ભારતમાં આગમન પાકિસ્તાની લીગ માટે મોટો ફટકો હશે. આના કારણે ફ્રેન્ચાઈઝી અને PCBને નુકસાન થશે. IPLમાં ખેલાડીઓની અછત પૂરી થશે પરંતુ PSL માટે આ એક મોટી સમસ્યા બનવાની છે.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડના ખેલાડીએ ગુજરાતને આપ્યો ઝટકો, તો ગુજરાતે પાકિસ્તાનને માર્યો મોટો ફટકો
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો