તામિલનાડુને હરાવી મુંબઈ 48મી વખત રણજી ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશ્યું

રણજી ટ્રોફીની બીજી સેમીફાઈનલમાં મુંબઈએ તમિલનાડુને હરાવ્યું હતું. મુંબઈની જીતનો હીરો શાર્દુલ ઠાકુર હતો, જેણે પ્રથમ દાવમાં સદી ફટકારવાની સાથે મેચમાં શાનદાર બોલિંગ પણ કરી હતી. મુંબઈની ટીમે 48મી વખત રણજી ફાઈનલમાં જગ્યા બનાવી છે, જ્યારે તમિલનાડુને ફરી એકવાર નિરાશાનો સામનો કરવો પડ્યો છે.

તામિલનાડુને હરાવી મુંબઈ 48મી વખત રણજી ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશ્યું
Shardul Thakur
| Updated on: Mar 04, 2024 | 5:46 PM

મુંબઈએ રણજી ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મુંબઈના બીકેસીમાં રમાઈ રહેલી મેચમાં તમિલનાડુની ટીમે એકતરફી રીતે સરેન્ડર કર્યું હતું. સાઈ કિશોરની આગેવાની હેઠળની આ ટીમ મુંબઈ સામે એક દાવ અને 70 રનથી હારી ગઈ હતી.

મુંબઈ સામે તામિલનાડુની હાર

આ મેચમાં તામિલનાડુએ પ્રથમ બેટિંગ કરતા માત્ર 146 રન બનાવ્યા હતા. આ પછી મુંબઈની ટીમે પ્રથમ દાવમાં 378 રન બનાવ્યા અને વિરોધી ટીમ પર મોટી સરસાઈ મેળવી લીધી. આ પછી તમિલનાડુની ટીમ મુંબઈની લીડને પાર કરી શકી ન હતી અને બીજી ઈનિંગમાં પણ તે 162 રનમાં સમેટાઈ ગઈ હતી.

મુંબઈની જીતનો હીરો શાર્દુલ ઠાકુર

શાર્દુલ ઠાકુર મુંબઈની જીતનો હીરો બન્યો હતો જેણે પ્રથમ દાવમાં નવમા નંબર પર શાનદાર સદી ફટકારી હતી. એક સમયે મુંબઈની ટીમે 106 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ આ પછી શાર્દુલ ઠાકુર અને તનુષ કોટિયાને શાનદાર ઈનિંગ રમી હતી. શાર્દુલ ઠાકુરે 104 બોલમાં 109 રન બનાવ્યા હતા. આ તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની પ્રથમ સદી છે. દસમાં નંબર પર બેટિંગ કરવા આવેલા કોટિયને પણ અણનમ 89 રન બનાવ્યા હતા.

તમિલનાડુનો બીજો દાવ પણ ફ્લોપ રહ્યો હતો

મુંબઈની જંગી લીડ બાદ તમિલનાડુના બેટ્સમેનો વળતો પ્રહાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વિકેટકીપર એન જગદીસનને શાર્દુલ ઠાકુરે 0 રને આઉટ કર્યો હતો. સાઈ સુદર્શન પણ ઠાકુરનો શિકાર બન્યો, તે માત્ર 5 રન બનાવી શક્યો. આ પછી વોશિંગ્ટન સુંદરની રમત પણ 4 રન પર સમાપ્ત થઈ ગઈ હતી.

બાબા ઈન્દ્રજીતે સૌથી વધુ 70 રન બનાવ્યા

બાબા ઈન્દ્રજીતે ચોક્કસપણે 70 રન બનાવીને વિકેટ પર ટકી રહેવાની હિંમત બતાવી હતી પરંતુ તેની ઈનિંગનો અંત આવતા જ તમિલનાડુએ આત્મસમર્પણ કર્યું હતું. શમ્સ મુલાનીએ બીજી ઈનિંગમાં 4 વિકેટ અને શાર્દુલ ઠાકુરે મેચમાં ચાર વિકેટ લઈને મુંબઈને 48મી વખત રણજી ટ્રોફીની ફાઈનલમાં પહોંચાડ્યું.

આ પણ વાંચો : સમગ્ર વિશ્વમાં ધમાલ મચાવશે ‘પિકલબોલ’, અમેરિકાથી શરૂ થશે વર્લ્ડ સિરીઝ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો