
રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026માં ભારત A અને પાકિસ્તાન A વચ્ચે 22 નવેમ્બર, રવિવારે મહામુકાબલો રમાશે. દોહાના વેસ્ટ એન્ડ પાર્ક સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમોએ પોતાની પ્રથમ મેચ જીતી છે. તેથી આ મુકાબલો સેમિફાઇનલની દિશામાં આગળ વધવા માટે ખૂબ મહત્ત્વનો રહેશે.
ભારતમાં આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે. જ્યારે મોબાઇલ અને અન્ય ડિજિટલ ઉપકરણો પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ દ્વારા કરવામાં આવશે. એટલે કે, ક્રિકેટપ્રેમીઓ ટીવી ઉપરાંત મોબાઇલ પર પણ ભારત-પાકિસ્તાનની ટક્કરનો આનંદ માણી શકશે.
ભારતીય ટીમની બેટિંગમાં વૈભવ સૂર્યવંશી સૌથી વધુ ચર્ચામાં રહેશે. નેપાળ સામેની પ્રથમ મેચમાં 15 વર્ષીય વૈભવ 32 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. હવે પાકિસ્તાન સામે તે મોટી ઇનિંગ રમવા ઉતરશે. તેની સાથે અભિષેક શર્મા પર પણ નજર રહેશે, જે નેપાળ સામે માત્ર 5 રન બનાવી શક્યો હતો. બીજી તરફ, તિલક વર્મા અને કુમાર કુશાગ્રે અગાઉની મેચમાં સદી ફટકારીને પોતાની ક્ષમતા બતાવી હતી.
ઈન્ડિયા Aનો બોલિંગ વિભાગ પણ મજબૂત દેખાઈ રહ્યો છે. લાંબા સમય બાદ મેદાન પર પરત ફરેલા હર્ષિત રાણાએ નેપાળ સામે શાનદાર પ્રદર્શન કરતાં 6 ઓવરમાં 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે પ્રિન્સ યાદવે માત્ર 5 ઓવરમાં 6 રન આપીને 5 વિકેટ પોતાના નામે કરી હતી. પાકિસ્તાન સામે પણ આ બંને બોલરો પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રહેશે.
આંકડાઓની વાત કરીએ તો ભારત A અને પાકિસ્તાન A વચ્ચે અત્યાર સુધી 14 વનડે મેચ રમાઈ છે. તેમાં ભારતીય ટીમે 9 મેચ જીતી છે. પાકિસ્તાન સામેનો આ મુકાબલો જીતનાર ટીમ સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની દિશામાં મજબૂત સ્થિતિમાં પહોંચી શકે છે. એક તરફ વૈભવ સહિતના ભારતીય બેટ્સમેનો પર નજર રહેશે, તો બીજી તરફ પાકિસ્તાનના માઝ સદકત અને સુફિયાન મુકીમ ભારતીય ટીમ માટે પડકાર ઊભો કરી શકે છે.
Published On - 9:32 pm, Sat, 21 November 26