KKR નો નવો કેપ્ટન કોણ? ₹25.20 કરોડના નિર્ણય પર સવાલ, આ સ્ટાર ખેલાડીનું નામ સૌથી આગળ

મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માને ફરીથી કેપ્ટન બનાવવાની જાહેરાત કર્યા બાદ હવે KKR ના નવા કેપ્ટનને લઈને ચર્ચાઓ તેજ બની છે. અજિંક્ય રહાણેના સંન્યાસ બાદ ખાલી પડેલી કેપ્ટનશીપ માટે એક સ્ટાર ખેલાડીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે, જ્યારે ₹25.20 કરોડના નિર્ણય પર પણ સવાલો ઊઠી રહ્યા છે.

KKR નો નવો કેપ્ટન કોણ? ₹25.20 કરોડના નિર્ણય પર સવાલ, આ સ્ટાર ખેલાડીનું નામ સૌથી આગળ
Image Credit source: PTI
| Updated on: Nov 28, 2026 | 8:27 PM

27 નવેમ્બરે મુંબઈ ઇન્ડિયન્સે લીગના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને ફરીથી કેપ્ટન બનાવવાની જાહેરાત કરી દીધી. તેના એક દિવસ બાદ KKR ના નવા કેપ્ટનની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે, તો શું IPL 2027 પહેલા કોલકાતા પણ નવો કેપ્ટન શોધી રહ્યું છે?

ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણનું માનવું છે કે, રિંકુ સિંહને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) નો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

રહાણેના સંન્યાસ બાદ ખાલી છે કેપ્ટનશીપનું પદ

ત્રણ વખતની ચેમ્પિયન KKR IPL ની આગામી હરાજીમાં પોતાની ટીમની નબળાઈઓને દૂર કરવાની તૈયારી કરી રહી છે. અજિંક્ય રહાણેના સંન્યાસ બાદ KKR 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારી હરાજી પહેલાં નવા કેપ્ટનની શોધમાં છે.

Rinku Singh બેસ્ટ ઓપ્શન

પઠાણે જિયોસ્ટાર પર કહ્યું, “રિંકુ સિંહને KKR નો કેપ્ટન બનાવવાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. હાલમાં ટીમમાં નેતૃત્વના વધુ વિકલ્પો નથી. આવા સમયે રિંકુ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ નજરે પડે છે.”

ઓક્શનમાં શોધી શકે છે Captain

વડોદરાના 42 વર્ષીય પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, ફ્રેન્ચાઇઝી હરાજીમાં કોઈ ખેલાડીને ખરીદીને તેને પણ કેપ્ટનશીપની જવાબદારી સોંપી શકે છે, જેમાં તેમણે વેસ્ટ ઇન્ડીઝના શાઈ હોપને આ ભૂમિકા માટે એક વિકલ્પ ગણાવ્યો.

પઠાણે કહ્યું, “તેઓ હરાજીમાંથી પણ કોઈ કેપ્ટનને ખરીદવા વિશે વિચારી શકે છે. જો આવું થાય તો મારા મગજમાં માત્ર એક જ નામ આવે છે અને તે શાઈ હોપનું છે. તેમણે તાજેતરમાં ભારત સામે શ્રેણી રમી અને સારું પ્રદર્શન કર્યું.”

તેમણે કહ્યું, “જો KKR ઈચ્છે તો આ વિકલ્પ પર પણ વિચાર કરી શકે છે પરંતુ ટીમ મેનેજમેન્ટના કામ કરવાની રીતને જોતા મને લાગે છે કે, રિંકુ જ નવો કેપ્ટન બનશે.”

આકાશ ચોપરાએ પણ કર્યું રિંકુનું સમર્થન

ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન આકાશ ચોપરાએ પણ કેપ્ટનશીપ માટે રિંકુનું સમર્થન કર્યું, જે ગત સિઝનમાં KKR નો વાઇસ-કેપ્ટન હતો. ચોપરાએ સુનીલ નારાયણને પણ કેપ્ટનશીપનો એક વિકલ્પ ગણાવ્યો.

ચોપરાએ કહ્યું, “જો KKR રિંકુને કેપ્ટન બનાવવાનો નિર્ણય કરે છે; તો તેમની પાસે આ જ સૌથી સારો વિકલ્પ છે. ગત વર્ષે તેને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જેનાથી તેની દાવેદારી વધુ મજબૂત બની જાય છે.”


તેમણે કહ્યું, “નારાયણ પણ એક વિકલ્પ છે. તે પહેલાં પણ કેપ્ટનશીપ કરી ચૂક્યો છે અને આ જવાબદારી માટે ખરાબ વિકલ્પ નહીં હોય.”

આ સિવાય, ચોપરાએ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ટીમમાં જાળવી રાખવાના KKR ના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા.

ગ્રીનને કરી દેવો જોઈતો હતો રિલીઝ

તેમણે કહ્યું, “હું ગ્રીનને ટીમમાંથી બહાર ન કરવાના નિર્ણયથી થોડો હેરાન છું, કારણ કે 25.20 કરોડ રૂપિયા ઘણી મોટી રકમ છે. હરાજીમાં KKR પાસે 41 કરોડ રૂપિયાનું પર્સ છે. જો તેઓ ગ્રીનને રિલીઝ કરી દેતા, તો તેમની પાસે વધુ પૈસા હોત અને તેઓ તેને ઘણી ઓછી કિંમતે ફરીથી ખરીદી શકતા હતા. આ હરાજીમાં કોઈ પણ ગ્રીન પર 25 કરોડ રૂપિયા ખર્ચ ન કરત.”

ચોપરાએ કહ્યું, “મેં સાંભળ્યું છે કે… KKR એ ગ્રીનને ટ્રેડ દ્વારા બીજી ટીમને આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ પણ ટીમે તેને લેવામાં રસ દાખવ્યો નહીં. મોટાભાગની ફ્રેન્ચાઇઝીએ આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો કારણ કે, તે ઓસ્ટ્રેલિયન ખેલાડી છે અને IPL ના તરત બાદ એશિઝ શ્રેણી રમાવાની છે. આવા સમયે તેની ઉપલબ્ધતાને લઈને શંકા છે.”

તેમણે કહ્યું, “મને નવાઈ લાગે છે કે, KKR એ હજુ પણ તેને ટીમમાં જાળવી રાખ્યો છે. આગળ ખબર પડશે કે, આ નિર્ણય સાચો સાબિત થાય છે કે ખોટો? એ પણ સવાલ છે કે, તે કેટલી બોલિંગ કરે છે અને કેટલી મેચો માટે ઉપલબ્ધ રહે છે? કારણ કે તે ઈજાઓથી ઘણો પરેશાન રહ્યો છે.”

Breaking News : ન સદી, ન અડધી સદી… માત્ર એક છગ્ગાથી ઋષભ પંતે રચ્યો ઇતિહાસ!

Follow Us
Loading...
Unable to load recommendations.