
એશિઝ 2025-26 સિરીઝની છેલ્લી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે ફરી એકવાર કારનામું કરી બતાવ્યું છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે ઇંગ્લેન્ડની ખરાબ શરૂઆત બાદ રૂટે ઇનિંગ્સ સંભાળી અને અડધી સદી ફટકારી દીધી. આ અડધી સદી સાથે રૂટે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
આ ઇનિંગે ઇંગ્લેન્ડને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યું અને રૂટનું નામ ફરી એકવાર ક્રિકેટ ઇતિહાસના પન્નાઓમાં લખાયું. સિડની ટેસ્ટમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો.
શરૂઆતમાં આ નિર્ણય મૂર્ખામીભર્યો સાબિત થયો. ટીમે માત્ર 57 રનમાં 3 મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી. ઝેક ક્રોલી, બેન ડકેટ અને જેકબ બેથેલ સસ્તામાં આઉટ થઈ ગયા. શરૂઆતના ધબડકા બાદ એવું લાગતું હતું કે, ઓસ્ટ્રેલિયા ઝડપથી મેચ પર કબજો જમાવી લેશે.
જો કે, મુશ્કેલ પરિસ્થિતિમાં જો રૂટે યુવાન બેટ્સમેન હેરી બ્રુક સાથે મળીને ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. બંનેએ ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરી, જેના કારણે ઓસ્ટ્રેલિયન બોલરો દબાણમાં આવી ગયા.
રૂટે સ્લો બેટિંગ કરી, જ્યારે બ્રુકે તક મળતાં આક્રમક શોટ્સ રમ્યા. આ ભાગીદારીએ ઇંગ્લેન્ડને એક સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યું અને ટીમનો સ્કોર મજબૂત રહ્યો.
ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને વધુ એક શાનદાર અડધી સદી ફટકારી.
આ ઇનિંગ સાથે ‘રૂટ’ સચિન તેંડુલકરના નામે એક મોટો વિશ્વ રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયો છે. રૂટ હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા ક્રમે પહોંચી ગયો છે.
સિડની ટેસ્ટમાં આ અડધી સદી જો રૂટની કારકિર્દીની 67મી ટેસ્ટ સદી હતી. રૂટે વેસ્ટ ઈન્ડિઝના શિવનારાયણ ચંદ્રપોલને પાછળ છોડી દીધો છે, જેના નામે 66 અડધી સદી હતી.
રૂટ હવે સચિન તેંડુલકરના 68 અડધી સદીના રેકોર્ડથી માત્ર એક ડગલું દૂર છે. તેના વર્તમાન ફોર્મને જોતા નિષ્ણાતો માને છે કે, તે સિડની ટેસ્ટમાં આ રેકોર્ડની બરાબરી કરી શકે છે.
જો કે, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં જો રૂટ હજુ પણ સચિન તેંડુલકરથી પાછળ છે. રૂટે 13,849 રન બનાવ્યા છે, જ્યારે સચિને 15,921 રન બનાવ્યા છે. આનો અર્થ એ થયો કે, આ રેકોર્ડ તોડવા માટે રૂટને વધુ 2072 રન બનાવવાની જરૂર છે.
Published On - 6:52 pm, Sun, 4 January 26