
ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી કરવાની આશા રાખતા યુવા વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનએ ધમાકેદાર ઈનિંગ રમીને પોતાનો દાવો રજૂ કર્યો છે. પોતાની સ્થાનિક ટીમ ઝારખંડની કેપ્ટનશીપ કરતા ઈશાન કિશનએ સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી 2025ની ફાઈનલમાં શાનદાર બેટિંગ કરીને યાદગાર સદી ફટકારી હતી.
હરિયાણા સામેની ફાઈનલમાં, ઈશાન કિશનએ માત્ર 45 બોલમાં રેકોર્ડબ્રેક સદી ફટકારી હતી. આ સાથે, તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ફાઈનલમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. આ પહેલા, આ ટુર્નામેન્ટની ફાઈનલમાં કોઈ પણ કેપ્ટને સદી ફટકારી ન હતી.
18 ડિસેમ્બર, ગુરુવારના રોજ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં SMAT 2025 ની ફાઈનલમાં ઈશાન કિશનનું જોરદાર ફોર્મ જોવા મળ્યું. આ ટુર્નામેન્ટમાં ટીમનું નેતૃત્વ કરતા ઈશાને ટુર્નામેન્ટની પહેલી મેચથી જ કેટલીક મજબૂત ઈનિંગ્સ રમી, જેનાથી ટીમ ફાઈનલમાં પહોંચી શકી હતી. પરંતુ ટાઈટલ જીતવા માટે ફાઈનલમાં શાનદાર પ્રદર્શનની જરૂર હતી, અને અહીં કેપ્ટને કમાન સંભાળી અને પોતાના બેટથી તબાહી મચાવી દીધી.
પહેલી ઓવરમાં વિકેટ ગુમાવવાથી પણ ઈશાન પર કોઈ અસર થઈ નહીં, અને તેણે હરિયાણાના બોલરો સામે આક્રમક બેટિંગ ચાલુ રાખી. તેણે છઠ્ઠી ઓવરમાં ત્રણ છગ્ગા ફટકાર્યા, જે બાદ પણ તેના ચોગ્ગા અને છગ્ગા ચાલુ જ રહ્યા, અને તેણે માત્ર 24 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. ઈશાનને મેચમાં એક જીવનદાન પણ મળ્યું, જ્યારે હરિયાણાના ખેલાડીએ તેનો એક આસન કેચ છોડી દીધો. ઈશાને આનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને માત્ર 45 બોલમાં તેની સદી પૂરી કરી. તેણે એક હાથે છગ્ગા મારીને પોતાની સદી પૂરી કરી.
આ સાથે, ઈશાન કિશન મુશ્તાક અલી ટ્રોફીની ફાઈનલમાં સદી ફટકારનાર માત્ર બીજો બેટ્સમેન અને સૌપ્રથમ કેપ્ટન બન્યો. વધુમાં, તેણે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાના અભિષેક શર્માના રેકોર્ડની બરાબરી કરી. બંને ખેલાડીઓની હવે પાંચ-પાંચ સદી છે. ઈશાન પાસે T20 ક્રિકેટમાં કુલ છ સદી છે. ઈશાન 49 બોલમાં 101 રન બનાવીને આઉટ થયો, તેણે પોતાની વિસ્ફોટક ઈનિંગમાં 10 છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા.
આ પણ વાંચો: Breaking News : યુઝવેન્દ્ર ચહલને એક સાથે બે ખતરનાક બીમારી થઈ, ડોક્ટરોએ આપી આ સલાહ