
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ટી20 સિરીઝની છેલ્લી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. વરસાદના કારણે આ મેચ રદ થઈ ગઈ હતી પરંતુ ઈશાન કિશને પોતાની 30 રનની ઈનિંગ દરમિયાન નવો ઈતિહાસ રચી દીધો.
તેણે આ 30 રન 10 બોલમાં બનાવ્યા અને એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. કિશને પોતાની આ ઈનિંગ દરમિયાન 2 છગ્ગા અને 3 ચોગ્ગા પણ ફટકાર્યા. આ ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની સાથે જ તેણે મોહમ્મદ રિઝવાન અને સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નાખ્યો.
વેસ્ટઈન્ડિઝ સામેની છેલ્લી ટી20 મેચમાં ઈશાન કિશને 3 શાનદાર ચોગ્ગા ફટકાર્યા અને આ સાથે જ તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ફુલ-મેમ્બર ટીમો વચ્ચે એક વર્ષમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર વિશ્વનો નંબર-1 બેટ્સમેન બની ગયો છે.
તેણે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનનો રેકોર્ડ તોડ્યો છે, જેણે વર્ષ 2021માં કુલ 119 ચોગ્ગા ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
કિશને વર્ષ 2026માં અત્યાર સુધી ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 122 ચોગ્ગા ફટકારીને મોહમ્મદ રિઝવાનનો 5 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ મામલે ઝિમ્બાબ્વેનો બ્રાયન બેનેટ વર્ષ 2025માં 109 ચોગ્ગા સાથે ત્રીજા નંબરે છે.
ચોથા નંબરે ભારતનો સૂર્યકુમાર યાદવ છે, તેણે વર્ષ 2022માં 106 ચોગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાનનો બાબર આઝમ વર્ષ 2021માં 99 ચોગ્ગા ફટકારીને પાંચમા સ્થાને છે.
આ ઈનિંગ દરમિયાન ઈશાન કિશને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રી (ચોગ્ગા-છગ્ગા) ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે વર્ષ 2022માં 174 બાઉન્ડ્રી ફટકારી હતી.
ઈશાન વર્ષ 2026માં અત્યાર સુધી 34 મેચોમાં 177 બાઉન્ડ્રી (122 ચોગ્ગા અને 55 છગ્ગા) ફટકારીને આ યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. આ લિસ્ટમાં અભિષેક શર્મા 162 બાઉન્ડ્રી સાથે ત્રીજા સ્થાને છે.