Cricket: વિરાટ કોહલીનો હવે આ મહત્વનો રેકોર્ડ તૂટી ગયો, આયરલેન્ડની ટીમના ખેલાડીએ તોડી નાંખ્યો વિશ્વ વિક્રમ !
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને ત્રણેય ફોર્મેટનો રાજા માનવામાં આવે છે. તેણે ઘણી રેકોર્ડ ઇનિંગ્સ રમી છે
ભારતીય ટીમ (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં વિશ્વના મહાન અને સૌથી સફળ બેટ્સમેનોમાંથી એક છે. ટેસ્ટ હોય, વનડે હોય કે T20, કોહલીએ દરેક જગ્યાએ પોતાને રાજા સાબિત કર્યો છે. તેની વર્ચસ્વને પડકારવા માટે બહુ ઓછા ખેલાડીઓ છે. જોકે, તાજેતરમાં આયર્લેન્ડના બેટ્સમેને વિરાટ કોહલી ને એક રીતે મોટો વર્લ્ડ રેકોર્ડ (World Record) તોડીને પડકાર ફેંક્યો છે.
આ રેકોર્ડ તોડનાર બેટ્સમેનનું નામ પોલ સ્ટર્લિંગ (Paul Stirling) છે. પોલ સ્ટર્લિંગ આયર્લેન્ડનો એક દિગ્ગજ ખેલાડી છે. તેણે પોતાના દેશ માટે 89 ટી20 મેચ રમી છે. આ 89 મેચોમાં તેના બેટમાંથી ઘણી શાનદાર ઇનિંગ્સ આવી હતી. જેની સાથે તેણે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. રવિવારે તેણે UAE સામે 40 રન બનાવ્યા અને તેની સાથે કિંગ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો હતો. સ્ટર્લિંગે હવે વિરાટ કોહલીને પછાડીને ટી20 ફોર્મેટમાં સૌથી વધુ ચોગ્ગા નોંધાવનાર બેટ્સમેન બની ગયો છે.
સ્ટર્લીંગે કોહલીને પછડાટ આપી
સ્ટર્લિંગે તેની કારકિર્દીની 89 મી મેચમાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો. તેણે રવિવારે દુબઈના આઈસીસી એકેડમી મેદાનમાં 35 બોલમાં 40 રન બનાવ્યા હતા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેના નામે હવે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 288 ચોક્કા નોંધાઇ ચુક્યા છે જ્યારે વિરાટ પાસે 285 ચોગ્ગા છે. કોહલીનો છગ્ગાનો રેકોર્ડ પણ સ્ટર્લિંગના નિશાના પર છે. કોહલીએ 90 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 90 સિક્સર ફટકારી છે.
સ્ટર્લિંગે 2495 રન બનાવ્યા છે અને કુલ 87 સિક્સર ફટકારી છે. આ યાદીમાં ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ ત્રીજા નંબરે છે. ગુપ્ટિલે 102 મેચમાં 2939 રન બનાવ્યા છે. જેમાં તેની પાસે 256 ચોગ્ગા અને 147 છગ્ગા છે. ભારતના રોહિત શર્માએ 111 મેચમાં 252 ચોગ્ગા ફટકાર્યા છે. રોહિતના નામે 133 છગ્ગા છે.
સહેવાગનો ફેન છે, સ્ટર્લીંગ
પોલ સ્ટર્લિંગ તેની કારકિર્દીની શરૂઆતમાં તે વિરેન્દ્ર સહેવાગનો ચાહક રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સાથેની વાતચીતમાં પોલ સ્ટર્લિંગે તે દિવસો યાદ કર્યા જ્યારે તે સહેવાગની જેમ રમવાનો પ્રયત્ન કરતો હતો. પોલ સ્ટર્લિંગે કહ્યું હતુ, કદાચ બે બેટ્સમેનોને રમતા જોવાનું ગમ્યું હતુ, એક ડેમિયન માર્ટિન હતો, તેને રમતા જોઈને આનંદ થયો હતો.
જેને જોઇ આંખોને રાહત થતી હતી, તે ખેલાડીની રમતનુ હું ક્યારેય પુનરાવર્તન નહીં કરી શકું. તે ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ છે. મને તેની રમત ગમતી હતી અને તેમના ઘણા શોટનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે ખૂબ જ સારો ન હતો.