
BCCI on Impact Player Rule: Board of Control for Cricket in India દ્વારા IPLમાં લાગુ કરાયેલ ઇમ્પેક્ટ પ્લેયર રૂલ ફરી ચર્ચામાં આવી ગયો છે. ખાસ કરીને Rohit Sharma અને Virat Kohli જેવા મોટા ખેલાડીઓએ અગાઉ આ નિયમનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. હવે IPL 2026 પછી આ નિયમની સમીક્ષા કરવાની વાત સામે આવતા ફરી ચર્ચાઓ તેજ બની છે.
ઇમ્પેક્ટ પ્લેયર રૂલ પ્રથમ વખત 2023માં રજૂ કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ મેચમાં વધુ ઉત્સાહ અને રોમાંચ લાવવાનો હતો. આ નિયમ મુજબ, દરેક ટીમ મેચ દરમિયાન એક ખેલાડીને બદલી શકે છે, જે ટીમને પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કે બોલિંગ મજબૂત બનાવવાની તક આપે છે. જોકે, આ નિયમ લાગુ થયા પછી ઘણા નિષ્ણાતો અને ખેલાડીઓએ તેના પ્રભાવ પર સવાલો ઊભા કર્યા છે.
BCCI સચિવ દેવજીત સૈકિયાએ તાજેતરમાં જણાવ્યું કે આ નિયમ છેલ્લા બે વર્ષથી ચર્ચામાં છે અને IPL 2026 પૂરો થયા પછી તેની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટુર્નામેન્ટ ચાલી રહી હોય ત્યારે કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમના કહેવા મુજબ, હાલ IPLમાં દરેક પ્રકારની મેચો જોવા મળી રહી છે. ક્યારેક ટીમો ઓછા સ્કોર પર આઉટ થાય છે તો ક્યારેક 250+ સ્કોરનો સફળ પીછો પણ થાય છે. એટલે રમતનું સંતુલન સંપૂર્ણપણે બગડ્યુ હોય એવું કહેવું યોગ્ય નથી.
પરંતુ આ નિયમની સૌથી મોટી ટીકા એ છે કે તેણે ઓલરાઉન્ડર ખેલાડીઓની ભૂમિકા ઘટાડી છે. ટીમો હવે સરળતાથી ખાસ બેટ્સમેન અથવા બોલર પર આધાર રાખી શકે છે, જેના કારણે ક્રિકેટના પરંપરાગત સંતુલન પર અસર પડી રહી છે.
2024માં, રોહિત શર્માએ ખુલ્લેઆમ કહ્યું હતું કે તેમને આ નિયમ પસંદ નથી. તેમના મુજબ, ક્રિકેટ 11 ખેલાડીઓની રમત છે, 12ની નહીં, અને આ પ્રકારના ફેરફારો રમતની મૂળ ભાવનાને અસર કરે છે. બીજી તરફ, વિરાટ કોહલીએ પણ રોહિતના મતને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે મનોરંજન મહત્વનું છે, પરંતુ રમતનું સંતુલન જાળવવું વધુ જરૂરી છે.
હવે નજર IPL 2026 પછીના BCCIના નિર્ણય પર રહેશે. શું બોર્ડ ખેલાડીઓની ચિંતા ધ્યાનમાં લેશે કે પછી મનોરંજનને પ્રાથમિકતા આપીને આ નિયમ ચાલુ રાખશે, તે જોવાનું રહેશે.
અંબાણીની ટીમનો 23 વર્ષનો ખેલાડી તિલક વર્મા પહેરે છે આ ખાસ ઘડિયાળ, જાણો તેની કિંમત